100 વર્ષે બનતું જંગલ ફક્ત 10 વર્ષમાં ! વૃક્ષારોપણ માટેની જાપાનીઝ મિયાવાકી પધ્ધતિ ઉત્તમ

- text


રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના ધોરી માર્ગો ઉપર મિયાવાકી પદ્ધતિથી થઇ રહ્યો છે વૃક્ષનો ઉછેર

મોરબી : કોરોના મહામારીમાં ઓક્સિજનની અછત જોયા બાદ ચોક્કસપણે લોકોમાં પર્યાવરણ અને ખાસ કરીને વૃક્ષારોપણ અને ઉછેર પ્રત્યે જાગૃતિ આવી છે અને આજે વિશ્વપર્યાવરણ દિવસે મોરબીમાં અનેક સ્થળોએ વૃક્ષારોપણના જાહેર કાર્યક્રમો યોજાયા છે ત્યારે પ્રકૃતિપ્રેમીઓએ 100 વર્ષે બનતું જંગલ ફક્ત 10 જ વર્ષ બની શકે તેવી જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કરવા પ્રયત્નો કરવા જોઈએ.

ઝડપી વૃક્ષ ઉછેરની પદ્ધતિ જાપાનના પ્રકૃતિપ્રેમી અકિરા મિયાવાકીએ શોધી હોય આ પદ્ધતિને મિયાવાકી તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં રાજકોટના સદભાવના ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ખૂબ સારું કાર્ય કરી રહયું છે અને સાથે દાતા પરીવારોનો સહયોગ અને સાથે સાથે સદભાવના વૃધ્ધાશ્રમ સ્ટાફ મિત્રો તથા આદીજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ પણ આ અભિયાનમાં જોડાઈને સારી એવી રકમનું દાન અપર્ણ કરીને સારું કાર્ય કરી રહયાં છે. તેનું પરીણામ આપણે રાજકોટ, જામનગર, મોરબી રોડ, ભાવનગર રોડ, પાલીતાણા સુધી જોવા મળી રહયો છે. સાથે સાથે સદભાવના આજે મીયાવાકી જંગલ નિર્માણ કરવામાં ફોરેસ્ટ વિભાગના સાથ-સહકારથી ખૂબ સારું કાર્ય થઈ રહયું છે.

જાપાનીઝ મીયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણની વાત કરીએ તો વૃક્ષને છુટાછવાયા વાવવાને બદલે દોઢથી બે ફૂટના અંતરે ઝાડ વાવવામાં મીનીમમ ૪×૩ મીટર જગ્યામાં આ થઈ શકે છે. બીજા વૃક્ષો કરતા ૩૦ ગણા ઘાટા થાય છે. ૧૦ ગણા ઝડપી વધે છે. તેને ફકત ઉપરથી સર્વ પ્રકાશ મળવો જોઈએ અને ૩ વર્ષ માટે નીચે મૂળમાં પાણી મળવું જોઈએ (ટપક પધ્ધતિ પણ ચાલે) અને તેના હિસાબે પર્યાવરણને, પશુ-પક્ષીને તથા તમામ જીવસૃષ્ટિને ઉપયોગી એવું ફળ, ફૂટ અને ઓકિસજન પાર્ક જેવું બની જાય છે.

- text

મિયાવાકી પદ્ધતિથી વૃક્ષ વાવ્યા પછી એકવાર મૂળિયાં સ્થપાઈ ગયા બાદ, જંગલનું ઉપર તરફ વધવાનું શરૂ થઇ જાય છે. ત્યારબાદ બે થી ત્રણ વર્ષ સુધી પાણી આપતા રહેવું પડે છે. તે દરમિયાન ઉગી નીકળેલા નકામાં ઘાસને કાઢી નાખવામાં આવે છે જેથી વૃક્ષોના વિકાસમાં અવરોધ પેદા ન થાય. જેમ-જેમ જંગલ વધતું જાય છે તેમ-તેમ સુર્યપ્રકાશ રોકાતો જાય છે. અંતે, જંગલ એટલું ઘટ્ટ બની જાય છે કે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોચી શકતો નથી અને નકામું ઘાસ ઉગવાનું બંદ થઇ જાય છે. આ સ્તરે, જંગલ પાણીના દરેક ટીપાનું સંરક્ષણ કરે છે અને તેને વરાળ બનીને વાતાવરણમાં ભળતા અટકાવે છે તથા ભેજવાળી હવાનું સંઘનન કરીને ભેજ પાછો મેળવે છે. ધીરે-ધીરે પાણી આપવાનું ઓછુ કરીને અંતે બંધ કરી દેવામાં આવે છે. પાણી વગર પણ જંગલનું તળિયું ભેજવાળું રહે છે.

જયારે પાંદડા જંગલની જમીન પર પડે છે તો તે તરતજ સડવા માંડે છે. આ સડેલો જૈવિક કચરો ખાતર બનીને જંગલને ખોરાક પૂરો પાડે છે. જેમ જંગલ વધતું જાય છે, તેમ વધુને વધુ પાંદડાઓ ખાતર બને છે અને જંગલનો વિકાસ ઝડપી બને છે અને જંગલ પોતાની જાતે જ વધતું જાય છે. જો વૃક્ષોને અલગ-અલગ રીતે વાવવામાં આવે તો તે આટલી જલ્દી વધી શકતા નથી. આમ આ જંગલના વૃક્ષો સામૂહિક રીતે એક બીજાનો સાથ આપીને કુટુંબની જેમ આગળ વધે છે અને જોત જોતામાં ૧૦૦ વર્ષે બનતું જંગલ ૧૦ વર્ષમાં તૈયાર થઇ જાય છે.ઉલ્લેખનીય છે કે, મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આજે કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા, સહિતના અલગ-અલગ દેશોમાં નાના મોટા જંગલો ઉગાડવામાં આવી રહ્યા છે.

સંકલન : રમેશભાઈ ઠક્કર
(મો. નં. 99099 71116)

- text