‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ તરીકે પ્રજા હજુ પણ સર વાઘજી ઠાકોરને યાદ કરે છે

- text


મોરબીને કાઠિયાવાડના પેરિષની ઉપમા અપાવનાર સર વાઘજી ઠાકોર આજે પણ લોકહૃદયમાં જીવંત!

રાજવીએ આપેલી સુવિધાઓનું જતન અને વિસ્તરણ કરાયું હોત તો મોરબી આજે મેટ્રો સીટી હોત!

મોરબી : મોરબીના રાજવી સર વાઘજી ઠાકોર બાપુ એક પ્રજા વત્સલ રાજવી હોવાથી હજુ પણ લોકહૃદયમાં જીવંત છે. આજે પણ સર વાઘજી ઠાકોરને પ્રજા ‘કાઠિયાવાડના વાઘ’ અને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ તરીકે યાદ કરે છે. રાજવી વાઘજી બાપુમાં ઉમદા ગુણ અને દીર્ઘદ્રષ્ટિ હોવાના કારણે મોરબીને આધુનિક બનાવીને કાઠિયાવાડનું પેરિષ બનાવી દીધું હતું. વાઘજી ઠાકોરે મોરબીની પ્રજાના હિતમાં આપેલી અનેક સુવિધાઓનું જતન અને વિસ્તરણ કરાયું હોત તો મોરબી આજે મેટ્રો સીટી હોત!

રાજાશાહી સમયમાં પેરિષ ગણાતી મોરબી નગરીના શિલ્પી વાઘજી ઠાકોર (દ્વિતીય)નો જન્મ ઇ.સ. 1858માં થયો હતો. રવાજી ઠાકોર પછી તેમના પાટવી કુંવર વાઘજી ઠાકોર માત્ર 13 વર્ષની વયે વર્ષ 1870માં મોરબીની રાજગાદીએ બિરાજ્યા હતા. વાઘજી ઠાકોર બાપુ નાનપણથી બહાદુર હતા અને તેમણે રાજકોટની રાજકુમાર કોલેજમાંથી શિક્ષણ મેળવ્યું હતું. કોલેજ દરમિયાન તેમણે અનેક સાહસિક પ્રવૃતિઓમાં ભાગ લઈને શાનદાર દેખાવ કર્યો હતો. કોલેજના શિક્ષણ બાદ તેમણે યુરોપનો પ્રવાસ પણ કર્યો હતો. તે વખતે સૌરાષ્ટ્રના રાજવીઓમાં તેઓ યુરોપથી વિમાન ખરીદી લાવનારા તેઓ પહેલા હતા.

વાઘજી બાપુએ બ્રિટનની મુલાકત લઈને ત્યાંના જેવી સુવિધાઓ મોરબીમાં ઉપલબ્ધ કરવા માટે ભારે કમર કસી હતી. તેઓએ ઇંગ્લેન્ડથી સામાન મંગાવી ઝૂલતો પુલ બંધાવ્યો હતો. અને પાડા પુલના બંને છેડે કાંસાના બે આખલાના બાવલા મુકાવ્યા, મોરબીમાં ઘોડા જોડેલી ટ્રામ પણ શરૂ કરી હતી. જે આખા કાઠિયાવાડમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ હતી. મોરબીની પ્રજાને લાઈટ, ટેલિફોન, ઘરે-ઘરે નળ, અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ, એરપોર્ટ અને શિક્ષણ જેવી અનેક સુવિધાઓ આપવામાં તેમનો સિંહફાળો છે. તેમણે મોરબીની સુશોભિત બાંધણીની બજાર બાંધી હતી. મોરબીમાં વૂડહાઉસ નામનો લોખંડનો ટાવર (ગ્રીન ટાવર) પણ તેમના સમયમાં બંધાયેલો છે. 1886માં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ મોરબીમાં 94 માઈલની રેલવેની સુવિધા શરૂ કરવાનો શ્રેય તેમના નામે જાય છે.

