મોરબી : વીજબચત માટે નખાયેલી એલઈડી લાઈટોમાં જ વિજળી વ્યય

- text


શનાળા રોડ, જીઆઈડીસી શક્તિ પ્લોટ સહિતનાં વિસ્તારોની એલઈડી સ્ટ્રીટ લાઈટો ચોવીસ કલાક ચાલુ

મોરબી : પાલિકા તંત્ર વિજળી બચત માટે ભલે અવનવા અખતરા અને દાવા કરે પણ તે બધાય અવારનવાર પોકળ સાબિત થયા છે. જેમાં જૂની સ્ટ્રીટ લાઈટો અને હાઈમાસ્ક લાઈટો ધોળા દિવસે ચાલુ રહેતી ત્યારે વીજ તંત્રે વીજબચત કરવા નવી એલઈડી લાઈટો નાખી હતી જે પણ દિવસ દરમિયાન ચાલુ રહેતા વિજળી વ્યય સાથે તંત્રનાં ધાંધીયા છડે ચોક જોવા મળ્યા છે.
પાલિકા તંત્રની બેદરકારીને કારણે મોરબીમાં સ્ટ્રીટ લાઈટો દિવસે પણ ચાલુ રહેવાની સમસ્યા કાયમી છે. તંત્રનાં કર્મચારીઓની જેતે વિસ્તારની લાઈટો દિવસ ઉગતા સાથે બંધ કરવાની આળસને કારણે બેફામ વિજળીનો વ્યય થતો જોવા મળ્યો છે. શહેરનાં અનેક વિસ્તારો સાથે મુખ્ય ચોકમાં નખાયેલી હાઈમાસ્ક લાઈટો પણ દિવસે ચાલુ રહી જતી હોય છે ત્યારે ફરી એકવખત તંત્રની બેદરકારીથી ભારે ટીકાઓ થઈ રહી છે.
અગાઉ શહેરમાં સીધી લાઈટ ચાલુ-બંધ કરવાની વ્યવસ્થા ઉભી કરવમાં આવી હતી પરંતુ એ સિસ્ટમ પણ નકામી સાબિત થઈ હતી. ત્યારે પાલિકા તંત્રે નવો કીમિયો કરી વીજ બચત માટે જૂની લાઈટોની જગ્યાએ નવી ૧૪ હજાર જેટલી એલઈડી લાઈટો નાખી હતી. જે લાઈટો ધોળા દિવસે પણ ચાલુ હોય વિજળીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે. જેમાં શનાળા રોડ, જીઆઈડીસી શક્તિ પ્લોટ સહિતનાં વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો ચોવીસ કલાક ચાલુ રહે છે એ તબક્કે તંત્રે યોગ્ય આયોજન કરી વિજળી બચત કરવાની જરૂર છે.

- text