મોરબી જિલ્લાના 193 શિક્ષકોને પરીક્ષામાં ગેરરીતિ બદલ અપાઈ નોટિસો

- text


પરીક્ષા દરમિયાન 98 શાળાઓમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા લેવામાં આવેલી સરપ્રાઈઝ વિઝીટમાં ગેરરીતિ જોવા મળ્યા બાદ હાથ ધરાઈ કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા પરીક્ષા દરમિયાન 98 જેટલી શાળાઓની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ગેરરીતિ જોવા મળતા 193 જેટલા શિક્ષકોને નોટિસો ફટકારવામાં આવી છે.નોટિસોમાં તમામ શિક્ષકોને દિવસ 10માં ખુલાસો રજૂ કરવા જણાવાયું હોવાનું જાણવા મળ્યું છે.

આધારભૂત સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર મોરબી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં તાજેતરમાં પ્રથમ સત્રની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષામાં શિક્ષકોએ વિવિધ નિયમોનું પાલન કરવાનું રહે છે. લેશન ડાયરી નિભાવવી, એકમ કસોટી સમયસર તપાસીને વિદ્યાર્થીના વાલી પાસે સહી કરાવીને તેને પરત મેળવવી, પરીક્ષા દરમિયાન ગેરરીતિ ન થાય તેની તકેદારી રાખવા સહીતની કામગીરી શિક્ષકોએ કરવાની હોય છે.

- text

આ પરીક્ષા દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓએ 98 જેટલી શાળાઓની સરપ્રાઈઝ વિઝીટ લીધી હતી. જે દરમિયાન અમુક શિક્ષકો તો જાતે જ વિદ્યાર્થીઓને જવાબો લખાવતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત અન્ય ગેરરીતિ પણ જોવા મળી હતી. જે બદલ જિલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી દ્વારા 193 જેટલા શિક્ષકોને નોટિસો પાઠવવામાં આવી છે. આ નોટિસમાં શિક્ષકોને 10 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવાયું છે.

- text