બીપરજોયનું ટ્રેલર શરૂ : સુત્રાપાડા અને વેરાવળમાં પોણા 9 ઈંચ વરસાદ

- text


મોરબી : અરબી સમુદ્રમાં બિપરજોય વાવાઝોડું શક્તિશાળી બનતા ગઈકાલથી સૌરાષ્ટ્ર-કચ્છના 62 તાલુકામાં ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે ત્યારે સુત્રાપાડા અને વેરાવળમાં પોણા 9 ઈંચ જેટલો વરસાદ વરસી જતા ઠેર-ઠેર જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આજે સવારથી દ્વારકા-ગિરસોમનાથ-પોરબંદર-જૂનાગઢમાં વાવાઝોડાની અસરના પગલે ધોધમાર વરસાદ વરસ્યો છે.ખંભાળિયામાં 3 કલાકમાં 4 ઈંચ, ઉપલેટામાં સવા 2 ઈંચ, જામજોધપુર, મેંદરડા, વંથલીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢમાં સતત આજે બીજા દિવસે પણ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. બીજી તરફ સમગ્ર ગીર-સોમનાથ જિલ્લાના વાતાવરણમાં આજે બપોરથી પલટો આવ્યો હતો અને સુસવાટા મારતા પવન ફૂંકાવવાની સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી. જિલ્લામાં બપોરથી સાંજ સુધીમાં સાંબેલાધાર વરસાદ વરસી ગયો હતો. જેમાં વેરાવળ સોમનાથમાં પોણા નવ ઈંચ, સુત્રાપાડામાં પોણા નવ ઈંચ, તાલાલામાં સાડા પાંચ ઈચ, ઉનામાં સવા બે ઈંચ કોડિનારમાં પોણા ત્રણ ઈંચ અને ગીરગઢડામાં 7 મીમી વરસાદ વરસી ગયો હતો.

- text

વેરાવળ સોમનાથમાં પડેલ ભારે વરસાદના પગલે અનેક નીચાણવાળા વિસ્તારો, સોસાયટી વિસ્તારો, મુખ્ય બજારો અને રસ્તાઓ ઉપર ગોઠણડુબ પાણી ભરાઈ ગયા હતા. જેના પગલે રાહદારીઓ અને વાહનચાલકોને મુશ્કેલી અનુભવી પડી હતી.

- text