લોકોની ધીરજ ખૂટી : બે વિસ્તારના ટોળાનો મોરબી પાલિકામાં હંગામો

- text


દોઢ મહિનાથી પાણી વિના ટળવળતા સામાંકાંઠાની સોસાયટીની મહિલાઓનો તંત્ર સામે ઉગ્ર આક્રોશ : પાણી વગર માણસોને મારી નાખવા છે ? પાણી નહિ મળે તો હાથ ઉપાડતા પણ અચકાશુ નહી, બીજા વિસ્તારના લોકોએ કચરા પ્રશ્ને પાલિકામાં મોરચો માંડ્યો

મોરબી : મોરબીમાં નપાણીયા તંત્રના પાપે સમસ્યાઓ વિકટ બનતા લોકોએ ધીરજ ગુમાવી હતી અને આજે મોરબીના બે વિસ્તારના ટોળાએ પાણી અને કચરા પ્રશ્ને મોરચો માંડ્યો હતો. જ્યારે દોઢ મહિનાથી પાણી વિના ટળવળતા સામાંકાંઠાની સોસાયટીની મહિલાઓનો તંત્ર સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો કે, પાણી વગર માણસોને મારી નાખવા છે ? પાણી નહિ મળે તો હાથ ઉપાડતા પણ અચકાશુ નહી. મહિલાઓની ઉગ્ર રજુઆતને પગલે ચીફ ઓફિસરે પાણી પુરવઠાના અધિકારીને બોલાવી પાણી આપવાની સૂચના આપી છે.

મોરબીના સામાંકાંઠા વિસ્તાર આવેલી હરિપાર્ક સોસાયટીના લોકોએ ચીફ ઓફિસર સમક્ષ ઉગ્ર રજુઆત કરતા કહ્યું હતું કે, તેમની સોસાયટી છેલ્લા દોઢ મહિનાથી તરસી છે. દોઢ મહિનાથી આ સોસાયટીના લોકો પાણીની એક એક બુદ માટે તરસી રહ્યા છે. જ્યારે જ્યારે નગરપાલિકાને રજુઆત કરીએ ત્યારે ત્યારે નગરપાલિકા આજે અને કાલે પાણી આવશે એવા ઠાલા આશ્વસન આપે છે. આથી તંત્રના આવા લુખ્ખા વચનોથી કંટાળી ગયા છીએ, મહિલાઓએ તો ત્યાં સુધી કહ્યું હતું કે શું પાણી વગર માણસોને મારી નાખવા છે. પાણી ન આપો તો અધિકારી કે કર્મચારી ઉપર હાથ ઉપાડતા અચકાશું નહીં. તેટલી હદે ગળે આવી ગયા છીએ, માર મારીએ તો બહુમાં બહુ તો જેલ થશે.પણ આ રોજની હૈયા હોળીમાંથી છુટકારો તો મળી જશે.

મહિલાઓએ વધુ ઉગ્ર બનીને જણાવ્યું હતું કે, પાણી દોઢ મહિનાથી આવતું નથી. જૂની લાઇન ચાલુ હતી.ત્યારે પાણી આવતું પણ નવી લાઇન ચાલુ કરી એમાં પાણી આવતું નથી. આથી અમે રોજ રોજ પાણીના ટાંકા મંગાવી શકીએ એટલા આર્થિક રીતે સક્ષમ પણ નથી. સામાન્ય શ્રમજીવીઓનો આ વિસ્તાર છે. ઘરનું માંડ પૂરું થતું હોય એમાં મોંઘા ભાવનો રોજ પાણીનો ટાંકો ક્યાંથી મંગાવો. હવે તો કાયદો હાથમાં લઈ લેવા પણ મજબુર બન્યા છીએ. એટલી આ તંત્રએ હદ કરાવી નાખી છે.તંત્રના પાપે પાણીની અમારા ઘરોમાં રોજની રામાયણ થાય છે. પાણી માટે ભારે કપરો સંઘર્ષ વેઠવો પડે છે. મહિલાઓની એક કલાક સુધીની સતત ઉગ્ર રજુઆત બાદ ચીફ ઓફિસરે તાકીદે પાણી પુરવઠાના અધિકારીને પાલિકામાં બોલાવીને આ સોસાયટીને પાણી આપવાની સૂચના આપતા હાલના તબક્કે મામલો થાળે પડ્યો હતો.

આ મહિલાઓ સહિતનું ટોળું ગયા પછી બીજા વિસ્તારનું ટોળું આવ્યું હતું. જેમાં સામાકાંઠાના વેજીટેબલ રોડ ઉપર આવેલ લાભનગર સોસાયટીના લોકોએ કચરા પ્રશ્ને નગરપાલિકામાં ઉગ્ર રજુઆત કરી હતી કે, ત્રણ મહિનાથી તેમની સોસાયટીમાં કચરો ઉપાડવા નગરપાલિકાની ગાડી આવી નથી.જેથી સોસાયટીમાં કચરાના ગંજ ખડકાયા છે. બેસુમાર ગંદકી ફેલાય છે. કચરાની ગાંડી ન આવતા કચરાના ગંજથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આ કચરા પ્રશ્ને અનેક રજુઆત કરી હોવા છતાં દરેક વખતે તંત્ર લોલીપોપ જ આપે છે. કચરા ઉઓર લાઈટ પ્રશ્ને પણ રજુઆત કરી હતી. લાઈટો બંધ હોવાથી ચોરીના બનાવોનો ભય રહે છે.

- text

- text