માળીયા અને હળવદ પંથકમાં મીઠું પકવતા અગરિયાઓ માટે વાવાઝોડું બન્યું વેરી

- text


મીઠાના અગરોમાં પાણી ભરાતા અગરિયાઓને લાખોનું નુકશાન : રસોઈનો સ્વાદ વધારતા મીઠા ઉત્પાદકોની જિંદગી બની બેસ્વાદ

માળીયા મી.: તૌકતે વાવાઝોડુ સૌરાષ્ટ્રના કાંઠે ટકરાયા બાદ અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લામાં વિનાશ વેરીને વાયા વિરમગામ, અમદાવાદ થઈને ગુજરાતમાંથી વિદાય લીધી છે. સદ્દભાગ્યે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર નહિવત રહી હતી. જો કે, માળિયામાં દરિયા કિનારે મીઠું પકવતા અગરિયાઓ તેમજ હળવદ રણકાંઠામાં મીઠું પકાવતા અગરિયાઓને નુકશાનીની વિગતો ધીમે ધીમે સામે આવી રહી છે.

માળીયા મિયાણા અને હળવદ વિસ્તારમાં અગરમાં મીઠું પકવતા અગરિયાઓની હાલત ખારી બની ગઈ છે. રસોઈમાં સ્વાદ વધારવા ઉપયોગમાં લેવાતા મીઠાના અગરિયાઓની જીંદગી વાવાઝોડાએ બેસ્વાદ કરી નાંખી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખાસ કરીને ઘાટીલાના રણમાં, જોગડ, ટીકકર, ખારાઘોડા સહિતના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓના મીઠાના પાટામાં વરસાદી પાણી ફરી વળતા શ્રમિકોની કાળી મજૂરી અને વહાવેલાં પરસેવા પર પણ પણી ફરી વળ્યું છે.

વાવાઝોડાથી થયેલ નુકશાન અંગે અગરિયા અગ્રણી મહેશભાઈ કુડેજા જણાવે છે કે,મોટેભાગે અગરિયાઓ મીઠાના ઉત્પાદન માટે હોલસેલ વેપારીઓ પાસેથી ધિરાણ લેતા હોય છે. આ ધિરાણનો ઉપયોગ દરિયામાંથી પાણી સિંચવા માટે વપરાતા ડીઝલ એન્જીન અને તેમાં વપરાતા ડીઝલ માટે તથા મજૂરોની દહાડી ચૂકવવા માટે કરતા હોય છે. ત્યારે હાલમાં વાવાઝોડાને લઈને મીઠાના અગરોમાં પાણી ફરી વળતા અને અગરો સુધી પહોંચવાના રસ્તાઓ પર કાદવ કીચડ છવાઈ જતા અગરિયાઓ મુશ્કેલીમાં મુકાયા છે. આ તમામ વિસ્તારોમાં અંદાજે 800થી વધુ અગરિયાઓ પોતાના પરિવારજનો સાથે રાત દિવસ જોયાવીના કાળી મજૂરી કરતા હોય છે ત્યારે હાલની પરિસ્થિતિમાં માલનું નુકશાન અને સાથોસાથ ધિરાણ પરત ચુકવવાની ચિંતા અગરિયાઓને સતાવી રહી છે.

- text

મીઠું પકવતા અગરિયાઓ અને શ્રમિકો આમ પણ ચોમાસાના દિવસો દરમ્યાન બેકાર બની જતા હોય છે ત્યારે હવે આવનારા ચોમાસાને લઈને પણ મીઠા ઉદ્યોગ સાથે સંકળયેલા હજારો લોકો ચિંતિત બન્યા છે. હાલમાં અગરમાં ઘુસેલા પાણી ચોમાસા પૂર્વે સુકાય એવી કોઈ શક્યતા ન હોય અગરિયાઓ અને શ્રમિકો સરકાર તરફ મદદની આશ લગાવીને બેઠા છે. શ્રમિકોની માંગણી છે કે આ વિસ્તારનો સર્વે કરવામાં આવે અને નુકશાનીનો અંદાજ લગાવી તંત્ર આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની વ્હારે આવે.

- text