જાણો સ્વામી દયાનંદ સરસ્વતીની અજાણી વાતો : ભાગ 20 

- text


વિરભુમી રાજસ્થાનમાં રણકાર, મુસાફિર પં. લેખરામ સાથે મિલાપ, મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ ખાતે ચિંતા વ્યક્ત કરી, ગૌવધ માટે આવેદનપત્ર

ભારતવર્ષ અંગ્રેજ વિદેશી શાસનની એડી નીચે પરતંત્ર હતો. તેમ છતાં દેશી રાજાઓ આંતરિક શાસનમાં સ્વતંત્ર હતા.પરંતુ તે રાજાઓ પાશ્ચાત્ય પ્રવાહમાં તણાઈને પોતાનું પરાક્રમ અને ચારિત્ર્યને ખોઈ બેઠા હતા.અનેક પ્રકારના દુર્ગુણ, દુર્વ્યસન ચારિત્ર્યનાશક પ્રવૃત્તિઓમાં ડૂબી ચૂક્યા હતા.વિલાસી જીવનમાં ખદબદતા હતા.અંગ્રેજી શાસનના માંધાતાઓને ખુશ કરવા અને કુર્નિશ બજાવવામાં રચ્યાપચ્યા રહેતા હતા. મોટાભાગના રાજાઓ અને સામન્તોને બાદ કરતાં થોડા–ધણાં રાજાઓ ચરિત્રવાન,પ્રજાપ્રેમી,સદાચારી પણ હતા.તેમ હોવા છતાં તેઓ પોતાના અતીતની ગરિમા અને અસ્મિતાને ખોઈ બેઠા હતા. સ્વધર્મ, સ્વભાષા અને સ્વસંસ્કૃતિના થોડા અંશો કોઈ સ્થળે જોવા મળતા હતા.જેથી સ્વામી દયાનંદે વિચાર કર્યો કે જો રાજસ્થાનના રાજાઓના પ્રાચીન ગૌરવને જગાડવામાં આવે, તેઓના ચરિત્રોને સુધારવામાં આવે અને તેઓમાં સ્વદેશી અને સ્વાભિમાનને જાગૃત કરવામાં આવે, તો દેશનો સુધાર કરવાનું કાર્ય સરળ બની શકે તેમ છે.કારણ કે રાજાના સુધારથી પ્રજામાં તેનું અનુસરણ શીઘ્ર થતું હોવાથી અલ્પ પ્રયત્ને સુધારનું આંદોલન ઘણી તીવ્રતાથી આગળ ધપી શકે તેમ છે. આ યોજનાને લક્ષ્ય કરીને સ્વામીજીએ ફરી એક વાર રાજસ્થાનની ધરતી પર પદાર્પણ કર્યું.

આગ્રાથી પ્રસ્થાપન કરીને સ્વામીજી ૧૯૩૭ ફાગણ સુદ ૧૦, ગુરુવાર (૧૦ માર્ચ, ૧૮૮૧)ના રોજ ભરતપુર પધાર્યા.અહીં દશ દિવસ સુધી વૈદિક આદર્શો પર ધર્મોપદેશ આપ્યો. ભરતપુરથી સ્વામીજી ફાગણ વદ ૫, રવિવાર (૨૦ માર્ચ)ના જયપુર પધાર્યા. અહીં સ્વામીજીનાં અનેક સ્થાનો પર પ્રવચનો થયાં. પં. કાલુરામ શાસ્ત્રીના પ્રયાસોથી અહીં ‘વૈદિક ધર્મસભા’ની સ્થાપના થઈ હતી. તે બાદમાં આર્યસમાજરૂપમાં પરિવર્તિત કરવામાં આવી.સં. ૧૯૩૭ વૈશાખ સુદ ૭, ગુરુવાર (૫ મે, ૧૮૮૧)ના સ્વામીજીએ અજમેરમાં છઠ્ઠી વાર પદાર્પણ કર્યું. અહીં સ્વામીજીના આગમન પૂર્વે (૧૩ ફેબ્રુઆરી) આર્યસમાજની સ્થાપના થઈ ચૂકી હતી. અહીં સાંજે સાતથી રાત્રિના નવ વાગ્યા સુધી વિભિન્ન વિષયો પર વ્યાખ્યાનો થતાં હતાં. બે કલાક સુધી શ્રોતાઓ ર ઉપદેશામૃતનું પાન કરતા હતા. અહીં બાવીસ દિવસોમાં સ્વામીજીના છવ્વીસ પ્રવચનો થયાં. પેશાવરથી પંડિત લેખરામજી (તા. ૧૭ મે) સ્વામીજીનાં દર્શન માટે આવીને મળ્યા. પંડિત લેખરામજીએ સ્વામીજીને દશ પ્રશ્નો પૂછ્યા અને સ્વામીજીએ તેમના સર્વ સંદેહોનું નિવારણ કર્યું. પંડિતજીની સ્વામીજી સાથેની આ પ્રથમ અને અંતિમ મુલાકાત હતી. આ લેખકને મુસાફર લેખરામ ના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે જેણે સ્વામીજીનું જીવન ચરિત્ર લખવા અને જન્મસ્થાન ગોતવા ભારે જહેમત ઉઠાવી હતી અને ત્રણ વખત ટંકારા આવ્યા હતા મહર્ષિએ મુસાફરને અષ્ટાધ્યાયીની એક પ્રત આપી અને પચીસ વર્ષ પછી વિવાહ કરવાનો આદેશ આપ્યો હતો

