હળવદમા રેતમાફિયાઓ વિરુદ્ધ રાતભર કાર્યવાહી ચાલુ રહી

- text


સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનીજ ચોરીનો ક્યાસ કાઢવા જીપીએસ મશીન દ્વારા સર્વે

મોરબી : હળવદ તાલુકાના ચાડધ્રા ગામે રેતમાફિયાઓ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા પાડવામાં આવેલ દરોડાની કાર્યવાહી આજે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી અને હાલમાં મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતમાફિયાઓએ કેટલી રેતીની ચોરી કરી છે તેનો ક્યાસ કાઢવા તાત્કાલિક અસરથી જીપીએસ મશીન વડે નકશા બનાવી ખનીજ ચોરીનો આંકડો મેળવવા કાર્યવાહી શરૂ કરી છે.પ્રાથમિક અંદાજ મુજબ કરોડો રૂપિયાની ખનીજ સંપદાની ચોરી મામલે કડક કાર્યવાહી કરવા એસએમસી દ્વારા વિધિવત ફરિયાદ નોંધાવવાના સંકેત મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ પંથકમાં રેતીચોરી મામલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા ગઈકાલે મોડી સાંજે એસઆરપીની ટીમોને સાથે રાખી ચાડધ્રા ગામે ચોતરફથી ઘેરો ઘાલી નદીના પટ્ટમાં ખુલ્લે આમ થતી રેતીની ખનીજ ચોરી મામલે દરોડા પાડી અંદાજે આઠથી નવ જેટલા હિટાચી મશીન, દસક જેટલા આઈવા ડમ્પર અને કેટલાક ખનીજ ચોરોને દબોચી લઈ હળવદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગને બનાવ સ્થળે બોલાવી ખનીજ ચોરી મામલે બારીકાઈ ભરી તપાસ શરૂ કરી હતી જે સવાર સુધી ચાલુ રહી હોવાનું જાણવા મળે છે.

- text

બીજી તરફ મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ચાડધ્રા ગામની સીમમાં નદીમાથી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ઝડપી લેવામાં આવેલ રેતીચોરીના આ કિસ્સામાં કેટલી ખનીજ સંપદાની ખનીજ ચોરી કરવામાં આવી છે તેનો ક્યાસ કાઢવા માટે હાલમાં જીપીએસ મશીન દ્વારા માપણી સહિતની કામગીરી કરવામાં આવી રહી છે જે પૂર્ણ થયે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા હળવદ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવે તેમ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text