અંતે પાલિકા તંત્ર જાગ્યું : રોડના ખાડા બુરવાની કવાયત શરૂ કરી

- text


તંત્ર જાગ્યું તો ખરા પણ રોડના ખાડા બુરવામાં પણ લાલીયા વાળી તો નહીં થાય ને?

મોરબી : મોરબીમાં અગાઉથી ખરાબ હાલતમાં રહેલા મોટાભાગના માર્ગોની પ્રથમ વરસાદથી બુરી દશા થઈ ગઈ હતી. જોકે મોટાભાગના માર્ગો પર એટલી હદે ખાડા-ખબડા પડી જતા મોરબી આખું ખાડામાં હોય એવી કપરી હાલત સર્જાતા લોકોએ તંત્ર સામે સોશ્યલ મીડિયામાં ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. અને આ બાબતે મોરબી અપડેટએ પણ તંત્રની આંખ ઉઘાડવા લાઈવ અહેવાલ પ્રસારિત કર્યો હતો. ત્યારે આજથી મોરબી પાલિકા તંત્ર દ્વારા રોડ પરના ખાડા-ખબડા બુરવાની કવાયત શરૂ કરવામાં આવી છે. જોકે આ કામગીરીમાં પણ પાલિકા લાલીયાવાળી તો નહીં કરેને? તેવી લોકો ટકોર કરી રહ્યા છે.

- text

મોરબી પાલિકા તંત્ર દ્વારા આજથી મુખ્યમાર્ગો પર રહેલા ખાડા-ખબડા બુરવાની શરૂ કરેલી કામગીરી અંગે પાલિકાના કર્મચારી હિતેશભાઈ રવેશિયાએ જણાવ્યું હતું કે જે રોડ ઉપર ખાડા ખબડા પડ્યા છે તેનું યોગ્ય રીતે બુરાણ કરવામાંની પાલિકા તંત્ર દ્રારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં ગાંધી ચોકથી રવાપર રોડ નરસંગ ટેકરી મંદિર સુધીના રોડ ઉપર પડેલા ખાડાઓ બુરવાની કામગીરી થઈ રહી છે અને ગાંધી ચોકથી શનાળા રોડ સુધી પણ ખાડાઓનું બુરાણ કરવાની કામગીરી પણ ટુક સમયમાં કરવામાં આવશે અને આગામી 3-4 દિવસમાં રોડ પરના ખાડા બુરી દેવામાં આવશે. ઉમિયા સર્કલ પાસે જે રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે તે રોડ પરની મોરમને ખાડાના બુરાણ માટે ઉપયોગમાં લેવામાં આવી છે. જેમાં કોન્ક્રીટ અને ડામરનું મિશ્રણ હોવાથી યોગ્ય રીતે ખાડાનું બુરાણ થાય છે. જોકે પાલિકા દ્વારા રસ્તા પરના ખાડા બુરવાની શરૂ કરાયેલી કામગીરી કેટલી અસરકારક રહે છે? આ કામગીરી પણ અન્ય કામોની જેમ કાગળ પર તો નહીં થાય ને? અને આ કામમાં પણ લાલીયાવાળી તો નહીં થાયને તેવા વેધક સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.

- text