સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ-16

- text


પંજાબની ધરા પર પહાડોના તપસ્વીએ પુરજોશમાં પ્રચાર કરી ધાર્યા કરતાં બમણી સફળતા મળી, હિન્દુને ઈસાઈ બનતા રોક્યા

દિલ્હીમાં દયાનંદ સરસ્વતીને પંજાબના સુધારકો તરફથી નિયંત્રણ મળ્યું હતું. જેથી ઉત્તર પ્રાન્તમાં વૈદિક સંદેશના પ્રસારનો એ બહુમૂલ્ય અવસર હતો. શાસ્ત્રાર્થ–સમરમાં વૈદિક સિદ્ધાન્તોનો ઝંડો ફરકાવીને ધર્મયુદ્ધના મહારથી દયાનંદે પંજાબમાં વેદરૂપી પાંચજન્ય શંખનો નાદ સંભળાવવા પ્રયાણ કર્યું. ભારતનાં અન્ય પ્રાન્તોની અપેક્ષા પંજાબનું વિશેષ મહત્ત્વ છે. આ પ્રદેશ વિદેશી હુમલાખોરોનો મુકાબલો કરવામાં અગ્રસ્થાને રહ્યો છે. ગુરુનાનક સ્થાપિત શીખ સંપ્રદાય અને તેના ગુરુઓની વિદેશી અને વિધર્મી શાસકો સામેની લડાઈના બલિદાનની આ ભૂમિ છે. તેની સાથે પંજાબનું હૃદય કોમળ પણ છે. તેના પર પ્રભાવ પાડવો સરળ છે, જેથી તેના પર ક્રિયા અને પ્રતિક્રિયાનો પ્રારંભ શીઘ્ર થાય છે. પંજાબીઓ વિચાર કરવાની સાથે આચરણમાં તરત મૂકે છે. જેથી સ્વામીજી જેવા એક આર્ષદૃષ્ટા સુધારકને આથી સારું ક્ષેત્ર બીજું ક્યાં મળવાનું હોય ? સ્વામીજીના આગમન પૂર્વે પંજાબનું સાર્વજનિક જીવન વિભિન્ન સંસ્કૃતિઓ અને વિચારધારાઓના ઘાત–પ્રતિઘાતથી વિકાસનું એક નવું સ્વરૂપ ધારણ કરી રહ્યું હતું. અહીં મુસ્લિમો બહુસંખ્યક હતા, તો શીખ ધર્મનો પ્રભાવ અધિક હતો. અહીંના શિક્ષિત—પ્રબુદ્ધ વર્ગમાં બ્રહ્મસમાજનું વિશેષ સ્થાન હતું. અંગ્રેજ શાસનના પીઠબળથી ઈસાઈ પાદરીઓ બોડી બામણીનું ખેતર માનીને પરિપક્વ પાકને લણી રહ્યા હતા. ધર્માન્તરણ કરી રહ્યા હતા. જેથી સ્વામીજીને વિશેષ યુદ્ધ તેઓની સાથે કરીને હિન્દુઓને ઈસાઈ થતા બચાવવાનું ભગીરથ કાર્ય હતું. સ્વામીજી ચાંદાપુરથી પ્રસ્થાન કરીને શાહજહાંપુર અને સહારનપુર થઈને સંવત ૧૯૩૩ ચૈત્રવદ ૨, શનિવાર (૩૧ માર્ચ, ૧૮૭૭)ના રોજ લુધિયાના પધાર્યા. મુન્શી કનૈયાલાલ અલખધારીએ તેમનું અત્યંત સન્માન અને પ્રેમથી સ્વાગત કરીને લીલા બંસીધર વૈશ્યના બાગમાં નિવાસની વ્યવસ્થા કરી. અહીં સ્વામીજીનાં સાત પ્રવચનો થયાં. આઠમા દિવસે શંકા સમાધાન અને શાસાર્થ માટે જાહેરાત કરી, પરંતુ કોઈ આવ્યા નહિ.

