માળીયા ગ્રાહક સેવા ભંડાર સસ્તા અનાજની દુકાન કાયમી રદ કરવા ધગધગતો રિપોર્ટ

- text


ગ્રાહક સેવા મંડળીના નામે મેવા મેળવતા કપૂર બંધુ વિરુદ્ધ તોળાતા આકરા પગલાં : બે લાખથી વધુનો જથ્થો સિઝ કરાયો

માળીયા : ગરીબોના હિસ્સાનું અનાજ, ચોખા, ખાંડ, કેરોસીન સહિતનો જથ્થો હડપ કરી જનાર માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની દુકાનમાં ગઈકાલે દરોડો પાડયા બાદ બે લાખથી વધુનો જથ્થો સિઝ કરી મામલતદાર માળીયા દ્વારા આ પરવાનેદારનું લાયસન્સ કાયમી ધોરણે રદ કરવા ધગધગતો રિપોર્ટ કર્યો હોવાનું જાણવા મળે છે.

છેલ્લા ઘણા સમયથી માળીયા શહેરમાં માળીયા ગ્રાહક સેવા ભંડારના નામે ચાલતી મંડળી સંચાલિત સસ્તા અનાજની દુકાનમાં વ્યાપક ગેરરીતિઓ ચાલતી હોવાનું અને ગ્રાહકોને ફૂડ કુપન આપ્યા વગર જ બરોબર અંગુઠાની છાપ મેળવી લઈ મંડળીના સંચાલક સુભાષ કપૂર અને મયુર કપૂરની જુગલ જોડી ગરીબોના હિસ્સાનું અનાજ, કેરોસીન, ચોખા, ચણા, તુવેરદાળ, ખાંડ અને કેરોસીન બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદને પગલે ગત તા.22 નવેમ્બરના રોજ માળીયા મામલતદાર ડી.સી.પરમાર અને તેમની ટીમે દરોડો પાડી 2.77 લાખનો જથ્થો સિઝ કરી નાખ્યો હોવા છતાં આ બન્ને કાળા બજારીયા દ્વારા ગોરખધંધો ચાલુ રાખતા ગઈકાલે ફરી એક વાર દરોડો પાડી બે લાખથી વધુનો જથ્થો સિઝ કરી લેવાયો છે.

દરમિયાન માળીયા મામલતદાર ડી.સી.પરમારે ઉમેર્યું હતું કે, માળીયા ગ્રાહક સેવા ભંડાર નામની સસ્તા અનાજની દુકાન મંડળી સંચાલિત નામ પૂરતી જ છે. હકીકતમાં સુભાષ કપૂર અને મયુર કપૂર નામના બે વ્યક્તિ દ્વારા જ બધો વહીવટ ચલાવવામાં આવે છે. ઉપરાંત નિયત સસ્તા અનાજની દુકાનમાં અનાજ, કેરોસીન, ચોખા સહિતનો જથ્થો રાખવાને બદલે અન્યત્ર રાખી બારોબાર સગેવગે કરતા હોવાનું તપાસ દરમિયાન બહાર આવતા આ પરવાનેદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને પરવાનો કાયમી રદ્દ કરવા જિલ્લા પુરવઠા અધિકારીને ધગધગતો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે.

- text

આશ્ચર્ય તો એ વાતનું છે કે કોરોના મહામારીને કારણે કેન્દ્ર સરકાર દ્વારા અપાતું મફત અનાજ પણ માળીયા ગ્રાહક સેવા ભંડાર જેવું રૂડું રૂપાળું નામ ધરાવતા ભેજાબાજોએ ગરીબ રેશનકાર્ડ ધારકો સુધી પહોચાડ્યું ન હોવાનું અને અભણ લોકો પાસે અંગુઠા મરાવી દર મહિને લાખો રૂપિયાનું અનાજ ડાયવર્ઝન કરવામાં આવતું હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.

આ સંજોગોમાં માળીયા મામલતદાર ડી.સી.પરમારના ધગધગતા રિપોર્ટ બાદ હવે જિલ્લા પુરવઠા અધિકારી આ કૌભાંડિયા પરવાનેદારને માફ કરે છે કે પીબીએમ જેવા પગલાં ભરે છે તે તો આવનારો સમય જ બતાવશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text