મોરબીમાં વાસમાંથી સુંડલા બનાવવાની પ્રાચીન કારીગરીને જીવંત રાખતું વાસફોડીયા દંપતિ

- text


અગાઉ દર મહિને બે થી ત્રણ સુંડલા બનાવતા પરંતુ શાળાનાં પ્રિન્સિપાલ અને સંસ્થાનો સહયોગ મળતા ૧૫૦ સુંડલા બનાવીને દંપતિ પગભર બન્યું

મોરબી : હાલના આધુનિક યુગ પૂર્વે કોઈ પણ ચીજ વસ્તુને ભરવા માટે વાસના સુંડલાનો ઉપયોગ થતો હતો. ત્યારે હાલના જમાનામાં પ્લાસ્ટિક બાસ્કેટે આ સુંડલાનું સ્થાન લઈ લીધું છે. ત્યારે કપરા સંજોગોમાં પણ મોરબીના એક દંપતીએ આ વાસના સુંડલા બનાવવાની કળાને પોતાની આજીવિકા બનાવીને તે કળાને જીવંત રાખી છે. જો કે અગાઉ તેઓ માત્ર બે થી ત્રણ જ સુંડલા વેચાતા હતા. પરંતુ સ્કૂલના પ્રિન્સિપાલ અને સંસ્થાએ પ્રોત્સાહન આપતા હવે દર મહિને ૧૫૦થી વધુ સુંડલાઓ બનાવી તેનું વેચાણ કરીને આ દંપતિ આર્થિક રીતે પગભર બન્યું છે.

મોરબીમાં રહેતા વાસફોડીયા ઝાલાભાઈ ઈશ્વરભાઈ અને તેમના પત્ની બાયજીબેન શરૂઆતથી વાસમાંથી સુંડલા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમનો પરિવાર ત્રણ પેઢીથી સુંડલા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આજે આધુનિક જમાનામાં સુંડલાની માંગ ઘટી ગઈ છે. તેથી વાસમાંથી સુંડલા બનાવવાની કલા લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. બીજી તરફ આ દંપતીની આર્થિક સ્થિતિ પણ નબળી હતી. જેથી તેઓના વ્યવસાયનો વ્યાપ સાવ ઘટી ગયો હતો. છેલ્લા ઘણા સમયથી આ દંપતિ દર મહિને બે થી ત્રણ સુંડલા જ બનાવતું હતું.

- text

આ બાબત ઓમ શાંતિ સ્કૂલના પ્રિન્સિપાલ વિરડીયાને ધ્યાને આવતા તેઓએ આ દંપતીને આર્થિક સહયોગ આપીને આ વ્યવસાયને આગળ વધારવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. તેમજ નવરંગ નેચર કલબના અગ્રણી જીતુભાઇ ઠક્કરે આ દંપતિને સુંડલા વેચવાનું અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. હવે આ દંપતિ સંસ્થાના માધ્યમથી સુંડલાનું વેચાણ કરી શકે છે. તેઓ દર મહિને કુલ ૧૫૦થી વધુ સુંડલા બનાવે છે. તેઓ વાસમાંથી બાસ્કેટ સુંડલી, સાબડી, મોટું સુંડલ સહિતની વસ્તુઓને કલાત્મક રીતે ગુથીને બનાવે છે. આ વસ્તુઓ બનાવતા તેમને દરરોજ ચારથી પાંચ કલાક જેટલો સમય લાગે છે. આ દંપતિ મોરબી ઉપરાંત રાજકોટ સહિતના સ્થળોએ સુંડલાનું વેચાણ કરીને પગભર બન્યું છે.

- text