સં. ૧૯૩૩ વૈશાખ સુદ ૬, ગુરુવાર (૧૯ એપ્રિલ, ૧૮૭૭)ના રોજ સ્વામીજી લાહોર આવ્યા. સ્ટેશન પર બ્રહ્મસમાજના નેતાઓએ તેઓનું સ્વાગત કરીને દીવાન રતનચંદ દાઢીવાળાના બાગમાં નિવાસની વ્યવસ્થા કરી. સ્વામીજીનાં પ્રથમ બે પ્રવચનો વેદ અને વેદોક્ત વિષય પર બાવલી સાહેબમાં થયાં. ત્યાર બાદ બે પ્રવચનો બ્રાહ્મમંદિરમાં થયાં. સ્વામીજીનાં આ પ્રવચનોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો. સ્વામીજીને પંજાબમાં લાવવામાં અને પ્રારંભમાં વ્યવસ્થા કરવામાં બ્રહ્મસમાજીઓનો ફાળો હતો અને સુધાર કાર્યમાં તેઓની સહમતિ પણ હતી. પરંતુ સ્વામીજી સાથે વેદ અને પુનર્જન્મ વગેરે વિષયોમાં સહમત ન હતા. અને સ્વામીજીએ પ્રવચનોમાં તે સિદ્ધાંતોનું પ્રતિપાદન કરતા તેઓ રુષ્ટ થયા અને સ્વામીજીના વિરોધી બની ગયા. એટલું જ નહિ, પરંતુ પ્રારંભિક વ્યવસ્થામાં થયેલ ખર્ચ પચીસ રૂપિયા સ્વામીજી પાસેથી વસૂલ કરીને શિષ્ટાચાર પણ ભૂલી ગયા. સંસારમાં અનેક મનુષ્યોએ પોતાને ઈશ્વરના અવતાર, દૂત, પયગંબર કહીને પોતાના નામે પંથોની સ્થાપના કરી છે. આજે તેના લાખો— કરોડો ચેલા-ચેલીઓ જોવા મળે છે. કેટલાય ગુરુ બનીને, તો કોઈ સાક્ષાત્ ઈશ્વર બનીને, લાખો ભોળા મનુષ્યોને અજ્ઞાન અને અંધકારમાં ધકેલી દીધા છે, ધકેલી રહ્યા છે અને પોતાના અનુયાયીઓને ઘેટાં બનાવીને વર્ષમાં બેવાર ઊન ઉતારી રહ્યા છે, લૂંટી રહ્યા છે. કોઈ યોગની સાધારણ ક્રિયાઓ દ્વારા ગુરુ બનીને શિષ્યોને ભ્રમણામાં નાખી રહ્યા છે. ત્યારે એકમેવ એવા દયાનંદ પૂર્ણયોગી, ઋષિકલ્પ પરિવ્રાટ સમ્રાટ અને વેદભાષ્યકાર હોવા છતાં ગુરુ બનવાથી દૂર રહે છે. આ તેઓની નિઃસ્પૃહતા અને નિરાભિમાનતાની પરાકાષ્ઠા છે. આ હતું દયાનંદનું વાસ્તવિક સ્વરૂપ. તેઓની સ્મૃતિને શ્રદ્ધાપૂર્વક વાગોળીને કરીને આપણે શા માટે ગૌરવ ન અનુભવીએ ?

