વાંકાનેર પંથકમાં વીડી વિસ્તારમાં પવનચક્કીઓના પાપે વન્યપ્રાણીઓનું શેહરો તરફી પ્રયાણ

- text


પવનચક્કીના ભયંકર અવાજમાં ગૌચરમાં ગાયો પણ નથી ચરતી ત્યારે દીપડા જેવા રાની પશુઓ પણ વીડી-જંગલ છોડવા મજબુર

મૂડીવાદીઓ માટે ઉદારીકરણના નામે ઇકો સેન્સેટિવ ઝોન અને બફરઝોનમાં બેરોકટોક પણે પવનચક્કીના નામે જમીનની લ્હાણી

મોરબી : છેલ્લા પાંચેક વર્ષથી મોરબી જિલ્લામાં પવનચક્કીના નામે સરકારી ખરાબા અને ગૌચરની જમીનોની લ્હાણી બાદ હવે તો રાજા મહારાજા સમયની વન્યપ્રાણીઓ માટેની સુરક્ષિત રખાયેલી જમીન ઉપર પણ સરકારી બાબુઓ રિન્યુએબલ એનર્જીના રૂપકડા નામે ઇકો સેન્સેટિવ ઝોન અને બફરઝોનમાં સમાવિષ્ઠ થયેલી જમીંનની બેરોક્ટોકપણે લ્હાણી કરવાનું શરૂ કરતા દીપડા જેવા રાની પશુઓ જંગલ વિસ્તાર છોડી શહેરી વિસ્તાર સુધી આવી રહ્યા છે તેનો ઉત્તમ દાખલો વાંકાનેરમાં જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં અહીં બે દીપડા પાંજરે પુરાયા છે તો એક દીપડો નેશનલ હાઇવે ઉપર વાહન હડફેટે ચડી મોતને શરણે ગયો છે.

મોરબી જીલ્લાના વાંકાનેરમાં રાજાશાહીના વખતમાં સિંહ, ચિત્તા, દીપડા, હરણ જેવા અનેક જંગલી પશુઓ વાંકાનેરના જંગલોમાં અને વિડી વિસ્તારમાં રહેતાં અને રાજવીઓ પ્રજાની સાથોસાથ આ જંગલી પશુઓ અને જંગલની સુરક્ષા કરતાં. આજે લોકશાહીમાં જંગલોનો વિકાસ તો ન થયો પરંતુ જે જંગલો અને વિડી વિસ્તાર સરકારને સોંપવામાં આવ્યા ત્યાં આજે આ જંગલી જાનવરો ક્યાંય જોવા મળતાં નથી તેમ છતાં વાંકાનેરમાં આજે પણ શિડયુલ-વન ના દિપડા, હરણ, ઝરખ, અજગર, સાતનાર, શિયાળ તેમજ અન્ય પ્રાણીઓ અને સરીસૃપ તેમજ અનમોલ પક્ષીઓનો વસવાટ છે. વાંકાનેરમાં રક્ષિત જંગલ ઉપરાંત આ જંગલી પ્રાણીઓના રહેઠાણ માટે ડુંગરાળ વિસ્તાર સુરક્ષિત છે અને તેના રહેઠાણના પુરાવાઓ પણ મળી આવે છે અને આ ડુંગરાળ જગ્યા આવા પ્રાણીઓના અવરજવર માટેના રસ્તા (માયગ્રેટીંગ રૂટ) પર જંગલખાતા દ્વારા પાણી માટેના તળાવો તેમજ કંટુર બનાવેલ છે. રામપરા અભ્યારણ્યમાં ગીરના સાવજ સિંહ માટે ખાસ તકેદારી રૂપે નિવાસ સ્થાન ગોઠવવામાં આવ્યા છે અને સિંહને પણ અહીંનું વાતાવરણ માફક આવી જતાં સિંહની વસ્તીમાં પણ ઉતરોતર વધારો થયો છે એ જ રીતે અહીં રાની પશુ દીપડાઓની વસ્તી પણ સપ્રમાણ વિસ્તરી છે.

