મોરબી શહેરમાં જાહેર માર્ગો પરના દબાણો 15 દિવસમાં દૂર કરવા પાલિકાની તાકીદ

- text


1 ફેબ્રુઆરી સુધીમાં આસામીઓ જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે

મોરબી : મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે એપ્રોચ રોડ પર થયેલા દબાણો 15 દિવસમાં જાતે જ દૂર કરવા માટે શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોને જાહેર વિજ્ઞપ્તિ કરી છે, અન્યથા 15 દિવસ બાદ માર્ગો પર થયેલા દબાણો કોઈ પૂર્વ સૂચના વગર તોડી પાડવામાં આવશે એવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

મોરબી શહેરની હદમાં નિયમોનુસાર નકશાઓમાં દર્શાવેલા એપ્રોચ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. નકશામાં નિયમોનુંસાર દર્શાવવામાં આવેલા રસ્તાઓ કાયમી ધોરણે ખુલ્લા જ રાખવામાં આવતા હોય છે. જેને દબાણગ્રસ્ત બનાવી શકાતા નથી. ઘણા માર્ગો પર આવા દબાણો ધ્યાને આવતા 15 દિવસમાં જે તે સ્થળે એપ્રોચ રોડ પરના દબાણો જાતે જ દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે.

- text

બિનખેતી થયેલી જમીનમાં મંજુર થયેલ લે-આઉટ પ્લાનનાં લાગુ રસ્તાઓ પાલિકા પાસે વેરિફિકેશન કરાવી 1 ફેબ્રુઆરી 2021 સુધીમાં આવા દબાણો દૂર કરી લેવા પાલિકા ચીફ ઓફિસરે એક જાહેર યાદીમાં જણાવ્યું છે.

ભક્તિનગર સર્કલથી ઉમિયા સર્કલથી સિવિલ ચોક સુધી સૂચિત 30 મીટર રોડ છે. આ માર્ગ પર 30 મીટર સિવાયની મિલકતનું વેરિફિકેશન મોરબી પાલિકા પાસે કરાવી જો દબાણ હોય તો સત્વરે દૂર કરવું.

આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ ચોકથી દાઉદી પ્લોટના છેડા સુધી સૂચિત 18 મીટર તથા દાઉદી પ્લોટના છેડાથી અવની ચોકડી સુધી સૂચિત 24 મીટરની પહોળાઈ વાળો રસ્તો ક્લિયર કરવા ચીફ ઓફિસરે જાહેર સૂચના આપી છે.

ઉપરોક્ત માર્ગોમાં જેમને જાણ્યે અજાણ્યે દબાણ કરેલું હોય તેઓએ 15 દિવસમાં દબાણ જાતે જ દૂર કરી દેવું. અન્યથા મોરબી નગરપાલિકા કોઈ પૂર્વ સૂચના આપ્યા સિવાય આવા દબાણો દૂર કરશે એમ યાદીના અંતમાં જણાવાયું છે.

- text