મોરબીમાં કોલસાના વેપારીનું ફિલ્મી ઢબે અપહરણ : ગણતરીની કલાકોમાં છુટકારો

- text


કોલસાના ધંધાના પૈસાની લેતી દેતી મામલે બે શખ્સોએ ઢુંવા ચોકડી નજીકથી કારમાં અપહરણ કર્યું : એલસીબીએ ભડિયાદ રોડ પરથી વેપારીને મુક્ત કરાવ્યો

મોરબી : મૂળ મોરબીના ચકમપર ગામના રહેવાસી અને હાલ અમદાવાદ સ્થાયી થઈ કોલસાનો વેપાર કરતા પટેલ યુવાનનું ગઈકાલે વાંકાનેર ઢુંવા ચોકડી નજીકથી નાણાકીય લેતી દેતી મામલે મોરબીના બે શખ્સોએ કારમાં અપહરણ કરી જઈ ઢોર માર મારવા પ્રકરણમાં મામલો મોરબી એલસીબી સમક્ષ પહોંચતા પોલીસે ગણતરીની કલાકોમાં વેપારીને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવી છ શખ્સોની ધરપકડ કરી હતી.

સમગ્ર ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈકાલે મોરબી એલસીબી કચેરીએ પહોંચી ગૌતમભાઇ દુર્લભજીભાઇ કાલરીયા રહે.મોરબી વાળાએ ચોકવનારી ફરિયાદ કરી હતી કે તેના કાકાના દિકરા અમિતભાઇ ધરમશીભાઇ કાલરીયાને ઢુંવા ચોકડી ભવાની હોટલ સામેથી બાલુભાઇ અઘારા તથા રાજુભાઇ ઠક્કર તેમની ગાડીમાં અપહરણ કરી લઇ ગયેલ છે અને અત્યારે મોરબી ભડીયાદ રોડ ઉપર આવેલ બાલ ગણેશ કોલ નામના કારખાનામાં ગોંધી રાખેલ છે તેવી રજુઆત કરતા તુરત જ એલસીબી સ્ટાફ હરકતમાં આવ્યો હતો અને ઉપરોક્ત સ્થળે તપાસ કરતા ભોગ બનનાર તથા આરોપીઓ મળી આવતા તમામને એલ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.

બાદમાં અપહૃત અમિતભાઇ ધરમશીભાઇ કાલરીયા, ઉ.વ.૩૪. ધંધો વેપાર, રહે.હાલ અમદાવાદ, સાયન્સ સીટી રોડ. દત્ત રેસીડેન્સી. બંગલા નંબર ૧૫, સોલા. મુળ રહે.જીવાપર(ચક્મપર), મોરબીવાળાએ અપહરણ કરનાર (૧) બાલુભાઇ થોભાણભાઇ અઘારા ઉ.વ.૩૩. રહે.મોરબી. રવાપર રોડ, નરસંગ સોસાયટી (ર) રાજુભાઇ પ્રાણજીવનભાઇ ઠકકર ૨હે, મો૨બી-૨, હાઉસીંગ બોર્ડ, ગેંડા સર્કલ પાસે… મુળ રહે.થરા, જી.બનાસકાંઠા (૩) ભાવેશભાઇ ધરમશીભાઇ માકાસણા, ઉ.વ.૩૨, રહે.ધરમપુર. પ્લોટ વિસ્તાર, તા.જી.મોરબી (૪)પ્રવિણભાઇ માવજીભાઇ ધોડાસરા, ઉ.વ.૩૮, રહે.મોરબી-ર, ઉમા ટાઉનશીપ. રોયલ હાઇટસ એ-૨૦૪. તા.જી.મોરબી. (પ) આશિષ ત્રીભોવનભાઇ ધોડાસરા, ઉ.વ.૩૩, રહે.મો૨બી-ર, ગોપાલ સોસાયટી. ગોમતી નિવાસ. તા.જી.મોરબી અને (૬) અભિ ઇશ્વરભાઇ ચાડમીયા, ઉ.વ.ર૪. રહે.મોરબી. રવાપર રોડ. વૃન્દાવન એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

- text

આ મામલે વાંકાનેર પોલીસે સાંજના આશરે સાડા પાંચેક વાગ્યાના અરસામાં ભવાની હોટલ સામે, ઢુંવા ચોકડી, નજીકથી વેપારીનું અપહરણ કરવા મામલે તમામ છએ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ ૩૬૫, ૩૮૭, ૧૨૦ (બી), ૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) મુજબ આરોપીએ એક સંપ કરી પુર્વ આયોજીત કાવતરૂ રચી આ કામના ફરીયાદી અમિતભાઇ પાસેથી આરોપીઓએ કોલસાના રૂપિયા માંગતા હોય તે કઢાવવા સારૂ વરના ગાડી નંબર જીજે-૧ કેએન-૬૪૪૪ માં અપહરણ કરી લઇ જઇ અલગ અલગ કારખાનામાં ગોંધી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી, ઢીકા પાટુનો માર મારી, મૃત્યુનો ભય બતાવી રૂપિયા ૧૦૦ના સ્ટેમ્પપાં ફરીયાદીની મિલકત લખેલ લખાણમાં બળજબરીથી મિલ્કત પડાવી લેવા માટે સહિઓ કરાવવાની કોશીશ કરી ગુન્હાહિત કાવતરૂ રચી ગુન્હો કરવા અંગે વિધિવત ફરિયાદ નોંધી તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text