મસૂદાના રાવસાહેબ બહાદુરસિંહના નિયંત્રણથી સ્વામીજી જેઠ વદ ૧૨ ગુરુવાર (૨૩ જૂન)ના મસૂદા આવ્યા. અહીં રાજમહેલ તથા અન્ય સ્થળો પર પ્રવચનો થયાં. રાયપુરના ઠાકોર હરિસિંહના આમંત્રણથી સ્વામીજી શ્રાવણ વદ ૯ ગુરુવાર (૧૮ ઑગસ્ટ)ના રાયપુર પધાર્યા. ઠાકોર હરિસિંહના રાણીનું (૪ સપ્ટેમ્બરના રોજ) અવસાન થતાં ઠાકોરસાહેબ શોકમગ્ન બન્યા હતા. ઠાકોરના દરબારી સામંતોએ સ્વામીજીને શોક સંવેદના પ્રકટ કરવા માટે ઠાકોર સાહેબને મળવા માટે અનુરોધ કર્યો. સ્વામીજીએ સંન્યાસોક્ત વિરક્તભાવ પ્રદર્શિત કરતા કહ્યું, ‘‘ભાઈ, મેં તો સાંસારિક સર્વ સંબંધોનો ત્યાગ કર્યો છે. મારા માટે જીવન અને મૃત્યુ સમાન છે. આથી કોઈ પ્રત્યે હર્ષ કે શોક કરવો એ મારું કાર્ય નથી. મારું કાર્ય તો ધર્મોપદેશ અને જનકલ્યાણનું છે. ભાદરવા સુદ ૧૫, ગુરુવાર (૮ સપ્ટેમ્બર) સ્વામીજી રાયપુરથી પ્રસ્થાન કરી (૯ સપ્ટેમ્બર) બ્યાવર પધાર્યા. અહીં પાદરી શૂલબ્રેડ અને બિહારીલાલ સાથે ફરી વાર્તાલાપ થયો. સં. ૧૯૩૮ કારતક સુદ ૫, ગુરુવાર (૨૭ ઑક્ટોબર, ૧૮૮૧)ના સ્વામીજી મેવાડની જૂની પ્રસિદ્ધ રાજધાની અને આર્યજાતિનું કેન્દ્ર રજપૂતાણાના શિરોમણિ ચિત્તોડગઢમાં પધાર્યા. રાજ્યના પદાધિકારીઓ કવિરાજશ્રી શ્યામલદાસે અને શ્રી મોહનલાલ પંડ્યાએ સ્વામીજીના આતિથ્યનો સર્વ પ્રબંધ કરી રાખ્યો હતો. પરંતુ સ્વામીજીને મુંબઈ આર્યસમાજના વાર્ષિકોત્સવ પર જવાનું હતું. જેથી મહારાણાએ વિદાય વેળાએ ઉદયપુર પધારવાનું નિમંત્રણ પાઠવ્યું અને વેદભાષ્ય પ્રકાશન માટે ૫૦૦|– રૂ. પ્રદાન કરી ભાવભીની વિદાય આપી.

