મચ્છુ -1 અને મચ્છુ -2 ડેમ 90 ટકા ભરાયા, પાણીની ધીંગી આવક ચાલુ રહેતા ગમે ત્યારે ઓવરફ્લો થશે

- text


મચ્છુ – 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારી જોતા વાંકાનેરના 20 અને મોરબીના 4 ગામોને એલર્ટ કરાયા

મોરબી : વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-1 ડેમ તેમજ મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ – 2 ડેમમાં ઉપરવાસ સારા વરસાદને પગલે ચિક્કાર પાણીની આવક ચાલુ રહેતા બન્ને ડેમ ગમે ત્યારે છલકી જાય તેવી સ્થિતિ છે. હાલ સિંચાઈ વિભાગે બન્ને ડેમ હાઈએલર્ટની સ્થિતિમાં મુક્યા છે અને અને મચ્છુ – 1 ડેમ છલકવાની તૈયારી હોય વાંકાનેરના 20 અને મોરબીના 4 ગામોને એલર્ટ કરાયા છે

છેલ્લા પાંચ દિવસથી અવિરત મેઘકૃપા વરસતા મોરબી અને વાંકાનેરની જીવાદોરી ગણાતા મચ્છુ – 1 અને મચ્છુ -2 ડેમમાં પાણીની ભરપૂર આવક ચાલુ છે. સિંચાઈ વિભાગના સતાવાર આંકડા મુજબ મચ્છુ – 1 ડેમમા હાલમાં 5131 ક્યુસેક પાણીની આવક ચાલુ છે અને કુલ 49 ફૂટની ઊંડાઈ સામે 48.13 ફૂટે જલસપાટી પહોંચી ગઈ હોય ડેમ રાત્રીના 2 વાગ્યા સુધીમાં 90. 12 ટકા ભરાઈ જવા પામ્યો છે.

- text

વધુમાં ઉપરવાસમા વરસાદને પગલે પાણીની આવક ચાલું હોઇ, ડેમની સંગ્રહશક્તિના 90.12 % ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું હોવાથી વાંકાનેર તાલુકાના (૧) હોલમઢ (૨) જાલસીકા (૩) વાંકાનેર-શહેર (૪) મહિકા (૫) કોઠી (૬) ગારીયા (૭) જોધપર (૮) પાજ (૯) રસીકગઢ (૧૦) લુણસરીયા (૧૧) કેરાળા (૧૨) હસનપર (૧૩) પંચાસર (૧૪) વઘાસીયા (૧૫) રાતીદેવળી (૧૬) વાંકીયા (૧૭) રાણેકપર (૧૮) પંચાસીયા (૧૯) ઢુવા (૨૦) ધમલપરની સાથે સાથે મોરબી તાલુકાના (૧) અદેપર (૨) મકનસર (૩) લખધીરનગર અને (૪) લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

આ ઉપરાંત મોરબીના જોધપર નજીક આવેલ મચ્છુ – 2 ડેમમાં પણ હાલમાં ઉપરવાસ વરસાદને કારણે 2000 ક્યુસેક પાણીની આવક ચાલુ રહેતા 90 ટકાથી વધુ ભરાઈ ગયો હોવાનું સિંચાઈ વિભાગના સતાવાર સૂત્રોએ જાહેર કર્યું છે.

- text