મોરબીમાં સિરામિક પાર્ક નિર્માણથી અઢળક નવા રોકાણની આશા : મુકેશ કુંડારીયા 

- text


મોરબી : સિરામિક હબ ગણાતા મોરબીમાં સિરામિક પાર્કનું નિર્માણ થવાનું છે ત્યારે આ સિરામિક પાર્કથી નવું રોકાણ લાવવામાં સહાય મળશે અને અનેક લાભ થશે તેવો આશાવાદ મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ વ્યક્ત કર્યો છે. સાથે જ મુકેશભાઈ કુંડારિયા અને જગદિશભાઈ વરમોરાએ વાયબ્રન્ટ ગુજરાત પ્રિ-સમિટમાં પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ના પૂર્વાર્ધરૂપે ‘સિરામેક : પ્લેસિંગ ગુજરાત ઓન ધ ગ્લોબલ મેપ’ પ્રિ-સમિટ પ્રોગ્રામ યોજાયો હતો. આ તકે સિરામિક ક્ષેત્રના અગ્રણી ઉદ્યોગપતિઓ મુકેશભાઈ કુંડારિયા અને જગદીશભાઈ વરમોરાએ વાયબ્રન્ટ ગુજરાત અંગે પ્રતિભાવ રજૂ કર્યા હતા. મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના વિટ્રીફાઈડ ટાઈલ્સ ડિવિઝનના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાએ જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા સિરામિક ઇન્ડસ્ટ્રીના હબ ગણાતા મોરબીમાં સિરામિક પાર્કનું નિર્માણ થતા નવું રોકાણ લાવવામાં સહાય મળશે. તેમજ મોરબી સિરામિક એસોસિએશનના રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સમજૂતી કરાર થવાથી સિરામિક ઉદ્યોગની મશિનરીના પાર્ટ્સ ચીનથી આયાત કરવાના બદલે રાજકોટમાં બનાવવામાં આવશે તો વિદેશી હુંડીયામણની બચત થઈ શકશે. આ વર્ષે મોરબીના સિરામિક ઉદ્યોગમાં રૂ. પાંચથી સાત હજાર કરોડનું રોકાણ પણ આવી રહ્યું છે. આથી, સિરામિક ઉદ્યોગ મોરબીની પ્રગતિને વધુ તેજ બનાવવામાં મદદરૂપ થઇ શકે છે.

વધુમાં સીરામીક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનતા કહ્યું હતું કે સરકાર સાથે એમ.ઓ.યુ. કરવાથી કંપનીને લાયસન્સ, વીજજોડાણ અને ગેસ કનેક્શન સહિતની કામગીરીમાં સરળતા રહે છે. આ રીતે રાજ્ય સરકાર વાયબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ઉદ્યોગ ક્ષેત્રે નવું રોકાણ, નવી ટેકનોલોજી લાવવા સતત પ્રયત્નશીલ હોય છે, જે પ્રશંસનીય છે.

- text

મોરબી સ્થિત સનહાર્ટ સિરામિક કંપનીના ડીરેક્ટર જગદીશભાઈ વરમોરાએ કહ્યું હતું કે, અમે મોરબીમાં વર્ષ 1996થી ટાઈલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છીએ. ગુજરાત સરકાર મોરબીમાં જી.આઈ.ડી.સી.ની સ્થાપના કરવા જઈ રહી છે, ત્યારે ઉદ્યોગો માટે જરૂરી રસ્તા, વીજળી જેવી દરેક પ્રકારની સુવિધાનો લાભ સરળતાથી મળી રહેશે. સરકારના સહયોગથી ટૂંકા સમયમાં ઝડપી વિકાસ કરીને સિરામિક ટાઈલ્સ ઉદ્યોગમાં ચાઈનાને પણ પાછળ રાખવા અમે કટિબધ્ધ છીએ. સનહાર્ટ ગ્રુપના સરકાર સાથે રૂ. 500 કરોડના MoU કરવાથી સરકાર તરફથી પૂરતો સહકાર મળવાની ખાતરી છે.

- text