સ્વામીજી માગસર વદ અમાસ બુધવાર (૨૧ ડિસેમ્બર) ઇન્દોર આવ્યા, પરંતુ ત્યાં જાણવા મળ્યું કે મહારાજા તુકોજીરાવ બહારગામ ગયા હતા. સં. ૧૯૩૮ પોષ સુદ ૧૦, શુક્રવાર (૩૦ ડિસેમ્બર, ૧૮૮૧ )ના સ્વામીજીએ ભારતના મહાનગર મુંબઈમાં અંતિમવાર પદાર્પણ કર્યું. સ્ટેશન પર આર્ય સભાસદો તથા કર્નલ ઑલ્કાટ વગેરેએ સન્માન કર્યું અને વાલકેશ્વરની ગૌશાળામાં નિવાસ કર્યો. વિશ્વના સર્વપ્રથમ મુંબઈ આર્યસમાજની સ્થાપનાને સાત વર્ષ પૂર્ણ થતાં વાર્ષિક ઉત્સવ તા. ૨૦–૨૧–૨૨ માર્ચ ૧૮૮૨ના ઊજવવામાં આવ્યો. તેમાં પ્રથમ દિવસે બૃહદ્ યજ્ઞ થયો તથા આ પ્રસંગે ગુજરાતી અને દાક્ષિણાત્ય પંડિતોએ સ્વર વેદ પાઠ કર્યો. તેમાં એક અથવા અધિક વેદસંહિતા કંઠસ્થ હતી, તેવા પંડિતો હતા. તેમને સંબોધિત કરતાં સ્વામીજીએ કહ્યું, ‘‘આ લોકો જ સાક્ષાત્ ચતુર્મુખ બ્રહ્મા છે. જેના મુખથી ચારે વેદ સંહિતાના મંત્રો ગંગાની નિર્મળ ધારા સમાન અવિરત પ્રવાહિત થઈ રહ્યા છે.”

- text

સ્વામીજીની દૃષ્ટિએ ગોરક્ષા અને ગોવધનિષેધનો પ્રશ્ન માત્ર હિન્દુઓની આસ્થાનો નહિ, પરંતુ તે દેશની આર્થિક સમૃદ્ધિથી સંબંધિત એક રાષ્ટ્રીય પ્રશ્ન પણ હતો. આ માટે આર્યાવર્તના પુનરુદ્ધારના સમરાંગણમાં ખેલતા ઋષિએ કતલખાનામાં ભાંભરડા નાખતી ગાયોનો આર્તનાદ સાંભળ્યો. અહિંસાના એ મહાત્માએ મુંબઈમાં ‘ગોકરુણાનિધિ’ પુસ્તક લખીને ગાય અને અન્ય પશુઓના નાશથી દેશને થતા નુકસાનનું વિસ્તૃત રૂપમાં વર્ણન કર્યું. મુંબઈમાં ગોરક્ષા પર મૂલ જેઠા માર્કેટમાં પ્રભાવશાળી પ્રવચન આપ્યું. સ્વામીજીએ ગોવધ બંધ કરાવવા માટે દેશમાં જનમત જાગૃત કરવા એક યોજના બનાવી. કરોડો હસ્તાક્ષર કરાવીને એ પત્રથી સરકારને ગોવધ બંધ કરાવવા માટે ફરજ પાડવામાં આવે. આ કાર્ય માટે કરુણામૂર્તિ દયાનંદે એ આવેદનપત્રથી મહારાણી વિક્ટોરિયા સુધી પહોંચવું હતું. જે પત્રમાં દેશભરમાંથી ૨,૭૭,૬૨૮ હસ્તાક્ષર પ્રાપ્ત થયા. ત્યાં સુધીમાં સ્વામીજીનું નિર્વાણ થતા આ કાર્યક્રમ અધૂરો રહી ગયો. આ ઉપરાંત અનેક સ્થાનો પર ‘ગોકૃષ્યાદિરક્ષિણી સભા’ઓ પણ સ્થાપિત કરી હતી.

