ટંકારા તાલુકાની કોઈપણ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના પ્રવેશ માટે ઓનલાઇન પ્રક્રિયા શરુ

- text


ટંકારા : કોરોના મહામારીના આ સમય દરમ્યાન સમગ્ર દેશ અને રાજ્યમાં હાલ લોકડાઉન હોવાથી શાળાઓ બંધ છે. વળી સરકાર દ્વારા ઘો.1 થી 9 અને ધો.11 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી વર્ગબઢતી આપવાનો નિર્ણય કરેલ છે. ત્યારે હાલ લોકડાઉનના કારણે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવાની કામગીરી પ્રત્યક્ષ રીતે શક્ય ન હોવાથી વિદ્યાર્થીઓના માતા-પિતા અને વાલીઓને પોતાના સંતાનોને શાળાઓમાં પ્રવેશ અપાવવા માટે કોઈ મુશ્કેલી ના પડે તે માટે ટંકારા તાલુકા તમામ સરકારી પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ નાવીન્યપૂર્ણ કાર્ય કરીને પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન ફોર્મ બનાવ્યું છે.

કોઇપણ શાળામાં એડમિશન મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકે તે માટેની દરેક શાળા દ્વારા લિંક બનાવવામાં આવી છે. જે બાળકો જુદી જુદી શાળાઓમાં ધો. 1થી 8 માં પ્રવેશ મેળવવા માગે છે. તેમના માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરેલ છે. ઈન્ટરનેટના ઉપયોગ થકી લિંક દ્વારા જાણકાર વાલીઓ અને પરિવારના સભ્યો પોતાના બાળકોની ઓનલાઈન માહિતી સબમિટ કરી લગત શાળામાં પ્રવેશ મેળવી શકશે. આ માટે તાલુકાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ કાર્યરત થઈ છે.

- text

લોકડાઉન દરમ્યાન શિક્ષણ વિભાગ દ્વારા અપાતું શૈક્ષણિક અને બાળસાહિત્ય વાલીઓના વોટ્સઅપ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શિક્ષકોએ ઓનલાઈન શિક્ષણ પ્રક્રિયા પણ ચાલુ રાખેલ છે. આ સમગ્ર પ્રક્રિયા માટે સતત કાર્યરત એવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુરભાઈ પારેખ સાહેબનું સતત મોનીટરીંગ, સંપર્ક અને માર્ગદર્શન પ્રાપ્ત થતું રહેલ છે.

લોકડાઉનના સમયમાં બાળકો અને વાલીઓને કોઇ મુશ્કેલી ન પડે તેમજ બાળકો શિક્ષણકાર્યથી દૂર ન રહે તે માટે ટંકારા તાલુકાના શિક્ષકો સતત પ્રયત્નશીલ છે. આ માટે મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પારેખ સાહેબના માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના પ્રાથમિક શિક્ષણાધિકારી દીપાબેન બોડા, બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઇ ફેફર તેમજ તમામ સી.આર.સી.કો-ઓર્ડિનેટર તમામ કામગીરીનું મોનિટરીંગ કરી રહ્યા છે.

નીચે આપેલ લિંકથી ટંકારા તાલુકાની જે શાળામાં પ્રવેશ મેળવવો છે, તે શાળા સામે clik here પર ક્લીક કરવાથી પ્રવેશ ફૉર્મ ખુલશે. તેમાં વિગત ભરવાથી શાળા સુધી માહિતી પહોંચી જશે. તેમ ટંકારા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડિ. કલ્પેશભાઇ ફેફરે જણાવેલ છે અને આવી નાવિન્યપૂર્ણ કામગીરી બદલ તમામ શિક્ષકોને અભિનંદન પાઠવેલ છે.

એડમિશન ફોર્મ માટેની લિંક : https://brctankara.blogspot.com/p/blog-page_22.html

- text