જમીન વિકાસ બેંકમાં દાખલો કાઢવાની ફીમાં કરાયેલો તોતીંગ વધારો પરત ખેંચવા રજૂઆત

- text


મોરબી : મોરબી જિલ્લાની જમીન વિકાસ બેંકમાં કોઈપણ પ્રકારનો દાખલો કઢાવવા માટે અરજદારો પાસેથી લેવાતી ફીમાં 10 ગણો વધારો કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આ વધારો પાછો ખેંચી દાખલાઓ ફ્રીમાં કાઢી આપવા અંગે સામાજિક કાર્યકર કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રીને સંબોધીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી જિલ્લામાં આવેલા મોરબી તાલુકા જમીન વિકાસ બેંક તથા માળિયા તાલુકા જમીન વિકાસ બેંકમાં ખેડૂતોને કોઈ પણ બાબતનો દાખલો કઢાવવા માટે પહેલા ૧૦ રૂ. ફ્રી લેવામાં આવતી હતી હાલમાં તેમાં 10 ગણો વધારો કરીને ૧૦૦ રૂ. કરવામાં આવી છે. આ ખેડૂતો સાથે અન્યાય છે. એક તરફ વડાપ્રધાન ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે ત્યારે અહીંયા મોરબીની બે બેંક દ્વારા ખેડૂતોની જાવકમાં વધારો કરી રહી છે. તેથી આ ફી વધારો પાછો ખેચીને નિઃશુલ્ક દાખલાઓ કાઢી આપવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે. જો આ રજૂઆત ધ્યાને લેવામાં નહીં આવે તો બન્ને તાલુકાના ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે તેમ પણ જણાવાયું છે

- text

- text