પુલાવામા હુમલાની આજે બીજી વરસી : બે વર્ષ પહેલા આજના દિવસે ભારત માતાએ 40 વીર સપૂતો ગુમાવ્યા

- text


મોરબી : એક સાચો દેશપ્રેમી ક્યારેય ન ભૂલી શકે એવી પુલાવામાં આતંકી હુમલાની આજે બીજી વરસી છે. આજનો દિવસ એટલે દેશ ખાતર બલિદાન આપનાર 40 વીર શહીદોને યાદ કરીને તેમની કુરબાનીને સલામ કરવાનો દિવસ.

2 વર્ષ પહેલા આજની તારીખે દક્ષિણ કાશ્મીરમાં પુલવામા જિલ્લાના લેથપોરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલોના ઘા હજી પણ ભરાયા નથી. આ હુમલામાં 40 સૈનિકો શહીદ થયા હતા. પાકિસ્તાન ખાતેના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

14 ફેબ્રુઆરી, 2019ના રોજ 78 ગાડીઓના કાફલા આસાથે 2500 જવાન જમ્મૂથી શ્રીનગર જઈ રહ્યા હતા ત્યારે જ નેશનલ હાઇવે પર બપોરે સાડા ત્રણ વાગે વિસ્ફોટકથી ભરેલ એક કાર કાફલામાં આવી અને એક ભયંકર ધમાકો થયો. જે બસથી આ કાર અથડાઇ તેના ફૂરચે ફૂરયા ઊડી અને ભારતના માતાના 40 વીર સપૂતોએ દેશ ખાતર શહીદી વહોરી. આત્મઘાતી હુમલો કરનાર આતંકવાદી 20 વર્ષનો આદિલ અહેમદ ડાર હતો.

- text

પુલવામામાં સુરક્ષા દળોના કાફલા પર હુમલાની દુર્ઘટના બાદ દેશ હચમચી ઉઠ્યો હતો. ત્યારે ભારતના વીર જવાનોએ પોતાના સાથીઓનો બદલો એરસ્ટ્રાઈક કરીને લીધો હતો. પુલાવામા હુમલાના થોડા દિવસો બાદ ભારતે પાકિસ્તાનના બાલાકોટ ખાતે આવેલી જૈશ-એ-મોહમ્મદની આતંકવાદી પ્રશિક્ષણ શિબિર પર એરસ્ટ્રાઈક કરી હતી. અને કેટલાય આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા હતા. ત્યારે આજે પુલાવામા હુમલાની આજે બીજી વરસીએ મોરબી અપડેટ પરિવાર પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવે છે.

- text