હળવદ પંથકને ધમરોળનાર તસ્કર ગેંગને ઝેર કરવા પોલીસ એક્શન મોડમાં

- text


 

એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની વિશેષ ટીમ મેદાને : સ્થાનિક નાગરિકોનો સહયોગ માંગતી પોલીસ

હળવદ : છેલ્લા અઠવાડીયાથી હળવદ પંથકમાં ચોર, લૂંટારું અને સમડી ગેંગે હાહાકાર મચાવી પોલીસને રીતસર પડકાર ફેકતા પોલીસે તસ્કરોને ઝેર કરવા ખાસ વિશેષ ટીમની રચના કરી છે જેમાં એલસીબી, એસઓજી અને હળવદ સ્થાનિક પોલીસના ચુનંદા જવાનો આજથી જ બતમીદારોની મદદથી કામે લાગી ગયા છે, આજે હળવદ પોલીસે તાલુકાના તમામ સરપંચો સાથે પણ બેઠક યોજી પડકાર જનક સ્થિતિમાં પ્રજાનો સહયોગ માંગ્યો છે.

હળવદ જીઆઇડીસીની દુર્ઘટના બાદ હળવદ તાલુકા સતત ચર્ચામાં રહ્યો છે. ઘરફોડ ચોરીની ઉપરા છાપરી ઘટનાઓ બાદ એક સાથે પાંચેક કારખાનામાં ત્રાટકેલી લૂંટારું ગેંગે આંતક મચાવ્યાની ફરિયાદ નોંધાઈ ન નોંધાઈ ત્યાં નિંદ્રાધીન સગીરાનો ચોટલો કાપી જવાની ઘટના અને એ જ દિવસની સાંજે હળવદમાં વેપારી એવા બે સગાભાઈઓના ઘરમાં લાખોની ચોરી કરી તસ્કરોએ પોલીસને પડકાર નહિ પણ લલકાર ફેંકી રાત્રીના કવાડિયા ગામે ચોરીને અંજામ આપી લાખો રૂપિયાના સોના – ચાંદીના દાગીના ઉઠાવી જતા આ તસ્કર ગેંગને ઝેર કરવા જિલ્લા પોલીસવડાની સૂચનાથી ખાસ ટીમની રચના કરવામાં આવી છે.

- text

વધુમાં આજે હળવદ પોલીસ મથક ખાતે તાલુકાના તમામ ગામોના સરપંચોની મહત્વપૂર્ણ બેઠક યોજી પોલીસ ટીમ દ્વારા તસ્કરોને ઝેર કરવા પ્રજાજનોને જાગૃત બની સહયોગ આપવા અનુરોધ કરી શંકાસ્પદ ઈસમો જોવા મળ્યે તાકીદે પોલીસને જાણ કરવા અનુરોધ કર્યો હતો.

વિશેષમાં આજે જીલ્લા પોલીસ વડાની સૂચનાથી હળવદ તાલુકામાં તસ્કરોને ઝેર કરવા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસના ચુનંદા જવાનોની વિશેષ ટીમ બનાવી આજથી જ કામે લગાડવામાં આવી છે. પોલીસ તંત્ર દ્વારા હળવદ તાલુકાના યુવાનોને પણ જાગૃત રહી પોલીસને મદદરૂપ થવા અનુરોધ કરાયો હતો.

- text