મોરબી દુર્ઘટનામાં હાઇકોર્ટેના વડપણ હેઠળ નિષ્પક્ષ તપાસ કમિટી બનાવી જોઈએ : અશોક ગહેલોત

- text


મોરબીની મુલાકાતે આવેલા રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે સરકારે રચેલી કમિટી અને મૃતકોને આપેલા વળતર બાબતે વેધક સવાલો કરી ખરેખર આ ઘટનાની સત્ય સુધી પહોંચી એકપણ જવાબદાર છટકી ન જાય તેવી સરકારને કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : મોરબીની ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાને પગલે રાજસ્થાનના સીએમ અશોક ગહેલોતે આજે મોરબી દોડી આવી સિવિલ હોસ્પિટલ, ઘટના સ્થળ અને અસરગ્રસ્તોની મુલાકાત લઈને આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ અને આઘાતજનક ગણાવી હતી અને ખરેખર આ ઘટના પાછળ એક પણ મોટા માથા જવાબદાર હોય તો તે છટકી ન જાય તે માટે હાઇકોર્ટેના વડપણ હેઠળ નિષ્પક્ષ કમિટી બનાવી જોઈએ તેવી માંગ કરી હતી.

આજે મોરબી મુલાકાતે આવેલા રાજસ્થાન મુખ્યમંત્રી સાથે કોંગ્રેસ દિગજ્જ નેતા અર્જુન મોઢવડીયા, જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી અને ધારાસભ્ય લલિત કગથરા સહિતના ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. રાજસ્થાન મુખ્યમંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ઝૂલતાપૂલ તૂટવાની ઘટના એ એક મોટી હોનારત છે. રાજ્ય સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર હોય આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેવી જોઈએ, સરકારે કમિટી તો બનાવી છે. પરંતુ આ રીતે કમિટીઓ તો બનતી રહેશે અને અધિકારીઓની તપાસ પણ ચાલતી રહેશે પણ ઘણી ઘટનામાં જોયું છે તેમ આવી તપાસ કમિટીમાં કોઈ નિષ્કર્ષ નીકળતો નથી. જવાબદારો હમેશા છટકી જાય છે. માટે ખુદ વડાપ્રધાન મોદીએ આ ઘટનાની તટસ્થ તપાસ થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ, ખાસ કરી જે જે હતભાગીઓ છે તેને વળતર આપી દેવાથી કામ પૂરું થઈ જતું નથી. પણ એમને પૂરો ન્યાય મળે તે જરૂરી છે. એટલે હાલ જે કાર્ય થઈ રહ્યું છે તેના બદલે આ ઘટનાની સત્ય સુધી પહોંચવા અને આ ઘટના સર્જવા પાછળ જે જે જવાબદારોના હાથ છે તેમને કાયદાના સંકજામાં લેવા માટે હાઇકોર્ટેના વડપણ હેઠળ નિષ્પક્ષ ન્યાય સમિતિની રચના કરવી જોઈએ. આવી ઘટનામાં રાજકારણ સહિત બધું જ કોરાણે મૂકીને લોકોને સાચો ન્યાય મળે તે માટે સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ તેવું તેમણે જણાવ્યું હતું.

- text

રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોત સાથે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીશ્રી દિગ્વિજય સિંહજી, કોંગ્રેસ નેતા બી કે હરિપ્રસાદ, AICC પ્રવક્તા પવન ખેરા, રાજસ્થાનનાં પૂર્વ આરોગ્ય મંત્રી અને ગુજરાત સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ જગદીશ ઠાકોર, અર્જૂનભાઈ મોઢવાડીયા, રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી, નૌશાદ સોલંકી , લલિત કગથરા, ઋત્વિક મકવાણા સહિતના કોંગ્રેસનાં નેતાઓ હાજર રહ્યા હતા.

- text