સ્મશાન જમીન વિવાદ : ખાનપરના ૧૦૦ થી વધુ દલિતો મૃતદેહ સાથે કલેકટર કચેરીમાં ધામા નાખતા અજંપા ભરી સ્થિતિ

- text


દલિત સમાજના આગેવાનો સાથે અડધી રાત્રે યોજાયેલી મિટિંગ પડી ભાંગતા પાવડા, ત્રિકમ, કોદાળી સાથે લોકો કચેરીમાં : ચાંપતો પોલીસ બંદોબસ્ત

મોરબી : મોરબીના ખાનપર ગામે સમશનની જમીન ફાળવણીને લઈ ચાલતા વિવાદમાં ગઈકાલે અડધી રાત્રે મળેલી બેઠક પડી ભાંગ્યા બાદ આજે સવારે દલિત આગેવાનોએ ચીમકી મુજબ મૃતદેહની દફનવિધિ કલેકટર કચેરીમાં કરવાની તૈયારી સાથે પાવડા, ત્રિકમ અને કોદાળી સહિતના સાધનો સાથે કચેરીમાં ૧૦૦ થી વધુ લોકોએ ધામા નાખતા અજંપા ભરી સ્થિતિ વચ્ચે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ખાનપર ગામે અનુસૂચિત જાતિ સમાજ માટે સ્મશાનની જમીન ફાળવવામાં હાઇકોર્ટના આદેશ છતાં કલેકટર તંત્ર દ્વારા જમીન ફાળવણી ન કરવામાં આવતા અગાઉ આપેલી ચીમકી મુજબ ગામના આગેવાન દ્વારા જો મુદત વીત્યા બાદ સમાજના કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થશે તો લાશની દફનવિધિ કલેકટર કચેરીમાં કરવા જાહેર કર્યું હતું તેવામાં ખાનપરમાં અનુ.જાતિના એક વ્યક્તિનું મૃત્યુ નિપજતા જિલ્લા કલેકટરે સુપ્રિમકોર્ટની જેમ જ અડધી રાત્રે તાકીદની બેઠક યોજી નિર્ણય કરવા મજબૂર થવું પડ્યું હતું, જો કે બેઠક બાદ પણ નિવેડો ન આવતા આજે અનુજાતિ સમાજે મૃતદેહને કલેકટર કચેરીએ લાવવા અડધી રાત્રે જાહેર કરતા મામલો ગરમાયો હતો અને ચીમકી મુજબ જ દલિત સમાજના ૧૦૦ લોકો મૃતદેહ સાથે સવારે કલેકટર કચેરીએ ઘસી આવ્યા હતા.

- text

મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે પાંચ વર્ષ પહેલા વિવાદ થતા મામલો હાઈકોર્ટમા પહોંચ્યો હતો જેમાં  કોર્ટે પાંચ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં કલેકટર તંત્રએ ગંભીર બાબતની દરકાર લીધી ન હતી.બીજી તરફ કલેકટર તંત્રની કરમની કઠણાઈ સર્જાતા આજના દિવસે ગામનાં ડાયાભાઈ પમાભાઈ પરમારનું મોત નીપજ્યું હતુ. અને સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ અગાવ આપેલી ચીમકી મુજબ મોરબી કલેક્ટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરી સવારમાં મૃતદેહ સાથે દલિત સમાજ કલેકટર કચેરીએ પહોંચી ગયો હતો.

ઉલ્લેખનીય છે કે આ સંદર્ભ અન્વયે અનુસૂચિત જાતિની ચીમકી ગંભીરતાથી લઈ સેન્સેટિવ મુદ્દે અડધી રાત્રે ૧ વાગ્યે જીલ્લા કલેક્ટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી. આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાઘવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા પણ કોઈ નક્કર ઉકેલ આવ્યો ન હતો.

દરમિયાન મોડે રાત્રી સુધી ચાલેલી બેઠકમાં કોઈ નિર્ણય ન લેવાતા દલિત સમાજના આગેવાનોએ સવારે ગામના મૃતક વૃદ્ધની લાશને કલેકટર કચેરીએ દફનવિધિ માટે લાવતા કલેકટર તંત્ર મૂંઝવણમાં મુકાયું છે જો કે હાલ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

- text