ઘોર કળીયુગ ! પત્ની અને પુત્રએ મળી પતિને ધોકાવી નાંખ્યો

- text


ઘરમાં સીસીટીવી નાખવાનું કહેનાર આધેડને સસરાએ પણ તબતબાવી નાખ્યા : જાનથી મારી નાંખવા ધમકી

મોરબી : મોરબીમાં ઘોર કળીયુગના દર્શન કરાવતી એક ઘટનામાં ઘરમાં સીસીટીવી ફિટ કરાવવાનું કહેનાર આધેડને તેની જ પત્ની અને પુત્રએ ધોકાવી નાખી રૂમમાં ગોંધી રાખ્યા હતા અને બાકી હતું તો સસરાએ પણ જમાઈને તબતબાવી નાખી હવે તો જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપતા માર્કેટિંગનો વ્યવસાય કરતા મજબુર પતિએ સાડા ચાર દિવસની સારવાર બાદ પત્ની, પુત્ર અને સસરા વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી શનાળા રોડ ઉપર હેલ્થ ચેકઅપ સાધનોનું માર્કેટિંગ કરતા અને સરદાર બાગની સામે પુજા હોસ્પીટલની બાજુમા ગ્રીન હીલ્સ એપાર્ટમેન્ટ બ્લોક નંબર 303માં રહેતા જયેશભાઇ મહેન્દ્રભાઇ જોષી ઉ.46 નામના આધેડે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં તેમના પત્ની વંદનાબેન, પુત્ર નીલકંઠ અને સસરા શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

- text

જયેશભાઇ મહેન્દ્રભાઇ જોષીએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.13 જુનના રોજ તેઓ પોતાના ઘેર ગયા બાદ પત્ની વંદનાબેનને આપણે ઘરમાં સીસીટીવી કેમરા ફિટ કરાવવા છે તેમ કહેતા વંદનાબેને હવે આપણે છૂટાછેડા લઈ લેવા છે તેમ કહી ઝઘડો કર્યો હતો અને સમયે તેમનો પુત્ર નીલકંઠ આવી જતા માતા અને પુત્રએ મળી બેફામ માર મારી રૂમમાં પુરી દીધા હતા.

બાદમાં તેમના સસરા શ્યામસુંદર હરીલાલ શાસ્ત્રી આવ્યા હતા અને તેમને પણ આરોપી પત્ની અને પુત્રનો સાથ આપી જયેશભાઈને હવે તો જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જાહેર કર્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે કળિયુગી પત્ની અને પુત્ર વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text