મોરબીના મચ્છુ-૨ ડેમમાં બે મહિના ચાલે તેટલું જ પાણી

- text


ચોમાસાની સિઝનને બે મહિના થયા હોવા છતાં જિલ્લાના તમામ ડેમોની સપાટી તળિયાથી થોડી જ ઊંચી આવી

મોરબી : ચોમાસાની સિઝનને બે મહિના થઈ ગયા હોવા છતાં મોરબી જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા નથી. જિલ્લામાં સાવ ઓછો વરસાદ પડ્યો હોવાથી તમામ ડેમોમાં પાણીનો જથ્થો ખૂબ ઓછો છે. તેમાં પણ મોરબી શહેરની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમમાં હાલ ૬૦ દિવસ ચાલે એટલુ જ પાણી છે. જેથી જળસંકટના વાદળો ઘેરાઈ રહ્યા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

ચાલુ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્રનાં કેટલાક જિલ્લામાં એટલા ઓળઘોળ થયા કે માત્ર બે થી ત્રણ વરસાદમાં ઘોડાપુર આવી ગયા હતા તો કેટલાક જિલ્લામાં સાવ નહિવત વરસાદ થતાં આગામી દિવસોમાં પીવાના પાણીની તંગી સર્જાઈ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. મોરબી જિલ્લામાં પણ જાણે મેઘરાજા રિસયા હોય તેમ પૂરતો વરસાદ પડ્યો નથી.વિધિવત ચોમાસુ શરૂ થયાના બે માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં મોરબી જિલ્લાનાં તમામ તાલુકામાં નહિવત વરસાદ છે.

મોરબી તાલુકામાં ૧૦ ઇંચ જયારે વાંકાનેરમાં માત્ર ૯ ઇંચ વરસાદ થતાં મોરબી શહેર,ગ્રામ્ય તેમજ માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ ડેમમાં પણ પાણીની આવક નહિવત છે.હાલ ડેમની સ્થિતિ જોઈએ તો ૧૦.૭૦ ફુટ જેટલી ઊંડાઈ છે. જેમાં માત્ર ૩૦૩.૨૬એમસીએફટી પાણીનૉ લાઈવ જથ્થો અને ડેમમા પાણીનૉ કુલ જથ્થો ૪૩૭ એમસીએફટી કુલ જથ્થો છે. મોરબી શહેરનૉ કુલ વપરાશ સરેરાશ ૫ એમસીએફટી છે. આમ જોઈએ તો ૬૦ દિવસ ચાલી શકે તેટલો લાઈવ જથ્થો છે. જયારે ડેમનો કુલ પાણીનૉ જથ્થો ૮૫ દિવસ ચાલી શકે તેટલો જ છે.

- text

હાલ ઓગસ્ટ માસના પણ ત્રણ સપ્તાહ પુરા થઈ ચૂક્યા છે. સામે મેઘરાજાનાં રિસામણાથી ધરતી પુત્રો અને મોરબીવાસીઓનાં જીવ અધ્ધર થઇ ગયા છે. અગામી સમયમાં મચ્છુ ૨ ડેમના ઉપરવાસ વાંકાનેર તાલુકા, મોરબી તાલુકા અને ચોટીલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યોગ્ય માત્રામાં વરસાદ નહિ થાય તો જળ સંકટનૉ સમાનો કરવો પડી શકે છે. આવી જ સ્થિતિ વાંકાનેરમાં મચ્છુ ૧ ડેમની છે ડેમની કુલ ઊંડાઈ ૪૨ ફુટ છે. ૧૮.૨૭ફુટ જેટલું પાણી છે. અને પાણીનો જથ્થો ૪૦૧ એમસીએફટી જેટલું બચ્યું છે. જે કુલ સંગ્રહ ક્ષમતાનું માત્ર ૧૬.૪૫ ટકા જ છે.

જિલ્લાના મુખ્ય ડેમોની હાલની સ્થિતિ જોઈએ તો મચ્છુ-૧ની ઊંડાઈ ૧૮.૨૭ ફૂટ, જથ્થો ૪૦૧ એમસીએફટી, મચ્છુ-૨ની ઊંડાઈ ૩૭.૨ ફૂટ, જથ્થો ૩૦૩- ૪૩૭ એમસીએફટી, મચ્છુ-૩ ડેમની ઊંડાઈ ૨૯.૪૯ ફૂટ, જથ્થો ૧૩૧-૧૮૫ એમસીએફટી, બ્રહ્માણી ડેમની ઊંડાઈ ૧૬.૬૩ ફૂટ, જથ્થો ૨૫૯-૩૩૧ એમસીએફટી, બ્રહ્માણી-૨ ડેમની ઊંડાઈ ૩૫.૧૪ ફૂટ, જથ્થો ૩૮ એમસીએફટી, ડેમી-૧ ડેમની ઊંડાઈ ૧૧.૯૮ ફૂટ અને જથ્થો ૧૭૯ એમસીએફટી, ડેમી-૨ ડેમની ઊંડાઈ ૧૪.૨૧ ફૂટ અને જથ્થો ૩૬ એમસીએફટી છે.

- text