મોરબીના પંચાસર રોડ ઉપર જૂથ અથડામણ : પાંચ વ્યક્તિઓને ઇજા

- text


પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે હિસંક અથડામણ સર્જાઈ : એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર બે જૂથ સશસ્ત્ર અથડામણ થઈ હતી. પાર્કિગમાં રહેલા વાહનો કાઢવા મામલે બન્ને જૂથ હથિયારો સાથે સામસામે આવી જઈને એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. બે જૂથ વચ્ચેની સશસ્ત્ર અથડામણમાં પાંચ વ્યક્તિઓને ઇજા થતાં આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવને પગલે એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

આ જૂથ અથડામણની ઘટનાની મોરબી સિવિલ હોસ્પિટલમાંથી મળતી વિગતો અનુસાર મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા ઓઇલ મિલ નજીક આજે સવારના 10-30 વાગ્યાની આસપાસ પાર્કિગમાં વાહનો કાઢવાની બાબતે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયા બાદ જોતજોતામાં બન્ને જૂથોના સભ્યો ઘાતક હથિયારો સાથે સામસામે આવી જતા સશસ્ત્ર મારામારી થઈ હતી. આ હિંસક અથડામણમાં સદામ હનીફ પાયક (ઉ.વ.35), શૈલેષ અમરશી કંજારીયા (ઉ.વ.27), રમેશભાઈ આણદા કંજારીયા (ઉ.વ.34), રમેશ મલાભાઈ કંજારીયા (ઉ.વ.32), નાનુંબેન અમરશી કંજારીયા (ઉ.વ.32) ને ઇજા પહોંચતા તાત્કાલિક આ તમામને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાંથી બે ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. આ બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટાફ, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને વધુ કોઈ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં દોડી જઈને બન્ને જૂથની સામસામી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text