શ્રાવણ માસના પ્રારંભ સાથે જ મોરબીના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજયા

- text


મોરબી જિલ્લાના શિવ મંદિરોમાં સવારથી જ ભક્તો ઉમટ્યા 

મોરબી : અધિક શ્રાવણ માસ પૂર્ણ થતાં જ આજથી નિજ શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ભોળાનાથની ઉપાસનાના પર્વ શ્રાવણ માસ શરૂ થતા ભક્તો ભગવાન ભોળાનાથની ભક્તિમાં તલ્લીન બની ગયા છે. આજે સવારથી જ મોરબી જિલ્લાના તમામ શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. મોરબીમાં શ્રાવણ માસ શરૂ થતા તમામ શિવાલયોમાં રુદ્ર અભિષેક, શ્રુગાર સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. તમામ શિવાલયો અને શિવલિંગને ખાસ શણગાર કરવામાં આવ્યો છે.

મોરબી જિલ્લામાં શ્રાવણ માસ શરૂ થતાં ભક્તો શિવભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. તમામ શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજી ઉઠ્યા છે. જેમાં મોરબીના સ્ટેશન રોડ ઉપર આવેલ જડેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ શોભેશ્વર મહાદેવ મંદિર, એલઇ કોલેજ રોડ ઉપર આવેલ અગનેશ્વર મહાદેવ મંદિર, મોરબી નજીક અને વાંકાનેરના પ્રખ્યાત જડેશ્વર મહાદેવ મંદિર, જંગલેશ્વર મહાદેવ મંદિર, શંકર આશ્રમ નીલકંઠ મહાદેવ મંદિર, કુબેરનાંથ મહાદેવ મંદિર, રફળેશ્વર મહાદેવ મંદિર, ટંકારા નજીક આવેલ ભીમનાથ મહાદેવ મંદિર, સહિતના તમામ નાના મોટા શિવાલયોમાં શણગાર અને રુદ્ર અભિષેક કરવામાં આવ્યાં છે અને આ શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. આખો શ્રાવણ માસ લોકો નિયમિત શિવ દર્શનનો લાભ લેશે, શિવાલયોમાં રોજ દુગધાંભિષેક, બીલીપત્ર ચડાવીને પૂજા-અર્ચના, આરતી કરવામાં આવશે. દરરોજ શિવ ભગવાનને નવા નવા શણગાર કરીને ભગવાન ભોળાનાથની ભક્તિ કરવામાં આવશે. જો કે વાંકાનેર નજીક આવેલ જડેશ્વર મહાદેવ મંદિરે બીજા સોમવારે અને મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિરે દર સોમવારે મેળો ભરાશે. આમ તો દરેક સોમવારે શિવાલયોમાં શિવ દર્શનનું મહત્વ હોય લંગભગ બધા શિવાલયોમાં શિવ દર્શન માટે ભક્તોની ભીડ જામશે.

શિવ મહાપુરણ કથામાં ભગવાન શિવની ભક્તિનો મહિમા દર્શાવવામાં આવ્યો છે. પુરાણોના શાસ્ત્ર અનુસાર ભગવાન શિવ સૌથી વધુ ભોળા હોવાથી ભક્તિ કરવાથી તરત પ્રસન્ન થઈ જાય છે. દશાનન રાવણ જેવા રાક્ષસો પણ શિવની ઉપાસના કરીને ઇચ્છીત વરદાનો મેળવ્યા છે. પણ આ રાક્ષસોની કુટિલ નીતિ હોવાથી તેઓ વરદાનમાં ક્યારેય કામિયાબ થયા નથી. પણ શિવની હકારાત્મક પૂજા અર્ચના કરવાથી ધાર્યા કામ થતા હોવાના પુરાણોમાં અનેક ઉલ્લેખ છે. શિવ ભગવાન ભોળા હોવાથી સૌથી વધુ તેમની ભક્તિ કરવામાં આવે છે અને તેમની સાચા ભક્તો ઉપર સદાય કૃપા રહે છે. શ્રાવણ માસ એટલે ભગવાન ભોળનાથની ઉપાસના કરવાનો સુંદર અવસર મનાય છે. એટલે જ શિવ ભક્તો આખો માસ ભગવાન શિવની કઠોર ઉપાસના કરે છે.

- text

- text