તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો?

- text


(શીર્ષક પંક્તિ-મુકેશ જોશી)

આજે વેલેન્ટાઈન ડે : વરસમાં એક દિવસ ‘ઇશ્કવાલા લવ’ સ્પેશિયલ હોય તો તે ઉત્સવ જરુર ઉમળકાથી ઉજવી શકાય

પ્રેમ એવી લાગણી છે કે જે દુનિયાની અન્ય કોઈ જ વ્યક્તિ માટે નહીં પણ એક ચોક્કસ વ્યક્તિ માટે અનુભવાય, ઉભરાય, છલકાય!

હસરતોસે ભરી જનવરિં તુઝે ખુદા હાફિઝ,
ઇઝહાર-એ-ઇશ્કકી ફરવરી તુઝે સલામ!
– અજ્ઞાત

ફેબ્રુઆરી માસ એટ્લે લગ્નગાળો, વસંતપંચમી અને વેલેન્ટાઈન ડે જેવા ઉત્સવો સાથે પ્રેમસભર મોસમ માણવાનો મહિનો. ચોક્કસ, પ્રેમ કોઈએક દિવસનો મોહતાજ નથી પરંતુ આખા વરસમાં એક દિવસ ‘ઇશ્કવાલા લવ’ સ્પેશિયલ હોય તો તેનાં ઉત્સવ જરુર ઉમળકાથી ઉજવી શકાય. પ્રેમ એવી લાગણી છે કે જે દુનિયાની અન્ય કોઈ જ વ્યક્તિ માટે નહીં પણ એક ચોક્કસ વ્યક્તિ માટે અનુભવાય, ઉભરાય, છલકાય! પ્રેમ એટલે ઈશ્વરની સમકક્ષ સ્થાન ધરાવતી એકમાત્ર લાગણીનું નામ. એટલે જ કવિ કલાપી કેકારવ કરે છે કે,

જો હો ખુદા તો હો ભલે, તેની અમોને શી તમા,
છે ઇશ્કથી તો ના વડો, જે ઇશ્ક મારુ તાજ છે!

પ્રેમનો તાજ શિરે ધર્યા પહેલા માત્ર પ્રેમ વિશે ધારણા જ બાંધી શકાય કે તે આવો આવો હોતો હશે. પરંતુ બની શકે કે પ્રેમ થાય ત્યારે પ્રેમનો ધારેલો અર્થ બદલાય જાય, ધાર્યા કરતા સાવ વિરુદ્ધનું બને પણ અનુભૂતિ તો પ્રેમની જ હોય. એટલે જ કહેવાતું હશે કે પ્રેમને વ્યાખ્યાયિત નથી કરી શકાતો. પણ એટલું જરૂર કહી શકાય કે પ્રેમની પ્રકૃતિમાં ‘અપની દુનિયા’ હોય છે. જયાં માત્ર અને સર્વત્ર પ્રેમ હોય છે. જયાં પ્રિય પાત્રને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય સાથે સ્વીકારાય છે, અપનાવાય છે. એવી દુનિયાનું બંધન પ્રેમીઓને ગમે છે એટલે વિરહ જીરવાતો નથી.

આકાશની વિશાળતાને બાજુ પર મુકી,
પંખીને જોઈએ છે એનું એ જ પાંજરું.
– અંકિત ત્રિવેદી

- text

પ્રેમની પાસે મનગમતું પાંજરું તો છે પણ પ્રેમની પાસે પોતાનું એવું આકાશ પણ છે, જે કદાચ પાંજરા પુરતું જ સીમિત હોય છતાં ખુલ્લા મને ત્યાં વિહાર શકય છે. પ્રેમની પાસે દરિયાનું ઊંડાણ પણ છે અને પર્વતની ઊંચાય પણ. પ્રેમ ફુલ જેવી સૌમ્યતા અને સૌરભ બંને ધરાવે છે. પ્રેમમાં મૌન શબ્દ બની સંભળાય છે કારણ કે પ્રેમ એકબીજાના મનને પારખી શકે છે. એટલે જ પ્રેમ કોઈ અપેક્ષા નથી રાખતો પણ આશા જરુર રાખે છે. પ્રેમ થાય ત્યારે પ્રાયોરિટી પ્રેમીને મળતી થઈ જાય છે. વારંવાર ફોનમાં પ્રિયતમનો મેસેજ આવ્યો કે નહીં તે ચેક કરવાની આદત પડી જાય. દુકાનના બોર્ડ પર કે કોઈ વસ્તુ પર તેનું નામ વાંચતા ‘દિલ ગાર્ડન ગાર્ડન’ થઈ જાય છે. મહેંદીની ભાત કરતા હથેળી પર લખેલું પિયુંનું નામ વધારે ગમે છે. આવી નાની અને રોજિંદી વાતોમાં પ્રેમનું પ્રતિબિંબ દેખાય છે.

ના તને ખબર પડી, ના મને ખબર પડી, કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી,
કારણમાં આમ કઇ નહીં, બે આંખ બસ લડી, ને હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી.
– તુષાર શુક્લ

પ્રેમની પ્રબળતા ત્યારે પુરવાર થાય છે, જ્યારે સાથી હયાત ન હોય અથવા વિરહમાં દિવસો પસાર થતા હોય કે સાથ છુટી ગયો હોય છતાં પ્રેમ ટકી રહે, પ્રેમનો પ્રવાહ ધસમસતો વહેતો રહે. એવું નથી કે ક્યારેય પ્રેમમાં ઓટ જ ન આવે, પ્રેમસંબંધમાં ક્યારેય રકઝક થાય જ નહીં પણ એ ઝગડો મીઠો હોવો જોઈએ. ને રિસામણા-મનામણાથી તો પ્રેમ મજબૂત બનવો જોઈએ, કમજોર નહીં. જો પ્રેમ કમજોર બને તો કંઇ ખૂટે છે, કંઇ ગૂંચવાઈ છે ત્યારે તે ઉકેલાય પણ નાજુક સંબંધ તૂટે નહીં, સાથ છૂટે નહીં ત્યારે પ્રેમીઓ નહીં પ્રેમ સફળ થાય છે. અને કદાચ, જિંદગીમાં પ્રેમીનો સાથ ન મળે તો કહેવાતો નિષ્ફળ પ્રેમ પૂજનીય બની જાય એવું પણ બની શકે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રાધા-કૃષ્ણ!

કૃષ્ણને બહેલવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
– મુકેશ જોશી

~ માર્ગી મહેતા

- text