જો કે, વન્યપ્રાણીઓની છેલ્લા દસકામાં માઠી બેઠી હોય તેવી સ્થિતિ વચ્ચે મૂડીવાદીઓની નજર અહીં પડી છે અને સરકારની રિન્યુએબલ એનર્જીના રૂપકડા નામે અધિકારીઓના મેળાપણાથી જ્યાં જંગલોનું વિસ્તરણ થવું જોઈએ ત્યાં ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત પવન ચક્કીઓનો વિકાસ શરૂ કરાયો છે. વિન્ડફાર્મ કંપનીઓ દ્વારા અભ્યારણ વિસ્તારની બાજુમાં આવેલ ઇકો સેન્સેટીવ ઝોનમાં ડુંગરાળ જગ્યા પર જમીનની માંગણી કરવામાં આવી અને જંગલી પ્રાણીઓ કે જંગલની દરકાર કર્યા વગર તે જમીનો તેમને મળી ગઈ. જેમાં વિન્ડફાર્મ કંપની દ્વારા પવનચક્કીઓ ઊભી કરી તેમાંથી વીજ પ્રવાહ ઉત્પન્ન થતાં તેને વહન કરવા માટે વીજપોલો ઉભા થઇ ગયા. આ વીજ લાઈન માટેના લોખંડના પોલ ગ્રામ પંચાયતના ખરાબામાં, વોંકળામાં, તળાવમાં તેમજ ગૌચરમાં ઉભા કરી અને સરકારના ઠરાવો અને શરતોનો ભંગ કરી ડુંગરાળ વિસ્તારમાં વિચરતા વન્ય પ્રાણીઓના સ્થળાંતરના માર્ગ (માયગ્રેટીંગ રૂટ) પર કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા તેમજ વીજ પોલ ઉભા કરી વન્યપ્રાણીઓ માટે ખતરો ઉભો કર્યો છે.

- text

વાંકાનેરના સામાજિક કાર્યકર અને વન્યજીવપ્રેમી લવજીભાઈ અંબાલીયા કહે છે કે વાંકાનેરના રક્ષિત જંગલનો બહાર આવેલ ઇકો સેન્સેટિવ ઝોનમાં હાલમાં 29 પવનચકી ઉભી થઈ ગઈ છે જે વન્યપ્રાણીઓ માટે ખતરારૂપ છે. પવનચક્કીઓના કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે, પક્ષીઓ મરી રહ્યા છે, પવન ચક્કીઓ નાખતા પહેલાં એન્વાયરમેન્ટ એસેસમેન્ટ રિપોર્ટ થતો ન હોવાને કારણે પર્યાવરણને નુકસાન પહોંચી રહ્યું છે, પવનચક્કી ઊભી કરવા માટે ડુંગરોને સમથળ કરવામાં આવે છે, પવનચક્કીઓની ધ્રુજારી આપણને અનુભવાતી નથી પરંતુ તેના તરંગો બહુ દૂર સુધી જાય છે જેના કારણે પશુઓમાં ધરતીકંપ વખતે અનુભવે તેવી અનુભુતી થતી હોવાથી પશુઓને સાઈડ ઈફેક્ટ થાય છે અને પશુઓ તે તરફ જતાં નથી માટે ગૌચરો નકામાં બને છે. પવનચક્કી ઊભી કરવા માટે સરકાર દ્વારા તેમને એક હેક્ટર જમીન મળે છે પરંતુ પવનચક્કી ઊભી કરવા માટે આજુબાજુમાં પાંચથી છ હેક્ટર ડુંગરાળ જમીન સમથળ કરે છે અને વીજપોલ માટે હજારો હેકટર જમીનનો ઉપયોગ કરે છે. આ કોન્ટ્રાક્ટરો જમીન પોતાની જાગીર છે તેમ સમજી કાર્ય કરે છે.

ઉલ્લેખનીય છે કે, વાંકાનેરના રામપરા વીડી આજુબાજુના 12 ગામોમાં માત્ર દીપડા જ નહીં પરંતુ અનેક વન્યજીવો વસવાટ કરી રહ્યા છે.ખાસ કરીને ઝાલસીકા, વીડી ભોજપરા, ખીજડીયા, હોલમઢ, પીપરડી સહિતના 12 જેટલા ગામમાં વન્યજીવો કુદરતી રીતે વસવાટ કરી રહ્યા છે ત્યારે પવનચક્કીની સાથે સાથે ખનીજ સંપદાથી ભરપૂર આ વિસ્તારમાં રાત્રીના સમય ખનન અને ટ્રકોની અવરજવર તેમજ વાળા અને ખેતીના દબાણો પણ દીપડા જેવા વન્યપ્રાણીઓ માટે ખલેલ ઉભી કરી રહ્યા હોય વન્યપ્રાણીઓ શહેર તરફ પ્રયાણ કરી રહ્યા હોવાનું જીવદયાપ્રેમીઓ જણાવી રહ્યા છે.

- text