લાહોરમાં ત્રણ મહિના પ્રચાર અને આર્યસમાજની સ્થાપના વગેરે કરીને સં. ૧૯૩૩ જેઠ વદ ૯, ગુરુવાર (જુલાઈ ૫, ૧૮૭૭)ના રોજ સ્વામીજી અમૃતસર પધાર્યા. નિવાસની વ્યવસ્થા શ્રી દયાલસિંહ મજીઠિયાએ મિયાં મોહમદખાનની કોઠી પર કરી. અમૃતસરમાં સ્વામીજીએ પ્રતિમા—પૂજન, અવતારવાદ અને મૃતક શ્રાદ્ધ વગેરે મિથ્યામૂલક વિષયો પર આલોચના કરી. જેથી પંડિતોમાં હલચલ મચી ગઈ. યજમાન પોતાના પુરોહિતો અને પંડિતોને શાસ્ત્રાર્થ કરવા માટે મજબૂર કરવા માંડ્યા, પરંતુ સાહસ કરીને કોઈ સ્વામીજી સમક્ષ આવ્યા નહિ. સ્વામીજીના ઉપદેશ અને પ્રવચનોથી લોકોમાં આર્યત્વની ભાવના ઉત્પન્ન થઈ અને સંવત ૧૯૩૩ શ્રાવણ સુદ ૪, રવિવાર (૧૨ ઓગસ્ટ, ૧૮૭૭)ના દિવસે ઉક્ત મોહમદખાનની કોઠી પર સ્વામીજીએ પ્રથમ ઈશ્વરોપાસના અને યજ્ઞ કરીને આર્યસમાજની સ્થાપના કરી. ત્યાર બાદ એક મકાન ભાડે રાખીને સાપ્તાહિક સત્સંગ વગેરે નિયમિત થવા લાગ્યા. સં. ૧૯૩૩ શ્રાવણ સુદ ૯, શુક્રવાર (૯ ઓગસ્ટ, ૧૮૭૭)ના રોજ સ્વામીજી ગુરુદાસપુર પહોંચ્યા. અહીં પ્રવચનોમાં અનેક શ્રોતાજનો આવતા હતા અને ઉચ્ચ અધિકારીઓ પણ લાભ ઉઠાવતા હતા. સ્વામીજીના ઉપદેશોના પ્રભાવથી ગુરુદાસપુરમાં સં. ૧૯૩૩ શ્રાવણ વદ ૧, શુક્રવાર (૨૪ ઑગસ્ટ,૧૮૭૭)ના રોજ આર્યસમાજની સ્થાપના કરવામાં આવી. ગુરુદાસપુરથી સ્વામીજીએ ૨૮ ઑગસ્ટના રોજ અમૃતસર આવી થોડા દિવસો નિવાસ કરીને સં. ૧૯૩૩ ભાદરવા સુદ ૬, ગુરુવાર (૧૩ સપ્ટેમ્બર, ૧૮૭૭)ના રોજ જાલંધર આવીને સરદાર સુચેતસિંહની કોઠી પર નિવાસ કર્યો. જાલંધરમાં સ્વામીજીના પાંત્રીસ પ્રવચનો થયાં. એક પ્રવચનમાં સ્વામીજીએ સુધારની દૃષ્ટિએ સરદાર વિક્રમસિંહના દુરાચરણ (વેશ્યા રાખવા) સંબંધી ટીકા કરી.

- text

સં. ૧૯૩૩ આસો વદ ૪, શુક્રવાર (૨૬ ઑક્ટોબર, ૧૮૭૭)ના રોજ ચરિત્ર નાયક ફિરોઝપુર હિન્દુસભા નામની નવસ્થાપિત સંસ્થાના નિમંત્રણથી પધાર્યા. અત્રે સ્વામીજીનાં આઠ પ્રવચનો થયાં. ક્લાર્ક કૃપારામ પંડિતે સ્વામીજીને ઈશ્વરની સર્વવ્યાપકતા પર શંકા કરતા, સ્વામીજીએ ઈશ્વર સૂક્ષ્મ હોવાથી સર્વત્ર વ્યાપક હોવાનું સમાધાન આપ્યું. એક દિવસ ફિરોજપુર છાવણીના મોટા મંદિરના પૂજારી રઘુનાથ સ્વામીજીને મળવા આવ્યા. સ્વામીજીએ તેમને પૂજારી શબ્દનો