મોરબીની ‘બીમાર’ સિવિલ હોસ્પિટલની મોટે પાયે સર્જરી કરવી આવશ્યક

- text


કથળીને ખાડે ગયેલી સિવિલ હોસ્પિટલમાં સુવિધાના નામે પેસી ગયો સડો : સામાજિક કાર્યકરોએ મુખ્યમંત્રીને કરી રજુઆત

મોરબી: મોરબી જિલ્લાની સૌથી મોટી કહેવાતી એક માત્ર સિવિલ હોસ્પિટલનો વહીવટ કથળીને ખાડે ગયો છે. સુવિધાઓની અછત વચ્ચે મોરબી સિવિલ હોસ્પિટલ ખુદ બીમારીના બીછાને પડી છે. ત્યારે પોતાના સ્વાસ્થ્ય અંગે સારવાર કરાવવા આવતા દર્દીઓ મોરબીની સિવિલ હોસ્પિટલમાં આવીને સ્વસ્થ થવાના બદલે વધુ બીમાર પડે છે અને દર્દીની સાથે આવેલા પરિજનોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરોએ સિવિલ હોસ્પિટલની આ દયનિય સ્થિતિ સુધારવા માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલના કથળેલા વહીવટ અંગે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા, મુસ્તાકભાઈ બ્લોચે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરતાં જણાવ્યું છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાની જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપ્ત થયેલું છે. મોરબી સિવિલ હોસ્પિટલની વિવિધ ખામીઓ અને અણધડ વહીવટના કારણે નિષ્પન્ન થતી તકલીફો વિશે જણાવતાં કાર્યકરોએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, જે જગ્યાએ મહિલાઓને પ્રસુતિ થાય છે એ લેબોરેટરી વિભાગની બાજુમાં પાણીના ખાબોચિયા ભરાયેલા છે. જ્યાં પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. આ જગ્યાએ મચ્છર, માખીઓ તેમજ અન્ય જીવજંતુઓ વ્યાપક પ્રમાણમાં વ્યાપેલા હોવાથી તેમજ સિવિલ હોસ્પિટલની બહારથી રખડતા શેરી શ્વાનના ત્રાસને કારણે નવજાત શિશુઓને માથે જોખમ મંડરાયેલું રહે છે. નવજાત શિશુની રોગ પ્રતિકારક ક્ષમતા આમ પણ ઓછી હોવાને કારણે તેઓને કોઈ પણ વાયરસ ઝડપથી અસર કરે છે. આ ઉપરાંત પ્રસૂતાઓમાં પણ ઈમ્યુનિટી પાવરની સમસ્યાઓ હોવાને લઈને માખી, મચ્છર તેમજ અન્ય જીવજંતુને કારણે વિવિધ રોગોનો શિકાર બનવું પડે છે. સફાઈના નામે સિવિલ હોસ્પિટલમાં કોઇ કાર્યવાહી થતી ન હોવાથી જ્યાં ત્યાં ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળે છે.

આ ઉપરાંત સુરક્ષાને લઇને સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી સ્ટાફની અછત અને ઉપસ્થિત સિક્યુરિટી સ્ટાફની અણઆવડત કે આળસને કારણે સિવિલ હોસ્પિટલની બહારથી રખડું શ્વાનો અને અન્ય પશુઓ સિવિલ હોસ્પિટલમાં ઘુસી આવે છે. ત્યારે દર્દી તેમજ તેમના પરિજનો પર જોખમ ઊભું થઈ રહ્યું છે. હોસ્પિટલની માળખાગત સુવિધા વિશે સવાલો ઊભા કરતાં સામાજિક કાર્યકર્તાઓએ ફરિયાદ કરી છે કે, છેલ્લા આઠ-નવ મહિનાથી સિવિલ હૉસ્પિટલમાં હાડકાંનાં ડોક્ટરો નિમણુંક કરવામાં આવી નથી. જિલ્લાના કોઈ પણ સ્થળે થયેલા અકસ્માતમાં થયેલા ફ્રેક્ચરની સારવારમાં માટે નાગરિકોએ રાજકોટ સુધી દોડી જવું પડે છે. સિવિલ સર્જનની પોસ્ટ પણ લાંબા સમયથી ખાલી હોવાથી હોસ્પિટલનો વહીવટ ખોરંભે પડયો છે. સિવિલ સર્જન વગર હોસ્પિટલની હાલત ઘણીધોરી વગરની થઈ છે. ઘણા મશીનો એવા છે કે જે વપરાયા વગરના પડી રહ્યા હોય લાખો રૂપિયાનું સરકારને નુકસાન થઈ રહ્યું છે. સાથોસાથ મશીનોની યોગ્ય જાળવણીના અભાવે દર્દીઓએ ખાનગી હોસ્પિટલોમાં મોંઘા ભાવની સારવાર લેવા મજબૂર થવું પડ્યું છે. સિવિલ હોસ્પિટલમાં સોનોગ્રાફીના સ્પેશ્યલ તબીબ ન હોવાથી લોકોએ આવી પાયાની સારવાર માટે પણ ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે. આરોગ્ય મંત્રીના દાવાઓ અંગે સવાલો ઉઠાવતા સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે, સુંદર અને સ્વચ્છ તેમજ તત્કાળ સારવારના દાવાઓ મોરબી સિવિલ હોસ્પિટલ માટે પોકળ સાબિત થયા છે. મોરબીના ધારાસભ્યએ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન મોટા મોટા વાયદા કરીને આજ સુધી એ વાયદાઓ નીભાવ્યા નથી. આંખની હોસ્પિટલ માટે કરેલા દાવાઓ પોકળ સાબિત થયા છે.

