મોરબીના રફાળેશ્વર મેળા નજીક લારીના ભાડા બાબતે બે પક્ષો વચ્ચે માથાકૂટ, 7 ઘવાયા

- text


 

એક પક્ષના સમર્થનમાં પોલીસ મથકે ટોળા ઉમટ્યા, પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીના રફાળેશ્વરના મેળા દરમિયાન મેળા નજીક બે પક્ષો વચ્ચે આજે સાંજે લારીના ભાડા બાબતે મારામારી થઇ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમા પાઇપ, કુહાડી અને ડિસમિસ સહિતના હથિયારો વડે હુમલો થતા બન્ને પક્ષના 7 લોકોને ઇજાઓ થઈ હતી. પોલીસે બન્ને પક્ષોની સામસામી ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રફાળેશ્વ મેળા નજીકમાં જીઆઈડીસી રોડ ઉપર ઉમા ઓટો ગેરેજની આગળ 3થી 4 લારીઓ ઉભી રહે છે. આ લારી ભાડું ઉઘરાવવા આવેલા અજય જગદીશભાઈ વણકર અને તેમની સાથેના 2 મહિલા સહિતનાઓને દુકાનદાર દશરથભાઈ માકાસણા તેમજ અંતિમસિંહ જાડેજા, નિલરાજસિંહ જાડેજા અને નવઘણભાઈ સાથે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં કુહાડી, પાઇપ અને ડિસમિસ વડે હુમલો થતા બન્ને પક્ષના સાતેય લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા.

આ બનાવ બાદ ઉમા ઓટો ગેરેજના સંચાલક પક્ષના સમર્થનમાં અનેક લોકો આવ્યા હતા. જેમાં ભરવાડ સમાજ, પટેલ સમાજ અને રજપુત સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં એલસીબી પીએસઆઇ ચુડાસમાએ લોકોને સમજાવ્યા હતા કે યોગ્ય કાર્યવાહી થશે.

હાલ પોલીસે બન્ને પક્ષની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધર્યાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ મામલે વધુ તપાસ તાલુકા પોલીસના એએસઆઈ મણિલાલ ગામેતી ચલાવી રહ્યા છે.

- text

- text