હળવદમાં તસ્કરોનો વધુ એક સફળ હાથફેરો : મધ્યરાત્રીએ ભંગારના ડેલામાં હાથ માર્યો

- text


 

તસ્કરો રાજસ્થાની વેપારીની રાડો ઘડિયાળ, રૂ.75 હજાર રોકડા અને બે મોબાઈલ લઈ ગયા : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

હળવદ : હળવદ શહેર સાથે કાયમી નાતો જોડનાર તસ્કર ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ બે દિવસ પહેલા બે વાડીમાં ત્રણ સ્થળે ચોરી કર્યા બાદ ગતરાત્રીના હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર ભંગારના ડેલાને નિશાન બનાવી રાજસ્થાની વેપારીને સુતા રાખી કિંમતી રાડો ઘડિયાળ, રૂ.75 હજાર રોકડા અને બે મોબાઈલ લઈ ગયા હતા. જો કે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ – ધ્રાંગધ્રા હાઇવે ઉપર નવજીવન વિકલાંગ સંસ્થાની બાજુમાં ભંગારનો ડેલો ધરાવતા મૂળ ભીલવાડા રાજસ્થાનના મંગલપુરા ગામના વતની અને હાલ હળવદ ધરતી નગર સોસાયટીમાં રહેતા રતનભાઈ માંગુજીભાઈ ગુર્જર ગઈકાલે તા.29ના રોજ પોતાના ભંગારના ડેલે સુતા હતા ત્યારે રાત્રે 12.40 કલાકે બે બુકનીધારી તસ્કરો ડેલામાં ઘુસ્યા હતા.

વધુમાં ભંગારના ડેલામાં ઘુસેલા બુકાનીધારી તસ્કરોએ રતનભાઈ માંગુજીભાઈ ગુર્જરે એક થેલીમાં રાખેલા રોકડા રૂપિયા 75,000, એક રાડો ઘડિયાળ અને બે મોબાઈલ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી નાસી ગયા હતા અને સવારે ક્યારે વેપારી જાગ્યા ત્યારે ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું.

- text

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા આ બનાવ અંગે હાલમાં ભંગારના ધંધાર્થી રતનભાઈ માંગુજીભાઈ ગુર્જરે હળવદ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે લેખિત અરજી સ્વીકારી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.

- text