- text

હોસ્પિટલમાં પીવાના પાણીની યોગ્ય સુવિધાના અભાવે લોકોએ બહારથી મોંઘા મૂલનું પાણી વેચાતું લેવું પડી રહ્યું છે. હાલ આવી રહેલી ઉનાળાની સીઝન દરમ્યાન ચાર-પાંચ મહિનાથી બંધ પડેલા વોટર કુલરો સત્વરે ચાલુ કરાવવાની માગણી પણ સામાજિક કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને કરી છે. હોસ્પિટલના શૌચાલય બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરતા સામાજિક કાર્યકર્તાઓએ જણાવ્યું છે કે હોસ્પિટલમાં જાહેર શૌચાલયની યોગ્ય સુવિધા ન હોવાથી લોકો આસપાસમાં શૌચક્રિયા માટે જવા મજબૂર થવું પડે છે. પાયાની સુવિધાઓ આપવી સરકારની પ્રાથમિક ફરજ હોવા છતાં એ પરત્વે ધ્યાન ન અપાતા નાગરિકોના મૂળભૂત અધિકારોથી લોકોએ વંચિત રહેવું પડે છે. હાલ કોરોનાની વકરેલી સ્થિતિમાં હોસ્પિટલ જેવી આરોગ્ય સંસ્થાઓ પણ જો સ્વચ્છતા જાળવવામાં ઉણી ઉતરતી હોય તો આ રોગચાળા સાથે અન્ય મહામારીનો ખતરો પણ મોરબીની જનતા માથે મંડરાઇ રહ્યો છે.

સિવિલ હોસ્પિટલના સ્ટાફ બાબતે સામાજિક કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીને જાણકારી આપતા જણાવ્યું છે કે, સીડીએમઓ, જનરલ સર્જન, હાડકાના ડોક્ટર, રેડીયોલોજીસ્ટ, ડમરોલોજીસ્ટ, ન્યુરોસર્જન, ન્યુરો ફિઝિશિયન, બાયોકેમેસ્ટ્રી, હેડ નર્સ, નર્સ સ્ટાફ સહિતના સ્ટાફની મોરબી સિવિલ હોસ્પિટલમાં કાયમી અછત રહી છે. જે અંગે લાગતા વળગતા તંત્રવાહકોનું વારંવાર ધ્યાન દોરવા છતાં સ્ટાફની ભરતી કરવામાં આવતી નથી. કાન નાક અને ગળાના નિમણુક ઓર્ડર થયો હોવા છતાં પણ સરકાર તરફથી હજુ સુધી કોઇ ડોક્ટરો મૂકવામાં આવ્યા નથી. સાંસદ વિનોદ ચાવડાએ ક્યારેય પણ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી નથી. તેઓને પણ સિવિલ હોસ્પિટલની તમામ સમસ્યાઓ બાબત વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાઓનું કોઈ નિરાકરણ હજુ થયું નથી. સિવિલ હોસ્પિટલની ગંભીર પ્રકારની માળખાગત સુવિધાઓ સુધારવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં મોરબીની જનતાએ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે વધુ નાણાં ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે.

રજૂઆતના અંતમાં સામાજિક કાર્યકરોએ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલની મુખ્ય જરૂરિયાત એવી અને આકસ્મિક સમયે જેની ખાસ જરૂરિયાત પડતી હોય તેવી એમ્બ્યુલન્સ સેવાની હાલત પણ દયનિય છે. દર્દીઓને લાવવા લઈ જવામાં અને સમયસર હોસ્પિટલ પહોંચાડવામાં ખખડી ગયેલી એમ્બ્યુલન્સ સક્ષમ નથી. નવી એમ્બ્યુલન્સની માગણી પણ વારંવાર કરી હોવા છતાં સરકાર તરફથી આ અંગે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. એમ રજૂઆતના અંતે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જીગ્નેશભાઈ પંડ્યા, જગદીશભાઈ બાંભણીયા અને મુસ્તાકભાઈ બ્લોચે જણાવ્યું હતું. ઉપરોક્ત રજૂઆતની નકલો મોરબી કચ્છ મત વિસ્તારના સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, વિરોધ પક્ષના સ્થાનીય નેતા જયંતિભાઇ જેરાજભાઈ પટેલને પણ મોકલીને તમામ સમસ્યા બાબતે સત્વરે યોગ્ય કરવા માટે જણાવ્યું છે.

- text