ટંકારામાં શિવરાત્રી અને બોધોત્સવની ઉજવણી

- text


આર્ય સમાજનો સ્થાપના દિવસ પણ ઉજવાયો

ટંકારામાં ત્રણ હાટડી શેરીમાં આવેલ આર્યસમાજ દ્વારા શિવરાત્રી મહોત્સવ અને આર્ય સમાજનો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં શિવરાત્રીના દિવસે સાંજે સાડા ચારથી સાત દરમિયાન ૠષિ બોધોત્સવનો કાર્યક્રમ થયો અને આર્ય સમાજનો 97મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. જેમાં દર્શન યોગ મહાવિદ્યાલય રોઝડના સન્યાસી વિદ્વાન બ્રહ્મવિદાનંદ તથા ચારે વેદોનું ગુજરાતી અનુવાદ કરનાર દયાલ મુનિની ઉપસ્થિતિમાં અને મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારાના મંત્રી અજય સહગલની ખાસ ઉપસ્થિતિ અને અનેક આર્ય સન્યાસીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ થયો હતો.

કાર્યક્રમમાં સર્વ પ્રથમ યજ્ઞ ત્યારબાદ ઋષિ ભક્તિના ગીતો આર્યવીરો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. દિનેશ પથિક દ્વારા પણ ભજનરૂપે સ્વામી દયાનંદ સરસ્વતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી સાથે સાથે આર્ય વીરાંગના દળ અને આર્ય મહિલા મંડળ દ્વારા પણ સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપરાંત ગત વર્ષમાં પોતાના ઘરને આંગણે દૈનિક યજ્ઞ કરતા પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે આર્યસમાજ ટંકારા દ્વારા સંચાલિત અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું વિશેષ માર્ગદર્શન આર્ય સમાજ ટંકારાના મંત્રી દેવકુમાર દ્વારા આપવામાં આવ્યું હતું. અને બાદમાં બ્રહ્મવિદાનંદ દ્વારા મનનીય ઉત્સાહપ્રેરક પ્રવચન રજૂ થયું હતું.

- text

કાર્યક્રમ ખુબ આનંદ અને ઉત્સાહ સાથે મનાવવામાં આવ્યો હતો. યજ્ઞના યજમાન અનિલભાઈ દુબરીયા, અશ્વિનભાઈ આંબલીયા, વાત્સલ્યભાઈ મનીપરા તથા મનીષભાઈ રંગપરીયા રહ્યા હતા. તો આ કાર્યક્રમમાં કાર્ય સદસ્યો, આર્યવીરો, આર્ય મહિલા મંડળ દ્વારા સેવા આપવામાં આવી હતી. અને તમામનો આભાર મંત્રી દ્વારા માનવામાં આવ્યો હતો.

- text