હળવદમા વિદ્યાર્થીઓ ખુલ્લામા ભણવા મજબૂર

- text


જર્જરિત શાળા તોડી પાડ્યા બાદ હજુ સુધી નવી શાળા ન બનાવતા વિદ્યાર્થીઓની કફોડી હાલત

હળવદ : ભણશે ગુજરાત, સૌ ભણે સૌ આગળ વધે અને શાળા પ્રવેશોત્સવના સરકારી તાયફા વચ્ચે હળવદમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓની ગંભીર હાલતની વરવી વાસ્તવિક્તા સામે આવી છે. જેમાં હળવદની એક શાળા જર્જરિત બની જતા તોડી પાડવામાં આવી હતી. આ શાળા તોડ્યાને ઘણો સમય વીતી ગયો છતાં નવી શાળા હજુ બનાવવામાં આવી નથી. બીજી તરફ આ શાળાને જે નવી જગ્યાએ શિફ્ટ કરી છે ત્યાં માત્ર બે જ ઓરડા છે. એમાં ઠાંસી ઠાંસીને વિદ્યાર્થીઓને ભણાવાય છે બાકી બચે એ વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં ભણાવવા પડે છે. સરકારી તંત્રના પાપે વિદ્યાર્થીઓ ટાઢ તડકો અને વરસાદમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં બેસીને ભણવા મજબૂર બન્યા છે.

હળવદના વોર્ડ નંબર 7માં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારની સરકારી પ્રાથમિક શાળા નંબર 8 કાર્યરત હતી. જેમાં ધો.1થી 5 સુધીના બાળકો ભણે છે. પરંતુ કમનસીબે આ શાળા કાળક્રમે જર્જરિત બનીને જોખમી બની જતા શાળાની બિલ્ડીંગ તોડી પાડવામાં આવી હતી. પણ આ શાળા પાડી એને દોઢ વર્ષ થયાં પણ હજુ સુધી આ શાળાને નવી બનાવવા માટે કોઈ કાર્યવાહી થઈ નથી અને હજુ સુધી નવી શાળા બનાવવા માટે પાયો પણ નાંખ્યો નથી. બીજી તરફ આ શાળાને પંચમુખી ઢોરા વિસ્તારમાં પાછળ આવેલ જર્જરિત હાલતમાં રહેલા કોમ્યુનિટી હોલમાં શિફ્ટ કરવામાં આવી હતી. દોઢ વર્ષથી કોમ્યુનિટી હોલ જર્જરિત હોય અને એમાં પણ માત્ર બે જ ઓરડા હોય આ બે ઓરડામાં ધો. 1થી 5ના 127 વિદ્યાર્થીઓ કેવી રીતે સમાઈ શકે ?

10 બાય 10ના બે રૂમમાં બબ્બે ત્રણ – ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બેસાડવામાં આવે છે. બાકી ઘણા વિદ્યાર્થીઓ બચે એમને ખુલ્લામાં બેસાડીને ભણાવાય છે. બધા વિદ્યાર્થીઓ આ સાંકડા રૂમમાં સમાઈ નહિ એટલે ઘણા વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં ઉપર આકાશ અને નીચે ધરતી વચ્ચે બેસાડવામાં આવે છે. ટાઢ હોય તડકો હોય કે વરસાદ બારેમાસ આ બાળકો ખુલ્લામાં બેસીને ભણે છે. શુ આવી રીતે ભણીને વિદ્યાર્થીઓ આગળ વધશે તેવો વેધક સવાલ વાલીઓ ઉઠાવ્યો છે.

વિદ્યાર્થીઓની આવી હાલત વચ્ચે શિક્ષકોની પણ ઘટ છે. પાંચ શિક્ષકોના મહેકમ વચ્ચે માત્ર ત્રણ જ શિક્ષકો છે. એટલે આ 127 બાળકો માટે ભણવાની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી. કારણ કે વરસાદમાં આ કોમ્યુનિટી હોલ જર્જરિત હોય ચારેકોરથી પાણી પડતું હોય વિદ્યાર્થીઓની ખરાબ હાલત થઈ જાય છે. વ્યવસ્થાની મોટી ખામી ઉપરાંત શિક્ષકોની ધટથી ગુજરાત સરકારના સૌ ભણે અને સૌ આગળ વધે એ સૂત્ર ક્યાંથી સાર્થક થશે ? આથી વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમક્ષ શાળાનું નવું બિલ્ડીંગ જલ્દી બનાવવામાં આવે તેવી માંગ કરી છે.

- text

- text