મોરબી જિલ્લાના 2.62 લાખ બાળકોની કરાશે આરોગ્ય તપાસ

- text


25મીથી આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ : ડીડીઓ એસ.એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને મળી બેઠક

મોરબી : રાજય સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી સપ્તાહનો કાર્યક્રમ આગામી ૨૫મી નવેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. તેના સંદર્ભે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે આરોગ્ય વિભાગના અધિકારી અને તેમજ લગત વિભાગના અધિકારીઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં ડીડીઓએ ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યું હતું કે, અગાઉ શાળા આરોગ્ય તપાસણી દરમ્યાન ઉચ્ચ સારવાર લીધેલ બાળકોની હાલ શુ સ્થિતી છે. તે જાણી દરેકની પ્રોફાઇલ બનાવવા સૂંચન કર્યુ હતું. તેમજ ૨૫ તારીખે શુભારંભ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ ખાસ હાજર રહે તે માટે સુચનો કર્યા હતા. તેમજ આંગણવાડીના બાળકો તપાસ કર્યા વગરના ન રહી જાય તે જોવા ખાસ સૂચન કર્યું હતું. તેમજ જિલ્લામાં દવાના જથ્થા અંગેની વિગત પણ આરોગ્ય અધિકારીઓ પાસેથી મેળવી હતી.

મુખ્ય જિલ્લા આરોગય અધિકારી ડો.જે.એમ. કતીરાએ જિલ્લાની વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના કુલ ૧૮૩૦ સંસ્થાના ૨,૬૨,૨૫૨ બાળકોની સપ્તાહ દરમ્યાન જિલ્લાની ૧૯૬ આરોગ્ય ટીમ દ્વારા બાળકોની આરોગ્ય તપાસ કરી સારવાર કરવામાં આવશે.

- text

વધુમાં ડો. કતીરાએ જણાવ્યું કે, આ સપ્તાહ દરમ્યાન ખાનગી અને સરકારી મળીને ૮૩૭ આંગણવાડીના ૬૮,૯૯૯ બાળકો, ખાનગી અને સરકારી મળીને ૭૬૮ પ્રાથમિક શાળાના ૧,૪૭,૯૭૬ બાળકો, ખાનગી અને સરકારી મળીને ૨૧૪ હાઇસ્કૂલના ૪૧,૮૮૪ બાળકો સહિત અન્ય શાળાઓ સહિત નવજાત શીશુથી ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતા બાળકો મળીને આરોગ્ય શાખાના ૮૩૮૮ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

શાળા આરોગ્ય સપ્તાહ કાર્યક્રમમાં પ્રથમ દિવસે શાળાઓની સફાઇ, શાળામાં આવેલ પીવાના પાણીના ટાંકાની સફાઇ, વૃક્ષારોપણનું કાર્ય કરશે. તથા બીજા દિવસે હેલ્થ વકર્સ દ્વારા બાળકોની પ્રાથમિક તપાસ અને ત્રીજા દિવસે પ્રાથમિક તપાસમાં ખામીવાળા બાળકોની ડોકટર દ્વારા તપાસ કરીને તેઓને સ્થળ પર સારવાર આપવામાં આવશે અને તપાસ દરમ્યાન નિષ્ણાંત ડોકટર્સની સારવારની જરૂર જણાશે તો બાળકોની સીવીલ હોસ્પીટલ ખાતે તપાસ કરી નિઃશુલ્ક દવાઓ તેમજ દષ્ટ્રિ ખામી હશે તો તેને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવશે.

ઉપરાંત હદય, કીડની કે કેન્સરની બીમારી હોય તથા અમુક નકિક કરાયેલ રોગ હોય તેને સુપર સ્પેશીયાલીસ્ટ ડોકટર્સની સારવાર જરૂર પડશે તો પણ તમામ ખર્ચ રાજય સરકાર દ્વારા આપવામાં આવશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપરાંત નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સી.સી. કાવર, સમાજ સુરક્ષા અધિકારી અનિલાબેન પીપલીયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.


- text