મોરબીમાં અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી

- text


મચ્છુ માતાની શોભાયાત્રા માનવ મહેરામણ ઉમટી પડ્યો, શોભાયાત્રામાં પોલીસની જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

મોરબી : મોરબી પંથકના રબારી અને ભરવાડ સમાજ વર્ષોથી દર અષાઢી બીજના પાવન પર્વને મચ્છુ માતાજીના પ્રાગટય દિન તરીકે ઉજવી ભવ્ય મચ્છુ માતાની શોભાયાત્રા કાઢે છે. બે વર્ષ કોરોનાનું ગ્રહણ નડ્યા બાદ હવે ફરીથી ભરવાડ રબારી સમાજ દ્વારા અષાઢી બીજે મચ્છુ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આજે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. જો કે સૌરાષ્ટ્રની આ બીજી સૌથી મોટી રથયાત્રા હોવાથી પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે.

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ મચ્છુ માતાજીના મંદિરેથી આજે સવારે અષાઢી બીજે મચ્છુ માતાજીની ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી અને આ શોભાયાત્રા હાલ શહેરના મુખ્યમાર્ગો ઉપર ફરી રહી છે. બાદમાં દરબારગઢ પાસે આવેલા મચ્છુ માતાના મંદિરે સંપન્ન થશે. આ શોભાયાત્રામાં હૈયે હૈયું દળાઈ તેની જનમેદની ઉમટી પડી હતી. આ શોભાયાત્રામાં રબારી અને ભરવાડ સમાજના યુવક યુવતીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ હુડો, ટીટોડો અનવ રાસ ગરબાની રંગત જમાવી રહ્યા છે. આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યારે પ્રખ્યાત કલાકારો ગોપાલ ભરવાડ, સુરેશ ઝાપડા ભાવેશ ભરવાડ સહિતના ડીજે અને આધુનિક ગીત સંગીતના સથવારે રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. શોભાયાત્રામાં સંત ઘનશ્યામપુરી મહારાજ, દ્રારકાના મહેશ પુરી બાપુ શોભાયાત્રામાં જોડાયા છે.રથયાત્રાના બંદોબસ્તમાં એક ડીવાયએસપી, બે પીઆઇ, આઠ પીએસઆઇ, 177 પોલીસ સ્ટાફ જોડાયો છે. શોભાયાત્રા જેમ જેમ મુખ્યમાર્ગો ઉપર પસાર થઈ રહી છે તેમ તેમ માનવ મહેરામણ અને ગીત સંગીતની જમાવટ સાથે અદભુત નઝારો સર્જાયો છે. જ્યારે રાત્રે સંતવાણી, લોકડાયરો યોજશે. જેમાં કુંવરબેન આહીર, શામજીભાઈ આહીર લોકડાયરોમાં જમાવટ કરશે.

- text

- text