R & Bના ઈજનેરે મજુંરી આપતી વખતે ગેમઝોનની સ્થળ તપાસ કરી જ નહોતી 

- text


રાજકોટ : રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની દુર્ઘટનામાં રાજ્ય સરકારે જવાબદાર સરકારી અધિકારીઓને પણ સસ્પેન્ડ કરી દીધા છે. ગેમ ઝોનને લાઈસન્સ આપવામાં ગંભીર બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે સરકારે લાલ આંખ કરી છે. ત્યારે આ મામલે સસ્પેન્ડ થયેલા માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પારસ એમ. કોઠીયાની પણ ગંભીર બેદરકારી સામે આવી છે.

તપાસ બાદ માર્ગ અને મકાન વિભાગના નાયબ સચિવ હિતેશ પટેલે નાયબ કાર્યપાલક ઈજનેર પારસ કોઠીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવા હુકમ કર્યો છે. સસ્પેન્ડ કરવા પાછળનું કારણ આપતાં જણાવાયું છે કે, પારસ કોઠીયા જે તે વખતે મદદનીશ ઈજનેર શહેર (માર્ગ અને મકાન વિભાગ) રાજકોટ ખાતે ફરજ બજાવતા હતા તે વખતે રેસ-વે એન્ટરપ્રાઈઝની એમ્યુઝમેન્ટ પાર્ક ચાલુ કરવા અંગે બુકિંગ લાઈસન્સ આપવા અંગેની રાજકોટ પોલીસ કમિશનરને અરજી મળતાં પારસ કોઠીયાને અરજીમાં સામેલ પ્લાન પ્રમાણે સ્થળ પર જઈ તપાસ કરવા પોતાના વિભાગ દ્વારા જણાવાયું હતું. પરંતુ પારસ કોઠીયા સ્થળ પર ગયા ન હતા અને કોઈ કામગીરી કરી ન હતી. ખુલ્લા પ્લોટનો નકશો રજુ થયેલો હોવા છતાં કાગળ પર કાર્યવાહી કરી ફરજમાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેથી પારસ કોઠીયાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયા છે.

- text

- text