વાંકાનેરની મચ્છુ-1 કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતોનો સેક્સન ઓફીસે મોરચો

- text


એરીગેશન કર્મચારીઓને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરીમાં જોતરી દેવાતા સિંચાઈનું પાણી વિતરણ ખોરવાયું : ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતી

વાંકાનેર : વાંકાનેરની મચ્છુ-1 કેનાલમાંથી સિંચાઇનું પાણી ન મળતાં ખેડૂતો સેક્સન ઓફીસે પહોંચ્યા હતા અને એરીગેશન કર્મચારીઓને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીની કામગીરીમાં જોતરી દેવાતા સિંચાઈનું પાણી વિતરણ ખોરવાયું હોવાની રજુઆત કરીને સિંચાઈનું પાણી ન મળવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતી વ્યક્ત કરી હતી.

વાંકાનેર તાલુકામાં ઉપરવાસ આવેલ મચ્છુ 1 ડેમ ના કમાન્ડમાં આવતા સેક્સન-૨ વિભાગના ગામડાઓ જેવા કે કોઠારીયા, ટો‌‌ળ, અમરાપર, સજનપર, હડમતીયા, લજાઈ,વિરપર, રવાપર, રાજપર જેવા અનેક ગામના ખેડૂતોએ પિયતના પાણી માટેના ફોર્મ ભર્યા છે ત્યારે પાણી ખેડૂતોને આપી દીધેલ છે અને એક પાણ રવિ પાક માટે બાકી હોવાથી જરૂરત સમયે જ ઘઉંને પાણી ન મળે તો ઘઉંની ક્વોલિટી જળવાય તેમ નથી.આથી ખેડૂતોને ઉતારો પણ આવી શકે તેમ નથી.આ બાબતે સેકશન ઓફિસર ડેપ્યુટી.વી.એસ.ભોરણીયા અને સેકસન ઓફિસર પી.એમ. પાચોટીયાને હડમતિયા ગામના માજી સરપંચ મનસુખભાઈ કામરીયા, માજી સરપંચ વિનુભાઈ સગર અને બહોળી સંખ્યામાં ખેડૂતો રૂબરૂ ફરિયાદ કરતા સેક્શન ઓફિસર પણ પાણીમાં બેસી ગયા છે.

જાણવા મળતી માહિતી મુજબ ઉપર રાજકીય આકાઓ સેક્સન ઓફિસરને પણ ધાક-ધમકી આપવા લાગ્યા હોવાની ફરિયાદ ઊભી થઈ છે.ત્યારે એ જોવાનું રહ્યું કે નીચલા સેક્સનને પાણી મળે છે કે નહીં ? સેક્સન ઓફિસરે એવું જણાવ્યું હતું કે, ઘોડેસવાર કે બંદોબસ્ત મૂકે તો જ નીચલા સેક્સના ખેડૂતોને પાણી મળે તેમ છે.

- text

મચ્છુ-૧ ના સેક્શન ઓફિસર પણ જણાવી રહ્યા છે કે, અમો પણ રાત્રે સુતા નથી અને ખેડૂતો માટે મથી રહ્યા છીએ. ડેમમાં ઉપરવાસમાં શેવાળ વધુ જામી ગયો હોવાથી પાણી અટકી રહ્યું છે. ત્યારે જિલ્લા કલેક્ટર આ બાબતે શું નિર્ણય લે છે. તેના ઉપર નિર્ભર છે. નહીંતર ખેડૂતોને માથે ઓઢીને રોવાનો સમય આવશે. આ બાબતે માજી સરપંચે ટંકારા પડધરી વિસ્તારના ધારાસભ્ય લલીતભાઈ કગથરાનો‌ સંપર્ક સાધવા કોશિષ કરી હતી. પણ વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી તેઓનો સંપર્ક થઇ શકયો નથી.

- text