જય મહાકાલ ! રાજકોટથી ઉદયપુર-ઈન્દોરની ફ્લાઈટનો પ્રારંભ

મોરબીના ઉદ્યોગકારો માટે વધુ સવલતનો પ્રારંભ

મોરબી : રાજકોટની ભાગોળે નવા બનેલા ઈન્ટરનેશનલ એરપોર્ટનો આગામી તા. 10 સપ્ટેમ્બરના રોજ પ્રારંભ થાય તે પૂર્વે આજે રાજકોટ-ઈન્દોર અને ઉદયપુરને જોડતી વધુ બે વિમાની સેવાનો પ્રારંભ થયો છે. જો કે બન્ને શહેરો સાથે જોડતી વિમાની સેવા પ્રારંભે જ તહેવારોના કારણે રાજકોટથી ઉદયપુર તેમજ ઈન્દોર જવાના વિમાની ભાડા મુસાફરોના ખિસ્સા ખાલી કરી નાંખે તેવા રાખવામાં આવ્યા છે. જો કે રિટર્ન ટિકિટના દર મુસાફરોને મોજ કરાવી દે તેવા છે.

જાગરણ ગુજરાતીના રિપોર્ટ મુજબ રાજકોટ-ઈન્દોર અને ઉદયપુર વચ્ચે આજથી શરૂ થયેલી ઈન્ડિગોની ફ્લાઈટ સવારે 6:30 વાગ્યે ઉપડી 8:20 કલાકે રાજકોટ લેન્ડ થઈ હતી. જ્યારે રાજકોટથી સવારે 8:40 કલાકે આજ ફ્લાઈટ ઉદયપુર માટે ટેકઓફ થઈ હતી અને સવારે 9:55 કલાકે ઉદયપુર પહોંચી હતી. જે બાદ સવારે 10:15 કલાકે ઉદયપુરથી ઉપડી સવારે 11:30 કલાકે રાજકોટ પહોંચી હતી અને રાજકોટથી સવારે 11:15 કલાકે ઈન્દોર જવા રવાના થઈ હતી.

આજે સવારે ઈન્દોરથી રાજકોટ પહોંચેલી આ ફ્લાઈટનું એરપોર્ટ ઉપર વોટર કેનનથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને કેપ્ટન તેમજ ક્રુ મેમ્બરને પણ ફૂલહાર કરવામાં આવ્યા હતા.રાજકોટથી ઉદયપુર અને ઈન્દોરને જોડતી આ બન્ને ફ્લાઈટના રાજકોટથી જવાના ભાડા ખુબ ઊંચા રાખવામાં આવ્યા છે. જ્યારે રિટર્ન ટિકિટ દર મુસાફરોને પોષાય તેવા છે. આજે પ્રથમ દિવસે અને આવતી કાલ માટે રાજકોટથી ઉદયપુરનું વન-વે ભાડુ રૂ. 7 થી 10 હજાર રૂપિયા છે, જ્યારે ઉદયપુરથી રાજકોટ આવવાનું ભાડુ રૂ. 3100 છે. જો કે રિટર્ન ટિકિટના 6600 રૂપિયા લેવામાં આવી રહ્યાં છે.

આવી જ રીતે રાજકોટથી ઈન્દોરની ફ્લાઈટનું વન-વે ભાડુ 6500થી 10,000 રૂપિયા છે, જ્યારે ઈન્દોરથી રાજકોટ આવવા વન-વે ભાડુ 3600 છે. જો કે રિટર્ન ટિકિટનો દર 6900નો રાખવામાં આવ્યો છે.નવી વિમાની સેવાથી મોરબીના ઉદ્યોગકારોને ફાયદો થશે.