અર્થ પૂછતા કોઈ જવાબ ન આપી શક્યા. જેથી સ્વામીજીએ વિનોદપૂર્વક કહ્યું, ‘‘પૂજા + અરિ (શત્રુ) એટલે કે પૂજાનો શત્રુ પૂજારી કહેવાય છે. સ્વામીજીના ઉપદેશના પ્રભાવથી હિન્દુ સભાએ તેને આર્યસમાજ નામ આપી પ્રચાર પ્રારંભ કરી દીધો. સ્વામીજી આસો વદ ૧૪, નવેમ્બર ૪ અને રવિવારના રોજ ફરી લાહોર આવ્યા. અહીં તા. ૬ના રોજ આર્યસમાજના અધિવેશનમાં ઉપનિયમો નિર્ધારિત કરવા માટે અંતરંગ સભામાં સ્વામીજીની સ્વીકૃતિ માંગતા સ્વામીજીએ કહ્યું કે, “હું સભાનો સદસ્ય ન હોવાથી સંમતિ આપી શકું નહિ.” જેથી સભાસદોએ આગ્રહ કરીને સર્વસંમતિથી તે સમયે સ્વામીજીને સભાસદ બનાવ્યા. ત્યાર પછી સ્વામીજીએ સંમતિ આપી. આ પ્રજાતંત્રના સ્વામીજી સમર્થક હોવાનું દૃષ્ટાન્ત છે. કારણ કે ધર્મ સંસ્થાઓમાં ગુરુડમ, મઠાધીશ, ધર્મગુરુઓના અબાધિત અધિકાર ધાર્મિક પતનનાં કારણ બન્યાં છે. સં. ૧૯૨૪ કારતક સુદ ૩, ગુરુવાર (૮ નવેમ્બર)ના રોજ સ્વામીજીએ રાવલપિંડી આવીને જામાસ્પજી પારસી શેઠની કોઠીમાં નિવાસ કર્યો. અહીં પ્રવચનોમાં પૌરાણિક માન્યતાઓ મૂર્તિપૂજા વગેરે તથા ઈસાઈ અને ઇસ્લામ મતમાં તેના ગ્રંથોની કહાણીઓની તીવ્ર આલોચના કરી અને સત્યનો પ્રકાશ પાથર્યો. અહીં પણ આર્યસમાજની સ્થાપના કરી. માગસર વદ ૮, ગુરુવાર (૨૭ ડિસેમ્બર)ના રોજ સ્વામીજી ઝેલમ પધાર્યા. અહીં સ્વામીજી પ્રવચનો ઉપરાંત વેદભાષ્ય લેખનકાર્યમાં વ્યસ્ત રહેતા હતા. એક દિવસ સત્સંગ પછી એક વ્યક્તિએ સ્વામીજી પાસે ભજન ગાવાની અનુમતિ લઈને ગાયન કર્યું. સ્વામીજી અને શ્રોતાઓ પ્રસન્ન થઈ ગયા. તેના ગયા પછી એક ભક્તે સ્વામીજીને કહ્યું કે, ‘‘ભજન ગાનાર એ મામલતદાર છે, સુંદર ગાયક છે, પરંતુ ચારિત્ર્યહીન, માંસાહારી, મદ્યપાની અને પોતાની પત્નીનો ત્યાગ કરી વેશ્યાગામી બન્યો છે, તથા લાંચ લેનાર છે.”સભામાં બીજે દિવસે તેણે ભજન ગાયું, બધા ઝૂમી ઊઠ્યા, ભજન સમાપ્ત થયું. યોગેશ્વર દયાનંદે તેની પીઠ પર હાથ રાખીને કહ્યું, ‘‘અમીચંદ ! તુમ હો તો હીરા કિન્તુ કીચડમે પડે હો.’ યોગ સિદ્ધ પુરુષ દયાનંદના એ વચનો – ‘‘સત્યપ્રતિષ્ઠાયાં ક્રિયાપનાશ્રયત્નમ્।” (યોગદર્શન–૨ : ૩૬) સમાન વીજળીના ચમકારા રૂપ બન્યા અને પીઠ પરના યુગપુરુષ દયાનંદના હાથનો વિદ્યુતપ્રવાહ અમીચંદના સુષુમ્નાકાંડથી મસ્તિષ્કમાં પ્રવાહિત થયો અને પાપકીચડમાં પડેલા અમીચંદની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. પરિવ્રાટ સમ્રાટ દયાનંદનાં ચરણોમાં સ્પર્શ કરીને પશ્ચાત્તાપના સ્વરમાં તે બોલ્યો, ‘‘મહારાજ ! આપના આશીર્વાદથી આપે મને હીરો કહેલ છે. તે વચનને સાર્થક કરીશ.”અમીચંદ ઘેર આવ્યા. દારૂની બોટલો ફોડી નાખી. વેશ્યાઓનો સંગ છોડી દીધો. મદ્ય, માંસના ત્યાગની પ્રતિજ્ઞા લીધી. તાર કરીને પત્નીને બોલાવી લીધી . સંપૂર્ણ નગરમાં અમીચંદ મહેતાના પરિવર્તનના સમાચાર પ્રસરી ગયા. આ અમીચંદ મહેતાએ આર્યસમાજના પ્રચારમાં પોતાના ભજનો અને સંગીતના માધ્યમથી યોગદાન આપ્યું અને ઇતિહાસનું એક સ્મરણીય પૃષ્ઠ બની ગયું. આજે પણ તેના પ્રિય ભજનોમાં “આજ મિલ સબ ગીત ગાવો ઉસ પ્રભુ કા ધન્યવાદ’’ વગેરે શ્રદ્ધા અને પ્રેમથી ગાવામાં આવે છે.

પંજાબના ગુજરાત શહેરમાં સ્વામીજીએ સં. ૧૯૩૪ પોષ સુદ ૯, રવિવાર (૧૩ જાન્યુઆરી, ૧૮૭૮)ના રોજ આવીને ફતહસર બાગમાં નિવાસ કર્યો. અહીં સ્વામીજીનાં પ્રવચનો સરકારી શાળાની બોર્ડિંગ હાઉસમાં થતાં તેમાં લોકોની ખૂબ જ ભીડ થતી. સં. ૧૯૩૪ પોષ વદ ૩૦, શનિવાર (ફેબ્રુઆરી ૨)ના રોજ મહર્ષિ વજીરાબાદ આવ્યા. આર્યસમાજના સદસ્યોએ તેઓનું સ્વાગત કરીને રાજા ફજીરૂલ્લાના બાગમાં નિવાસની વ્યવસ્થા કરી. મહાસુદ ૫ (ફેબ્રુઆરી ૭) ગુરુવારના રોજ ગુજરાનવાલા પહોંચીને સરદાર મહાસિંહના ભવનમાં નિવાસ કર્યો. સ્વામીજી પ્રતિદિન સાંજે ‘આયોદ્દેશ્યરત્નમાલા’ના વિષયો પર ક્રમશઃ પ્રવચનો આપતા હતા. મહાવદ ૧૪ માર્ચ ૨, શનિવારે સ્વામીજી લાહોર પધાર્યા અને નવાબ રજાઅલીખાંના બાગમાં ઊતર્યા. તેમજ આ સ્થાનમાં પ્રવચનો થતાં હતાં. ઇસ્લામની સમાલોચના : તા. ૧૧ માર્ચના એ બાગમાં જ્યારે નવાબ સાહેબ ભ્રમણ કરી રહ્યા હતા અને તે સાંભળતા હતા તેમ દયાનંદે ઇસ્લામની સમાલોચના કરતા પ્રવચન આપ્યું. પ્રવચન સમાપ્તિ પર એક સજ્જને કહ્યું કે, મહારાજ આપને ઉતારા માટે કોઈ હિન્દુ કે બ્રહ્મસમાજી સ્થાન આપતા નથી અને નવાબ સાહેબે કૃપા કરીને આપને સ્થાન આપેલ છે. જે ઇસ્લામની આલોચનાથી અપ્રસન્ન થઈને આપને અહીંથી વિદાય કરી દેશે.’’