ગેરકાયદેસર બાંધકામને છાવરતી મોરબી પાલિકા હાઇકોર્ટની નોટિસને પણ નથી ગણકારતી

- text


પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક પાછળ એક બે નહીં ચાર-ચાર ગેરકાયદેસર બહુમાળી ઇમારતોનું બેરોકટોક બાંધકામ : મામલો હાઇકોર્ટમાં છતાં પાલિકાએ નોટિસથી સંતોષ માન્યો, બિલ્ડરો દ્વારા દિવસ – રાત કરાતું ગેરકાયદે બાંધકામ

મોરબી : મોરબી શહેરમાં નગરપાલિકાની ઢીલી અને ભ્રષ્ટાચારી નીતિને પાપે શહેરમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટ્યો છે ત્યારે અહીંના પંચાસર રોડ ઉપર પ્રમુખ પાર્ક પાછળ જીડીસીઆરના તમામ નીતિ -નિયમો નેવે મૂકી કોઈપણ જાતની મંજૂરી વગર એક, બે નહીં પરંતુ સાત-સાત માળના ભયજનક બાંધકામો ખડકી દેવામાં આવતા આ મામલે સ્થાનિકો દ્વારા વિરોધ કરતા પાલિકા દ્વારા ફક્ત નોટિસ આપી સંતોષ માની લેવાતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને નામદાર હાઇકોર્ટ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તેમજ બિલ્ડરોને નોટિસ ફટકારવા છતાં પણ આ બાંધકામ આજની તારીખે પણ બેરોકટોક પણે ચાલી રહ્યું છે જે નગરપાલિકા તંત્રની ભ્રષ્ટ નીતિની ચાડી ખાઈ રહ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં કોઈપણ બાંધકામ માટે ઓનલાઇન મંજૂરી ફરજીયાત કરી છે અને નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા પણ વારંવાર બનતી આગજનીની ઘટનાને લઈ ફાયરસેફટી અને બિલ્ડીંગ યૂટિલાઇઝેશનના નિયમોનું ચુસ્ત પાલન કરવા દિશાનિર્દેશ આપવા છતાં મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવા કોઈ જ નિયમો અમલી ન હોય તેમ નગરપાલિકા કચેરીની આજુંઆબાજુ તેમજ શહેરભરમાં મોટાભાગના બાંધકામો તંત્રની કે ઓનલાઇન મંજૂરી વગર ધમધમી રહ્યા છે.આજ રીતે પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક-1 પાછળ શ્રીનાથજી એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય બિલ્ડરો દ્વારા ભૂકંપ પ્રભાવિત મોરબીમાં સાત-સાત માળના બિલ્ડીંગો માર્જિન છોડયા વગર બાંધકામ કરવાનું શરૂ કરતા પ્રમુખ પાર્કના રહેવાસીમાં પ્રચંડ રોષ વ્યાપ્યો છે.

વધુમાં પ્રમુખપાર્ક-1માં રહેતા જાગૃત નાગરિક અને આ બિલ્ડરોના ત્રાસનો ભોગ બનેલા ભાવેશભાઈ રણછોડભાઈ કુંડારીયા દ્વારા ગેરકાયદેસર રીતે બનતા બહુમાળી બાંધકામો અટકાવવા મોરબી નગરપાલિકામાં માર્ચ મહિનાથી સતત રજુઆત કરતા પાલિકા તંત્રએ શરમે-ધરમે ફક્ત બાંધકામ અટકાવવા નોટિસ ફટકારી સંતોષ માન્યો હતો. જો કે, નગરપાલિકાની નોટિસ છતાં દિવસ અને રાત્રી દરમિયાન માથા ફરેલા બિલ્ડરો દ્વારા બાંધકામ ચાલુ રાખવામાં આવતા અને ભાવેશભાઈ કુંડારીયા દ્વારા નામદાર હાઈકૉર્ટનું શરણું લેવામાં આવ્યું છે.

બીજી તરફ ગેરકાયદેસર બાંધકામના આ ગંભીર પ્રશ્ને હાઇકોર્ટે કડક વલણ અપનાવી જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરોને નોટિસ ફટકારી હોવા છતાં મોરબી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા હાઇકોર્ટના હુકમની પણ પરવા કરવામાં આવી નથી જેથી આજના દિવસે પણ પંચાસર રોડ ઉપર પ્રમુખપાર્ક પાછળ આ ગેરકાયદેસર બાંધકામ ધમધમી રહ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે, ગેરકાયદેસર બાંધકામ મામલે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અખત્યાર કરી તાજા ભૂતકાળમાં દિલ્હી નોઈડાના મહાકાય બાંધકામો તોડી નાખવા આદેશ કરી તંત્રની ઝાટકણી કાઢી છે ત્યારે મોરબીમાં પણ નામદાર હાઇકોર્ટની નોટિસને પણ પાલિકાએ હળવાશથી લીધી હોય આવનાર દિવસોમાં ગેરકાયદે બાંધકામો મામલે જાહેરહિતની અરજી સહિત કાનૂની લડત આપવા તૈયારી શરૂ થઇ છે.

- text