વાંકાનેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે બે ઝડપાયા

- text


મોરબી : મનુષ્ય તેમજ પશુ પક્ષીઓ માટે ઘાતક એવા ચાઈનીઝ દોરીના વેચાણ ઉપયોગ ઉપર પ્રતિબંધ હોવા છતાં લોકો છાને ખૂણે ખરીદ વેચાણ કરતા હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે બે અલગ અલગ દરોડા પાડી ને ઇસમોને ચાઈનીઝ દોરી સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ હાલમાં મોરબી સહિત રાજ્યભરમાં ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ હોવા છતાં વાંકાનેરમાં છાનેખુણે ચાઈનીઝ દોરી વેચાઇ રહી હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે કુંભારપરા ગરબી ચોક નજીક દરોડો પાડી આરોપી સંજય ધીરુભાઈ દેગામાના મંડપ સર્વિસના ગોડાઉનમાંથી ચાઈનીઝ દોરીની 10 ફીરકી કિંમત રૂપિયા 3000 કબ્જે કરી હતી.

આ ઉપરાંત અન્ય દરોડામાં પોલીસ ટીમે વાંકાનેર ધર્મ ચોક નજીકથી આરોપી અલ્પેશ જસવંતભાઈ શેખને ચાઈનીઝ દોરીની ફીરકી નંગ 1 કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ આઇપીસી અને જીપી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text