સ્વામીજી મુંબઈમાં લગભગ છ માસ સુધી રહ્યા. ત્યાંથી ફરી રાજસ્થાનની યાત્રા પર જવા પ્રસ્થાન કર્યું. તેમાં ઉદયપુર પહોંચતા વચ્ચે નિમ્ન નગરોમાં રોકાણ કરતા રહ્યા. જેમ કે ખંડવા—સં. ૧૯૩૯ અષાઢ સુદ ૮, શનિવાર (૧૮૮૨ જૂન ૨૪); ઇન્દોર-અષાઢ વદ ૪, મંગળવાર (જુલાઈ ૪); રતલામ– અષાઢ વદ ૬ ગુરુવાર (જુલાઈ ૬); જાવરા–અષાઢ વદ ૮, શનિવાર (જુલાઈ ૮) ચિત્તોડ઼–અધિક શ્રાવણ સુદ ૧૦, મંગળવાર (જુલાઈ ૨૫) થઈને અધિક શ્રાવણ વદ ૧૨ ગુરુવાર (ઓગસ્ટ ૧૦)ના રોજ ઉદયપુર પહોંચ્યા. ઉદયપુરમાં સ્વામીજી મહારાણાના આમંત્રણથી પધાર્યા હતા અને તેઓએ સ્વામીજીના નિવાસનો પ્રબંધ ગુલાબબાગ સ્થિત નવલખા રાજમહેલ (જે તે સમયે સ્વામીજીએ ઉદયપુર રાજ્યમાં ન્યાયાલય અને અન્ય રાજકાર્યમાં અરબી ભાષાના શબ્દોના પ્રયોગના સ્થાને આર્થહિન્દી ભાષાના શબ્દો બનાવીને તે પ્રયોગ કરવાનું સૂચવતા મહારાણાએ તેનો અમલ કર્યો.) એક દિવસ મહારાણાએ એકાંતમાં અત્યંત વિનમ્ર ભાવથી નિવેદન કર્યું કે, ‘‘ભગવન્ ! આપ રાજનીતિના ‘સર્વસંગ્રહ’ સિદ્ધાંતથી પ્રતિકૂળ હોવાથી મૂર્તિપૂજાનું ખંડન છોડીને એકલિંગ મહાદેવની ગાદીના મહંત બનો તો તેની લાખોની આવકથી વેદભાષ્ય પ્રકાશનાદિમાં વ્યય કરી શકશો. આપ ભલે સ્વયં શિવ–પ્રતિમાનું પૂજન ન કરો, પરંતુ મઠની સંપત્તિ પર આપનો અધિકાર રહેશે અને આપને સંપૂર્ણ રાજ્યના ગુરુ માનવામાં આવશે.’ સ્વામીજી આ પ્રસ્તાવ સાંભળીને પ્રથમ ચકિત થયા પછી તેમણે થોડા આવેશપૂર્વક કહ્યું, ‘‘આપ આ પ્રસ્તાવ કોની સામે મૂકી રહ્યા છો તેની આપને ખબર છે ? મેં જીવનભર મઠો, મંદિરો અને મૂર્તિપૂજાનો વિરોધ કર્યો છે. આપનું રાજ્ય તો એટલું નાનું છે કે હું એક દોડ મારીને હું બહાર નીકળી શકું તેમ છું. પરંતુ આપ એ બતાવો કે, પરમાત્માના આ વિશાળ બ્રહ્માંડરૂપી રાજ્યને છોડીને હું ક્યાં જઈ શકું તેમ છું ? વેદ અને ઈશ્વરની આજ્ઞાનો ભંગ કરવો એ મારા માટે કદી પણ સંભવ નથી. ”

સ્વામીજીના રોષપૂર્ણ મુખમંડળને જોઈને મહારાણા ચોંકી ઊઠ્યા અને વાતને બીજી તરફ વાળીને કહ્યું, ‘‘હું તો આપના વિશ્વાસની દૃઢતા જાણવા માગતો હતો. મને વિશ્વાસ બેસી ગયો છે કે આપને આપના સિદ્ધાંતથી સંસારની કોઈ પણ વસ્તુ વિચલિત કરી શકે તેમ નથી.’

સ્વામીજી દેશ કલ્યાણ માટે સ્વદેશીની ભાવના જાગૃત કરતા હતા. સ્વદેશી વસ્ત્રોનું ધારણ કરવાની પ્રેરણા આપતા હતા તથા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિના વિકાસ માટે કાર્યરત રહેતા હતા. તેમજ તેમણે રાજ્યના કારભારમાં આર્ય હિન્દી ભાષા અને દેવનાગરી લિપિનો પ્રયોગ પ્રારંભ કરાવ્યો હતો. સ્વામીજી ઉદયપુરમાં લગભગ સાડા છ મહિનાથી અધિક સમય રહ્યા. અહીં ‘સત્યાર્થપ્રકાશ’ જેવા કાલજયી મહાગ્રંથની ભૂમિકાનું તથા વેદભાષ્યનું લેખન કાર્ય કર્યું. વિદાય સમયે મહારાણા સજ્જનસિંહજીએ વેદભાષ્ય પ્રકાશન માટે ૧૨૦૦|– રૂ. અર્પિત કરી પોતાની શ્રદ્ધાના પ્રતીકરૂપે રેશમી ઉત્તરીય વજ્ર અર્પણ કર્યું. આ ઉપરાંત પોતાના હસ્તાક્ષરયુક્ત એક અભિનંદન પત્ર સ્વામીજીના ચરણોમાં સમર્પિત કર્યું અને પુનરાગમનની પ્રાર્થના સાથે તેઓને વિદાય આપી. ક્રમશઃ….

- text