- text

મચ્છુ નદીના કાંઠે સ્થાપિત 500 વર્ષ પુરાણું સ્વયંભૃ શિવલિંગ ધરાવતા શંકર આશ્રમના નિલકંઠ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર માટે મોરબીના રાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો કર્યો હતો. મચ્છુ નદીના પૂલ પર એક છેડે આખલાનું પુતળુ તથા બીજા છેડે હણહણતા અશ્વનું સ્ટેચ્યુ મૂકાવ્યું હતું. ચાર લાખ રૂપિયાના ખર્ચે બંધાવેલો આ પૂલ ‘પાડા પૂલ’ તરીકે પ્રસિદ્ધ છે. રાજવી વાઘજી બાપુએ મણી મહેલ (મણી મંદિર) બનાવ્યુ હતું, જે સ્થાપત્યનો એક અદભૂત નમુનો છે. તેથી, તેઓ ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ તરીકે ઓળખાય છે. ઇ.સ. 1906માં તેમણે મોરબીમાં ઘોડા પર સવાર પોતાનું બાવલું મુકાવ્યું હતું. તેઓ 11 જૂન, 1922ના રોજ સ્વર્ગે સિધાવ્યા હતા. મોરબીવાસીઓ દર વર્ષે આ દિવસે વાઘજી ઠાકોરના પૂતળાને શ્રદ્ધાંજલિ પાઠવી રાજવીને યાદ કરે છે.

આજે પણ વાઘજી ઠાકોરના બાવલે શ્રીફળ વધેરીને લોકો પોતાની પ્રાર્થના પૂર્ણ કરે છે. વાઘજી ઠાકોરને શ્રીફળ વધેરવા પાછળ તેમના કાર્યકાળ દરમિયાન એક વ્યક્તિએ પોતાની માનતા પૂર્ણ કરવા રાજા વાઘજી ઠાકોરના મસ્તક પર શ્રીફળ વધેરવાની ટેક રાખી હતી. જે ટેકની વાઘજી ઠાકોરને જાણ થતાં એ પ્રજાવત્સલ રાજા વાઘજી ઠાકોરે એ વ્યક્તિની ટેક પૂર્ણ કરવા સહમતી આપી હતી. પરંતુ જેવું શ્રીફળ વાઘજી ઠાકોરના મસ્તક સુધી પોહચે તે પહેલાં જ તેના કટકા થઈ જવાની લોકવાયકા પ્રચલિત છે.

સૌથી વધુ મહત્વની બાબત એ છે કે વાઘજી ઠાકોરના કાર્યકાળ દરમિયાન અંગ્રેજી હુકુમતનું શાસન હતું. તે સમયમાં હજુ વિદેશોમાં ટેકનોલોજી પા પા પગલી કરી રહી હતી અને ભારતમાં તો ટેકનોલોજીનું નામો નિશાન જ ન હતું. આવા સમયમાં વાઘજી ઠાકોર બાપુએ મોરબીને આધુનિક બનાવવા માટે મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના શાસનકાળ દરમિયાન મોરબીમાં અનેક પ્રકારની સુવિધાઓ આપીને મોરબીને સૌરાષ્ટ્રના પેરિષ તરીકેની ઉપમા અપાવી હતી. પણ પ્રજા વત્સલ રાજવીએ આપેલી સુવિધાઓનું તંત્ર અને લોકો જતન ન કરી શકતા અનેક સુવિધાઓને અભાવે હાલ ટેક્નોલોજીના યુગમાં પણ મોરબીની જનતા ખાડા-ખબડાવાળા રોડ-રસ્તાઓ, ભૂગર્ભ ગટર, વીજળી, પાણી સહીતની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોથી પીડાય રહી છે. જે વાઘજી બાપુએ નાખેલો આધુનિક્તાનો પાયો લોકશાહીમાં મજબૂત ના બન્યો હોવાનું પરિણામ છે!

- text