ઠંડીમાં કોરોના હાજા ગગડાવશે તેવી ધારણા ખોટી પડી : મોરબી જિલ્લામાં કોરોનાની રફ્તાર ધીમી થઇ

- text


કોવિડ હોસ્પિટલોના 819માંથી 801 બેડ ખાલી : અત્યાર સુધીના કુલ 3110 કેસમાંથી 92 કેસ જ એક્ટિવ

મોરબી : દિવાળી પછી રાજ્યમાં કોરોનાની બીજી ઇનિંગ શરૂ થઈ હતી. એ સાથે શરૂઆતમાં મોરબી જિલ્લામાં પણ ઝડપભેર કેસો વધ્યા હતા. તેથી, ઠંડીમાં કોરોના હાજા ગગડાવશે તેવી ધારણા વ્યક્ત થઈ હતી. પણ આ ધારણા હવે ખોટી પડી છે. ઠંડી વધતાની સાથે ઉલ્ટા કેસો ઘટ્યા છે. મોરબી જિલ્લામાં હવે કોરોના ખૂબ જ ધીમો પડી ગયો છે. એટલે કોરોના કેસનો આંકડો સિંગલ ડીઝીટમાં આવી ગયો છે. છેલ્લા દસ દિવસની અંદરમાં સરેરાશ 10થી નીચે જ કેસો નોંધાયા હતા. એમાંય ગત તા. 29એ તો માત્ર ત્રણ જ કેસ નોંધાયા હતા.

મોરબી જિલ્લામાં 30 ડિસેમ્બર સુધીમાં કોરોનાના 3110 કેસ નોંધાયા હતા. જેમાંથી માત્ર 92 કેસ જ એક્ટિવ છે અને 2809 કેસ ડિસ્ચાર્જ છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ 2309 કેસ મોરબી તાલુકામાં નોંધાયા છે. 331 કેસ વાંકાનેરમાં, 295 કેસ હળવદમાં, 119 કેસ ટંકારામાં અને 56 કેસ માળીયા મી તાલુકામાં નોંધાયા છે. તેમજ જિલ્લાના 93 એક્ટિવ કેસમાં 57 કેસ મોરબીમાં, 11 કેસ વાંકાનેરમાં, 10 કેસ હળવદમાં ,9 કેસ ટંકારામાં અને 5 કેસ માળીયાના છે. જ્યારે ડિસ્ચાર્જ કેસની વાત કરી તો 2113 કેસ મોરબીમાં, 280 કેસ વાંકાનેરમાં , 269 કેસ હળવદમાં, 101 કેસ ટંકારામાં અને 46 કેસ માળીયામાં ડિસ્ચાર્જ થયા છે.

મોરબી જિલ્લામાં કોરોના ઘટી ગયો છે. જેમાં જિલ્લામાં કોરોનાની સારવાર માટે ખાનગી અને સરકારી હોસ્પિટલમાં કુલ 819 બેડ છે. જેમાંથી હાલ 18 બેડ જ ભરેલી છે. બાકીની 801 બેડ ખાલી છે. આ 18 બેડમાં મોરબી સિવિલમાં 100ની કેપિસિટીમાં માત્ર 9 બેડ ભરેલી છે અને 91 બેડ ખાલી છે. હળવદમાં 30 માંથી 29 બેડ ખાલી, મોરબીમાં ખાનગીમાં 78 બેડ ખાલી અને 3 ભરેલી, વાંકાનેરમાં ત્રીસે ત્રીસ બેડ ખાલી ,ઘુંટુ કોવિડ કેર કેન્દ્રમાં 15 દીવસથી એકપણ પેશન્ટ નથી. એકપણ વ્યક્તિ વેન્ટિલેટર ઉપર નથી. માત્ર એક વ્યક્તિ ઓક્સિજન અને વેન્ટિલેટર વચ્ચેની સ્થિતિ બાયપેક ઉપર છે.

- text

અત્યાર સુધીમાં 1,29,667 લોકોના ટેસ્ટ કરાયા

મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં 1,29,667 લોકોના ટેસ્ટ કરાયા હતા. જો કે હવે કોરોના કાબુમાં આવતા દિવસેને દિવસ ટેસ્ટની સંખ્યા ઘટી ગઈ છે. અગાઉ એક દિવસમાં સરેરાશ 1400 લોકોના ટેસ્ટ થતા હતા. હવે સરેરાશ 700 થી 800 ની વચ્ચે ટેસ્ટ થાય છે. ટેસ્ટમાં મોરબી જિલ્લો મહાનગરોના જિલ્લાને બાદ કરતાં રાજ્યમાં બીજા નંબરે છે. જિલ્લામાં ટોટલ 10 લાખથી વધુની વસ્તી છે. આ વસ્તીના આધારે વધુ ટેસ્ટ થાય છે. 10 લાખની વસ્તીએ 1,31,974 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. આથી ટેસ્ટમાં મોરબી જિલ્લો આગળ છે.

- text