ટંકારાના બંગાવડી ગામે 13 પરિવારને રહેણાંક પ્લોટ ફાળવાયા

- text


ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થતા લાભાર્થીઓએ ડીડીઓનું કર્યું સન્માન

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી કર્મચારીની ઉપસ્થિતિમાં એકજ દિવસે 13 કુટુંબને રહેણાંક પ્લોટ ફાળવી કબજો સોપણી અને સનદ વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થી પરિવારે તંત્રની કામગીરી અને પ્રશ્નો પત્યે સતર્કતા બદલ રાજીપો વ્યક્ત કરી ડીડીઓનું સન્માન કર્યું હતું.

મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનુસૂચિત જાતિના લાભાર્થીને રહેણાંક જમીન પ્લોટ બાબતે અવારનવાર રજૂઆતો અને માગણીઓ થતી હોય ત્યારે ટંકારા તાલુકાના બંગાવડી ગામે ઘણા લાંબા સમયથી જમીનના પ્લોટ ફાળવણી વાંકે 13 જેટલા કુટુંબ રજુઆત કરતા હતાં. આ બાબત નવનિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજાના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી આ પ્રશ્ને સતર્કતા દાખવી પ્લોટના કબજા લાભાર્થીને અનુકૂળ જગ્યાએ ફાળવી સ્થળ પર સનદ આપવા ખુદ જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, નાયબ ડીડીઓ આઈ. પી. મેર, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, સર્કલ ઓફિસર જે. ડી. ચાવડા, જયદીપભાઈ પટેલ, બ્રિજરાજસિંહ ઝાલા, ટીસીએમ રાહુલભાઈ, નિઝામ મોડ, સંજય મેઘાણી સહિતના કર્મચારીઓ મોડી રાત્રી સુધી રોકાણ કરી બંગાવડી ગામના લાભાર્થીઓને અનુકૂળતા મુજબના પ્લોટ ફાળવણી કરી સનદ આપી પોતિકુ ઘર બનાવવાનો માર્ગ મોકળો કર્યો હતો.

તંત્રની આ કામગીરી નિહાળી લાભાર્થી પરિવાર તથા ગામના લોકોએ વહીવટી તંત્રની સતર્કતા અને લગાવ જોઈ ખુશ થયા હતા અને બીજા દિવસે નગરજનો જિલ્લા વિકાસ અધિકારીને એમની ઓફિસે મળી ખુશી વ્યક્ત કરી પુષ્પ ગુચ્છ આપી સન્માનિત અને આભાર વ્યક્ત કર્યા હતો.

- text

- text