સ્વતંત્રતા દિવસની સીરામીક કંપનીઓ, સ્કૂલો અને ગામોગામ ધ્વજવંદન સાથે ઉજવણી કરાઈ

- text


મોરબી : આજે તા. 15 ઓગસ્ટ નિમિત્તે મોરબી જિલ્લામાં ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા દેશપ્રેમ સાથે ઉજવણી કરવામાં આવી છે. કોરોનાના કારણે આ ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી છે. કાર્યક્રમોમાં ધ્વજવંદન કરી વીરોની શહાદતને યાદ કરવામાં આવી છે. તેમજ કોરોનાની ગાઈડલાઇનનું પાલન કરવામાં આવ્યું છે.

ઈટોલી ગ્રેનાઈટો કંપની દ્વારા મજૂરોને સાથે રાખી ધ્વજવંદન કરાયું

૧૫મી ઓગસ્ટ, ૨૦૨૦ને ૭૪ માં સ્વતંત્ર પર્વ નિમિત્તે ઈટોલી ગ્રેનાઈટો પરિવાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને ધ્વજવંદનનો કાર્યક્રમ રાખેલ હતો. જેના દ્વારા રાષ્ટ્રીય ભાવના સર્વના હૃદયમાં પ્રસ્થાપિત કરેલ છે. જે એક ઔદ્યોગિક એકમમાં નવી પહેલ કરેલ છે. અને ખાસ કરીને મજૂર વર્ગ, જે ઉદ્યોગ એકમમાં વસવાટ કરે છે. તેની માટે રાષ્ટ્રીય ભાવનાની લાગણીને માન આપી, ઈટોલી ગ્રેનાઈટો પરિવાર તરફથી આયોજન કરેલ છે.

નારણકા પ્રાથમિક શાળા ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરાઈ

નારણકા પ્રાથમિક શાળા ખાતે સોશ્યલ ડિસ્ટન્સ તથા માસ્ક પહેરીને સાવચેતી સાથે ૭૪માં સ્વતંત્રત પર્વની ઉજવણી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ નારણકા ગ્રામ પંચાયત સંરપંચના હસ્તક ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મર્યાદિત સંખ્યામા નારણકાના ગ્રામ પંચાયતના સભ્યો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

ABVP મોરબી શાખા દ્વારા નગર દરવાજા ખાતે ત્રિરંગો લહેરાવાયો

ABVP મોરબી શાખા દ્વારા મોરબીના આન, બાન અને શાન ગણાતાના નગર દરવાજા ખાતે ત્રિરંગો લહેરાવાયો છે. જેમાં મુખ્ય તિથિ તરીકે ABVPના પૂર્વ પ્રદેશ મંત્રી અને મૂળ મોરબીના કાર્યકર્તા એવા પ્રજ્ઞેશભાઈ વાઘેલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉત્સાહભેર ‘ભારત માતા કી જય’ ના નારા લગાવીને ત્રિરંગાને સલામી આપવામાં આવી હતી. જેમાં ABVP મોરબીના સહમંત્રી સંદિપસિંહ જાડેજા સહિત હાલની ટીમ, પૂર્વ અને સ્થાયી કાર્યકર્તા સુખદેવભાઈ દેલવાણિયા, શકિતસિંહ જાડેજા, પ્રતાપસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

મોરબી નગર પાલિકામાં પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

મોરબી નગર પાલિકા ખાતે પણ ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નગરપાલિકાના સત્તાધીશો, કાઉન્સિલર, સભ્યો અને પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ધ્વજવંદન કરી સ્વતંત્ર પર્વની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉપરાંત મોરબી કોર્ટ સહિત ઠેર ઠેર ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા હતા. તમામ સરકારી અને ખાનગી સ્કૂલો અને સંસ્થાઓ દ્વારા તેમજ દેરક ગામમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી.

- text