સ્વામીજીએ નિર્ભિકતાપૂર્વક ઉત્તર આપ્યો કે, ‘‘મારું પ્રયોજન કોઈ મત અથવા સમુદાયની બિનજરૂરી નિંદા કે સ્તુતિ કરવાનું નથી અને હું કોઈથી ડરીને મારા કર્તવ્યથી વિમુખ પણ થતો નથી. વૈદિક ધર્મનો પ્રચાર કરવો એ જ મારો ઉદ્દેશ્ય છે અને તે જ સત્ય માનવધર્મ છે. તેના પાલનમાં સર્વનું હિત છે. તેમજ મને ખબર હતી કે નવાબસાહેબ પ્રવચન સાંભળી રહ્યા છે. જેથી તેઓને વૈદિકધર્મનું મહત્ત્વ સંભળાવ્યું હતું. મને પરમાત્મા સિવાય કોઈનો ભય નથી.’’ પ્રિય પાઠકો ! અધર્મ, અસત્ય અને અન્યાયનો પ્રાણાર્પણ વિરોધ કરનાર, સત્યને માટે માથું હથેળીમાં લઈને અર્થાત્ ખડિયામાં ખાપણને સાથે રાખનાર આવો મહાપુરુષ સંસારના રંગમંચ પર પ્રથમવાર અવતરેલ હતો. સં. ૧૯૩૪ ફાગણ વદ ૮, મંગળવાર (૧૨ માર્ચ, ૧૮૭૮)ના મુલતાનમાં દયાનંદ સરસ્વતી સન્માન માટે અનેક પ્રતિષ્ઠિત પુરુષો સ્ટેશન પર આવ્યા અને પ્રથમ બ્રહ્મસમાજના મંદિરમાં પદાર્પણ કરાવી બેગીના બાગમાં નિવાસ કરાવ્યો. અહીં સ્વામીજીના પ્રવચનોમાં ભીડ જામવા માંડી અને કુલ ૩૬ પ્રવચનો થયાં.

પંજાબમાં ઝંડાધારી ધારણા કરતા ધણા મોડા આવ્યા, પરંતુ પ્રચાર યાત્રા સર્વત્ર સફળ રહી. સફળતાનું કારણ પંજાબ ભારતનો સીમા પ્રાપ્ત હોવાથી તેમાં સંકુચિતતા ન હતી. બીજું, પંજાબીઓના હૃદયમાં ગ્રહણશીલતા શીઘ્રકારી હતી. જેથી ઋષિની દિવ્ય વાણીનો પ્રવાહ વિદ્યુત સમાન તેઓના હૃદયને સ્પર્શી ગયો. પરિણામે અન્ય પ્રાંતોની અપેક્ષા અત્રે ઝડપથી કાર્ય વેગવાન બની ગયું. પંજાબ આગમન સમયે ઈસાઈ પાદરીઓ હિન્દુધર્મને બોડીબામણીનું ખેતર સમજીને અનેક કીમિયાઓ દ્વારા ભયંકર વટાળ પ્રવૃત્તિ કરીને જાણે બે હાથે પાક લણી રહ્યા હતા. દયાનંદે આની સામે ગઢ બનીને ખડા થયા. અનેક આર્યોને ઈસાઈ થતા બચાવ્યા. પંજાબના લોકોએ સ્વામી દયાનંદની ઓજસ્વિની વાણીથી વૈદિક ધર્મનું સત્ય સ્વરૂપ જાણ્યું, હૃદયમાં ઉતાર્યું; અને જ્યાં સ્વામીજી ગયા તે નગરોમાં આર્યસમાજોની સ્થાપના થતી ગઈ. સમસ્ત ભારતમાં પંજાબ સ્વામીજીનાં કાર્યોમાં અગ્રગણ્ય સ્થાન પામ્યું. પંજાબમાં સ્વામીજીના આગમન અને સફળતા માટે સર્વથી શ્રેષ્ઠ એક વાક્ય પ્રયુક્ત કરી શકાય કે “તેઓ આવ્યા, જોયું અને જીતી લીધું. આવતીકાલે શિવરાત્રી એટલે બોધોત્સવ છે. (ક્રમશઃ)

- text