‘શાળા બંધ છે, શિક્ષણ નહિ’ સૂત્રને સાર્થક કરતા જાજાસરના શિક્ષકો

- text


રણ વિસ્તારમાં મોબાઈલ નેટવર્ક પણ ન હોવાથી શેરી શિક્ષણ શરૂ કરાયું

માળીયા : માળીયા તાલુકાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઇન શિક્ષણમાં મોબાઈલ નેટવર્ક વિઘ્ન બની રહ્યું છે. ત્યારે જાજાસર ગામની શાળાના શિક્ષકો દ્વારા બાળકો માટે શેરી શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે.

સમગ્ર દેશમાં કોરોનાકાળ દરમિયાન શાળાઓ કોલેજો બંધ છે ત્યારથી બાળકો માટે ઓનલાઇન શિક્ષણ શરૂ થઈ ગયું છે. પરંતુ માળીયા તાલુકામાં રણ વિસ્તાર છેવાડાના ગામોમાં નેટવર્કનો ખુબ જ પ્રોબ્લેમ હોય છે અને ગરીબ વાલીઓ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે. જેથી, વાલીઓ પાસે મોબાઇલ જેવા ઉપકરણો પણ નથી હોતા. આ તમામ બાબતો ધ્યાને લઇ બાળકોનું શિક્ષણ કાર્ય ન બગડે તે માટેના પ્રયત્ન જાજાસર પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે.

- text

શાળાના શિક્ષકો દ્વારા સુંદર મજાનું આયોજન કરી બાળકોને શેરી શિક્ષણ આપી રહ્યા છે. સાથો સાથ જવહર નવોદય વિદ્યાલય પરીક્ષાની પણ તૈયારી કરાવી રહ્યા છે. જાજાસર પંચાયતી પ્રાથમિક શાળા પરિવાર આચાર્ય ધીરુભાઈ મિયાત્રા, હરદેવભાઇ કાનગડ, ભાવેશભાઈ બોરીચા, કેસુરભાઈ ચાવડા, ચેતનભાઇ વોરા સહિતના શિક્ષકો ‘શાળા બંધ છે શિક્ષણ નહીં’ એ સૂત્રને ધ્યાનમાં રાખી બધા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન સાથે શિક્ષણ આપી રહ્યા છે.

- text