ચૂંટણીના વેરઝેરમાં ગામ આખાને તરસ્યું રાખવાનો કારસો 

- text


હળવદના ડુંગરપુરમાં અસામાજિક તત્વો દ્વારા પંચાયતના તાળા તોડી બોરવેલના પાઈપમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી તોડફોડ

હળવદ : ચૂંટણીના વેરઝેરમાં હળવદ તાલુકાના ડુંગરપુર ગામના નાગરિકો અને માલ-ઢોરને તરસ્યા રાખવા હરામખોર તત્વો દ્વારા પંચાયત ઘરના તાળા તોડી નાખવાની સાથે સમગ્ર ગામને પાણી પૂરું પાડતા બોરવેલમાં તીક્ષણ હથિયારના ઘા ઝીકી તોડફોડ કરતા ગામમાં રોષની લાગણી પ્રસરી છે. આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના 3000ની વસ્તી ધરાવતા ડુંગરપુર ગામમાં ગત ગ્રામ પંચાયતની ચૂંટણીનું વેર રાખી કેટલાક તત્વો દ્વારા અવાર-નવાર પંચાયત ઘરના તાળા તોડી નાખવામાં આવે છે ઉપરાંત હવે તો આ અસામાજિક તત્વોએ હદ વટાવી સમગ્ર ગામને પાણી પૂરું પાડતા બોરવેલના પાઇપ ઉપર તીક્ષણ હથિયારના ઘા ઝીકી લાઈન તોડી નાખવામાં આવતા આજે ગામના નાગરિકો અને માલ-ઢોર પીવાના પાણીથી વંચિત રહ્યા હતા.

- text

બીજી તરફ આ મામલે ગ્રામ પંચાયતના સરપંચ હમીરભાઇ વિઠલાપરાએ હળવદ પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરવામાં આવી છે ઉપરાંત આજે રાત્રીના સમયે સમસ્ત ગ્રામજનોને એકત્રિત કરી ગામલોકોની મિટિંગ બોલાવી અસામાજિક તત્વોને ઓળખી કાઢી પોલીસને સોંપવા પણ નક્કી કરાશે.

- text