આશાવર્કર્સ અને ફેસીલીએટર્સ દ્વારા વિવિધ પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવવા માંગ

- text


ટંકારા તાલુકામાં મામલતદારને, મોરબી જિલ્લામાં કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવાયું

ટંકારા : ગુજરાતમાં આરોગ્ય સેવા તળે સમગ્ર ગુજરાતમાં સક્રીય રીતે સેવા આપતી આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોની વેદના તથા પ્રશ્નો ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જે અન્વયે ટંકારા તાલુકાની આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોએ મામલતદારને તેમજ મોરબી જિલ્લાની કર્મચારી બહેનોએ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.

આ આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તેઓએ બે વર્ષથી કોવીડની અત્યંત જોખમવાળી કામગીરી સતત રજાઓમાં પણ કરેલ છે. વેકસીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહીતની કામગીરી સવારથી સાંજના મોડે સુધી બજાવેલ છે. પરંતુ માર્ચ 2020 પછી સરકારે જાહેર કરેલ આશાનાં માસીક રૂા. 1000 અને ફેસીલીએટરનાં રૂા. 500 કોવીડ કામગીરીનાં સમગ્ર ગુજરાતમાં ચુકવાયેલ નથી. જયારે વડોદરા જીલ્લામાં 15 માસથી અને ભાવનગર જીલ્લામાં 11 માસથી ચુકવણું કરેલ નથી. જે તાકીદે ચૂકવાય તેવા આદેશ કરવા વિનંતિ છે. આ સાથે નીચે મુજબની 14 માંગણીઓ પણ કરવામાં આવી છે.

(1) કોવીડ કામગીરીનાં સતત આખા દિવસની સેવા માટે આશાને માત્ર દૈનિક રૂા. 33 અને ફેસીલીએટરને માત્ર દૈનિક રૂા. 17 અપાય છે. આ રકમ મશ્કરી રૂપ છે. એરીયર્સ સાથે રૂા. 300 દૈનિક ચુકવાય તેવી માંગણી છે.

(2) આશા આંગણવાડી–ફેસીલીએટર બહેનોને કોરોનાં મધ્યપ્રદેશ, દિલ્હી, કેરલા, મહારાષ્ટ્રની જેમ વોરીયર્સ જાહેર કરી રૂા. 10000 વિશેષ કોરોના માનદ વેતન જાહેર કરવા વિનંતિ કરાઇ છે.

(3) આશા ફેસીલીએટરને વીમા કવચમાં સારવાર કોરન્ટાઈનનો ખર્ચ સમાવેશ કરવો તથા આંગણવાડી વર્કર—હેલ્પરને વીમાનું સુરક્ષા કવચ આપવું.

(4) આશા વર્કર– ફેસીલીએટરો માટે કોઈ જ પ્રકારનું વેતન નકકી કરાયું નથી. જે તાકીદે લઘુતમ વેતન 24000 જેટલુ નકકી કરવામાં આવે. તેમજ ગ્રેચ્યુઈટી– પેન્શન યોજના ચાલુ કરો.

(5) સગર્ભા માતાને બાળક જન્મે તે તમામ સેવાઓમાં, એ.પી.એલ.- બી.પી.એલ.નો ભેદ પાડવામાં આવે છે. તે બંધ કરીને એ.પી.એલ.-બી.પી.એલ. ભેદ વિના જ વળતર ચૂકવવું જોઈએ.

(6) ખાનગી હોસ્પીટલમાં અંતિમ ઘડીએ સગર્ભા માતા ડીલીવરીનો નિર્ણય કરે કે સુવાવડ કરે તો તે સેવા કર્યા છતાં કોઈ વળતર ન ચૂકવવું અન્યાયી છે તે રદ કરવું જોઈએ. કરેલ કામગીરીનું વળતર ચૂકવવું જ જોઈએ.

(7) સાસરીએથી મોસાળમાં ડીલીવરી કરવા આવેલ માતા બાબતે, ડોકયમેન્ટનો આગ્રહ ન રાખવો જોઈએ. માત્ર સેવા કરી છે કે નહિ તેની ખાત્રીના અધારે જ વળતર ચૂકવવું જોઈએ.

(8) ગુજરાતના શહેરોમાં વળતર ચૂકવવા માટે, મેરેજ સર્ટીફીકેટનો આગ્રહ રાખવામાં આવે છે. ગરીબ વિસ્તારોમાં મેરેજ સર્ટીફીકેટ– રજીસ્ટ્રેશન હોતું નથી. અને તેથી અન્ય પૂરાવાઓના આધારે વળતર ચૂકવવું જોઈએ

(9) પી.એસ.સી. તાલીમ માટેનું ટી.એ. અને ડી.એ. રોકડમાં જ ચૂકવવું જોઈએ. દરેક શનિવારના મિટીંગના પૈસા ચુકવો— કરેલ કામગીરીના વળતર ચૂકવવાનો કોઈ જ હિસાબ વર્કરને આપવામાં આવતો નથી, તેથી કરવામાં આવેલ ચૂકવણીના હિસાબ સ્લીપ વર્કરને આપવામાં આવે. તથા કામના કલાકો તથા કાર્યક્ષેત્ર નકકી કરો.

- text

(10) તમામને સમાજ સુરક્ષાના લાભો આપવા જોઈએ તથા ખુદના કુટુંબને હેલ્થ ફેસીલીટી ફી આપવી જોઈએ.

(11) મોટાભાગની કામગીરી લેવામાં આવે છે તે માત્ર મૌખિક સૂચનાથી જ લેવામાં આવે છે તમામ કામગીરી માટે લેખીત સૂચના આપવી જોઈએ. તમામ આશા વર્કરો તથા ફેસીલીએરોને ગમે તે સમયે બોલાવવાનું બંધ કરી કોઈ સમય નકકી કરવા વિનંતિ છે. કારણ કે કેન્દ્રની તથા રાજયની ગાઈડ લાઈન મુજબ તો આશા વર્કર અઠવાડીયામાં 5 દિવસ-અનુકૂળતાએ રોજ બે કલાક કામ કરવાનું છે. તથા ફેસીલીએટરે મહિનામાં 20 વિઝીટ કરવાની હોય છે.

(12) ગુજરાતમાં આશા વર્કર-ફેસીલીએટર બહેનોના નાં ફરજ દરમયાન કોરોના સંક્રમણથી અવસાન થયેલ છે. તેઓના વારસોને રાજય સરકાર ધ્વારા નકકી કરાયેલ વળતર તાત્કાલીક ચુકવવા માં આવે.

(13) ફેસીલીએટર બહેનોને સાડી અથવા ડ્રેસ આપવાની 2010 વર્ષના બજેટમાં જાહેરાત કરાઈ હતી. બે વર્ષથી વધુ સમય થયો પરંતુ ફેસીલીએટર બહેનોને ડ્રેસ કે સાડી આપવામાં આવેલ નથી. તેમજ આશા વર્કરને પણ સાડી–ડ્રેસના ત્રણ વર્ષ થઈ ગયેલ છે તેમને પણ નવા સાડી–ડ્રેસ મળેલ નથી તે તાકીદે આપવા જોગવાઈ કરવા તથા જરૂરી આદેશ કરવા વિનંતિ છે.

(14) ચૂંટણી કામગીરીનું એલાઉન્સ આજ સુધી મળેલ નથી જે તાકીદે ચુકવણું કરો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text