પડકારો સામે લડનાર મોરબી ભાજપને વિજયી બનાવશે : યોગી આદિત્યનાથ

- text


વાંકાનેર જાહેરસભામાં ઝૂલતા પુલ દુર્ઘટના, ભૂકંપ, વાવાઝોડું અને હોનારત જેવા પડકારો સામે ઉભા થવાની અદભુત શક્તિ ધરાવતી મોરબીની જનતાના વખાણ કર્યા

મોરબી : વિધાનસભા ચૂંટણી અંતર્ગત મોરબીમાં આજથી ભાજપના ઝંઝાવાતી પ્રચાર કાર્યનો શુભારંભ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વાંકાનેરથી કર્યો હતો. વાંકાનેર ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીના સમર્થનમાં યોજાયેલ જાહેરસભામાં યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત મોડલની આજે દેશ વિદેશમાં અમલવારી થઈ રહી હોવાનું જણાવી આ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધીઓને ઉખાડી ફેંકવા હાંકલ કરી જળ હોનારત, ભૂકંપ અને વાવાઝોડા જેવી આપત્તિઓ અને પડકારો સામે લડવાની શક્તિ ધરાવતા મોરબીના નાગરિકોને ભાજપને વિજયી બનાવવા ભાર પૂર્વક અનુરોધ કર્યો હતો.

વાંકાનેર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીના સમર્થનમાં આજે વાંકાનેર રાતીદેવડી રોડ ઉપર આવેલ કિરણ સીરામીક ફેકટરીમાં ઉત્તરપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની જાહેર સભા યોજાઈ હતી. પોતાના વક્તવ્યની શરૂઆતમાં યોગી આદિત્યનાથે ઝૂલતાપૂલ દુર્ઘટનાને યાદ કરી મૃતકોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન અને મુખ્યમંત્રી આ દુર્ઘટના સમયે સતત મોરબી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને કાંતિલાલ અમૃતીયાને યાદ કરી જીવન જોખમે કાનાભાઇએ બચાવકાર્ય કર્યું હોવાનું ઉમેર્યું હતું. આ તકે હકડેઠઠ માનવમેદનીને સંબોધતા યોગી આદિત્યનાથે લોકોને કહ્યું હતું કે વર્ષ 2014 કે 2017 પહેલા રામમંદિર નિર્માણ કે કાશી વિશ્વનાથ મંદિર માટે કલ્પના કરવી પણ મુશ્કેલ હતી પરંતુ મોદી હૈ તો મુમકીન હૈ સૂત્રને યાદ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુજરાત મોડલની આજે દેશ દુનિયામાં ચર્ચા અને અમલવારી થતી હોવાનું ગર્વભેર જણાવ્યું હતું.

વધુમાં યોગી આદિત્યનાથે કૃષ્ણ,ગાંધી,સરદાર અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈની જન્મભૂમિ એવા ગુજરાતમાં આવતા ધન્યતાની લાગણી અનુભવતા હોવાનું કહી મોરબી જિલ્લાના લોકોની જિન્દાદિલીના વખાણ કરતા કહ્યું હતું કે, ઝૂલતા પુલની દુર્ઘટનાની જેમ જ મોરબી હોનારત હોય કે વાવાઝોડું હોય કે પછી ભૂકંપ હોય મોરબીના લોકો પડકારો સામે લડીને ઉભા થયા છે, જાહેરસભામાં તેઓએ લોકોને સવાલો કરતા કહ્યું હતું કે શું કોંગ્રેસ શાસનમાં હોટ તો કાશ્મીરમાં કલમ 370 હટી હોટ ? અયોધ્યામાં રામ મંદિર બન્યું હોત ? શું કાશી વિશ્વનાથ મંદિરની ભવ્યતા આટલી નિખરી શકી હોત ? કહી મોરબીના લોકોને અયોધ્યા, કાશી પધારવા આમંત્રણ પાઠવ્યું હતું.

આ તકે યોગી આદિત્યનાથે આ વિધાનસભા ચૂંટણી રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાષ્ટ્ર વિરોધીઓ, રાષ્ટ્રવાદ વિરુદ્ધ આંતકવાદની હોવાનું જણાવી દેશમાં શાંતિ સુરક્ષા અને વિકાસ માટે નરેન્દ્રભાઈના માર્ગદર્શન હેઠળ ચાલતી ગુજરાતની ડબલ એન્જીન સરકારને મજબૂત બનાવવા ભાજપને જીત અપાવવા લોકોને આહવાન કરી વાંકાનેરના ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી.

વાંકાનેર ખાતે યોજાયેલ જાહેર સભામાં મોરબી ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, જીતુભાઇ સોમાણી દિલના ભોળા છે, જીતુભાઈએ કેટલાય ભાજપના મિત્રો સાથે ઝઘડા કર્યા છે પણ આજે બધું માફ કરી દયો, નિખાલશ માણસને માફ કરાય, આ માણસ વિકાસ માટે તાકાતથી લડશે તેવું જણાવી કોંગ્રેસ તરફે 80 ટકા અને ભાજપ તરફે 55 ટકા મતદાન થતું હોય આ વખતે લોકોને વધુમાં વધુ મતદાન કરી જીતુભાઈને વિજયી બનાવવા અનુરોધ કર્યો હતો.

જાહેરસભામાં રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાએ કહ્યું હતું કે મતભેદ હોય પરંતુ મનભેદ ન હોય જેથી ગયા વખતની ભૂલ સુધારી ગુજરાતના અસ્તિત્વની આ ચૂંટણીમાં ત્રુટીઓ પૂર્ણ કરી જીતુભાઈને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા લોકોને અપીલ કરી હતી. આ તકે ગત ચૂંટણીમાં અપક્ષ લડેલા કોળી સમાજના અગ્રણી ગોરધન સરવૈયાએ જણાવ્યું હતું કે, અગાઉ મેં કરેલી ભૂલ નું પ્રાયશ્ચિત કરવા અમે ભાજપને જીતાડવા તન તોડ મહેનત કરશું અને વધારે લીડ મળે તે માટે અમો અગાઉના વાદ વિવાદ ભૂલી અને કામે લાગીશું

- text

આ જાહેરસભામાંસાંસદ મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદર, વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહ, નાગદાનભાઈ ચાવડા, ઘોઘુભા, જિલ્લા પ્રભારી ભાનુભાઈ મેતા, મોરબીના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયા, હિરેન પારેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

- text