હળવદમાં બે રહેણાંક મકાનને નિશાન બનાવતા નિશાચરો : લાખોની ચોરી

- text


સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરિનગર ગોલ્ડમાં આરામથી ચોરી કરતા તસ્કરો : 90 હજારની રોકડ સમેત સોનાચાંદીના દાગીના ગયા

હળવદ : હળવદના સરા રોડ ઉપર આવેલ આલાપ ટાઉનશીપ અને હરીનગર ગોલ્ડ સોસાયટીમાં બે રહેણાંક મકાનને નિશાન બનાવી તસ્કરો ગતરાત્રીના 90 હજાર રોકડા સહિત લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના ઉસેડી જતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.દરમિયાન તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું પણ જાણવા મળે છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરના સરા રોડ પર આવેલ હરીનગર ગોલ્ડ સોસાયટીમાં રહેતા કૈલાશગીરી ગોસ્વામી પરીવાર સાથે બહાર ગામ ગયા હતા ત્યારે ગતરાત્રીના કોઈ અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી સોનાના બે ચેઈન, સોનાની છ વીંટી અને એક ચાંદીની લક્કી તેમજ 70 હજાર રોકડ લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ જ સોસાયટીમાં અન્ય એક મકાનમાં પણ તસ્કરો હાથફેરો કરી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

નિશાચરો આટલેથી ન અટકી આલાપ ટાઉનશીપમાં પણ એક મકાનને નિશાન બનાવ્યું હતું જેમાં હરેશભાઈ પરીવાર સાથે બહાર ગયા હોય ત્યારે તેઓના પણ રહેણાંક મકાનમાં ગતરાત્રીના જ તસ્કરોએ મેઈન ગેટનું તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી સોનાની બુટ્ટી અને વીસ હજાર રોકડ લઈ ગયા હતા. બનાવની જાણ હળવદ પોલીસને થતા પોલીસના જવાનો ઘટનાસ્થળે દોડી જઈ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓ જણાતા તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

ઉલ્લેખનીય છે કે હળવદમાં પાછલા એકાદ અઠવાડિયાથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેમ દિનપ્રતિદિન ચોરી થવાના બનાવો સામે આવી રહ્યા છે જેથી પોલીસ તસ્કરો પર પોતાની ધાક જમાવે તે જરૂરી છે.

- text