મોરબીમાં નાલા ઉપર ઓરડી-બાથરૂમ બની ગયા : પાલિકાનું ડિમોલિશન

- text


ગીતા ઓઇલ મિલ નજીક પ્રિ-મોનસુન કામગીરી દરમિયાન પોલીસને સાથે રાખી દબાણ હટાવાયું

મોરબી : દબાણ નગરી મોરબીમાં નગર પાલિકાની ઢીલી નીતિને કારણે અનેક જગ્યાએ બેરોકટોક પણે ગેરકાયદે બાંધકામને ઉતેજન મળી રહ્યું છે ત્યારે આજે પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત છેલ્લા બે વર્ષથી માત્ર નોટિસ આપી સંતોષ માનતા તંત્રએ પંચાસર રોડ ઉપર નાલા ઉપર ખડકાયેલ બે ઓરડી તથા બે બાથરૂમના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું.

મોરબી શહેરમાં તમામ વિસ્તારમાં હાલમાં પાલિકાની મંજૂરીની ઐસી તૈસી કરી જીડીસીઆરના નીતિ નિયમોને કોરાણે મૂકી બાંધકામ થઇ રહ્યા છે ત્યારે પાલિકાની ઢીલી નીતિનો લાભ લઇ લોકો હવે સરકારી જમીન અને નાલા ઉપર પણ બિન્દાસ્ત બની બાંધકામ કરી વસવાટ પણ કરવા લાગ્યા છે. આવા જ એક કિસ્સામાં આજે શહેરના પંચાસર રોડ ઉપર વોકળા નાલા સાફ કરવા પ્રિ-મોનસુન કામગીરી હાથ ધરવામાં આવતા છેલ્લા બે વર્ષથી પાલિકાની નોટિસને ઘોળી પી જનાર આસામીની બે ઓરડી અને બે બાથરૂમના દબાણો ઉપર અંતે નગરપાલિકા દ્વારા બુલડોઝર ફેરવી દઈ નાલુ ખુલ્લું કરવાયું હતું.

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં કુદરતી પાણીના નિકાલ માટેના વોકળા અને નાલા ઉપર ગેરકાયદે બાંધકામ થઇ ગયા હોવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન એકાદ, બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાય જાય છે ત્યારે આજે પાલિકાએ જે રીતે દબાણ હટાવવાની કામગીરી કરી છે તે જ રીતે કોઈપણ જાતની રાજકીય શેહ શરમ વગર શહેરભરમાં ખડકકાયેલા ગેરકાયદે બાંધકામોનો કડૂસલો બોલાવવામાં આવે તો ચોમાસામાં મોરબીમાં પાણી ભરવાની સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

- text

નોંધનીય છે કે પંચાસર રોડ ઉપર પાલિકાની ટિમ દબાણ હટાવવા જતા આ નાલા ઉપર દબાણ કરનાર અન્ય બે ઈસમો મકાનને તાળા મારી નાસી છૂટ્યા હતા. જેથી, બે દિવસ બાદ ફરી ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

- text